મહિલાને ‘ડિજિટલ અરેસ્ટ’ કરવાનો સાયબર ફ્રોડ નિષ્ફળ
વડોદરા |
વડોદરા શહેરની વાઘોડિયા રોડ સ્થિત બેંક ઓફ ઇન્ડિયા (BOI) શાખાના સતર્ક સ્ટાફ અને શાખા મેનેજરની સમયસર કાર્યવાહીથી એક સિનિયર સિટીઝન મહિલાને સાયબર ઠગોના ‘ડિજિટલ અરેસ્ટ’ કૌભાંડમાંથી બચાવી 35 લાખ રૂપિયાની મોટી રકમ બચાવવામાં સફળતા મળી છે.
મળતી માહિતી મુજબ, તા. 31 જાન્યુઆરી 2026ના રોજ BOI વાઘોડિયા રોડ શાખાની એક સિનિયર સિટીઝન મહિલા ગ્રાહકને સાયબર ઠગોએ ફોન દ્વારા ડરાવી ધમકાવી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી હતી. ઠગોએ મહિલાને જણાવ્યું હતું કે મુંબઈ પોલીસ દ્વારા એક મોટી હોટલમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન મળી આવેલા આધાર કાર્ડોમાં તેમનું આધાર કાર્ડ પણ મળી આવ્યું છે. આ આધાર કાર્ડનો ઉપયોગ મની લોન્ડરિંગ, માનવ તસ્કરી, ચાઇલ્ડ ટ્રાફિકિંગ અને ચાઇલ્ડ પોર્નોગ્રાફી જેવા ગંભીર ગુનાઓમાં થયો હોવાનું કહી મહિલાને ભારે ગભરાટમાં મૂકવામાં આવી હતી.
ઠગોએ મહિલાને કોઈને પણ આ બાબતની જાણ ન કરવાની કડક સૂચના આપી અને બેંક ખાતામાં રહેલી તમામ રકમ તેમના જણાવેલા ખાતામાં ટ્રાન્સફર કરવા દબાણ કર્યું હતું. ભયગ્રસ્ત હાલતમાં મહિલાએ પોતાની 35 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ તોડાવવા માટે બેંકનો સંપર્ક કર્યો હતો.

બેંકમાં હાજર સ્ટાફને મહિલાનો ડરેલો ચહેરો, ચિંતા અને તણાવ જોઈ શંકા ઉદભવી. ફિક્સ ડિપોઝિટ તોડવાનું કારણ પૂછતા મહિલાએ મેડિકલ ઇમરજન્સી હોવાનું કહી વાત ટાળી હતી. જોકે, જ્યારે મહિલાએ RTGS મારફતે મોટી રકમ શંકાસ્પદ ખાતામાં ટ્રાન્સફર કરવા માટે સ્લીપ ભરી આપતાં સ્ટાફને સ્પષ્ટ થઈ ગયું કે મહિલા સાયબર ફ્રોડનો ભોગ બની છે.
તાત્કાલિક રીતે BOI વાઘોડિયા રોડ શાખાના મેનેજર જીતેશ કુમાર પાંડેએ મામલો સંભાળી લીધો. તેમણે ખૂબ જ સંયમ અને પ્રેમપૂર્વક મહિલા સાથે વાતચીત કરીને સત્ય હકીકત બહાર કાઢી. ત્યારબાદ મહિલા ગ્રાહકના મોબાઇલ પરથી મેનેજરે સાયબર ઠગો સાથે સીધી વાત કરતાં જ ઠગો પોતાની કપટ લિલા સંકેલી મોબાઇલ સ્ક્રીન પરથી ગાયબ થઈ ગયા.
આ રીતે BOI વાઘોડિયા રોડ શાખાના મેનેજર જીતેશ કુમાર પાંડે અને સમગ્ર ટીમે સમયસર કાર્યવાહી કરીને સિનિયર સિટીઝન મહિલાની ‘ડિજિટલ અરેસ્ટ’ નિષ્ફળ બનાવી 35 લાખ રૂપિયાની રકમ બચાવી પ્રશંસનીય કાર્ય કર્યું છે. સાથે જ, સામાન્ય નાગરિકોને આવા સાયબર ફ્રોડથી સાવધાન રહેવાનો મહત્વપૂર્ણ સંદેશ પણ આપ્યો છે.
આ સમગ્ર મામલે બેંક મેનેજર દ્વારા વડોદરા સાયબર ક્રાઈમ પોલીસને જાણ કરવામાં આવી છે. વડોદરા સાયબર ક્રાઈમ પોલીસે છેતરપિંડી કરનાર તત્વોને ઝડપી પાડવા માટે વધુ ટેકનિકલ તપાસ હાથ ધરી છે.