SURAT

બજેટમાં CER હેઠળ સુરત માટે 5000 કરોડની ફાળવણી, સ્માર્ટ સિટીના વિકાસને બુસ્ટ મળશે

સુરતઃ રવિવારે તા. 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને વર્ષ 2026-27 માટેનું કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કર્યું. આ બજેટમાં સુરત સહિત દેશના સાત શહેરો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે આગામી 5 વર્ષ માટે ટાયર 2 અને 3ના સાત શહેરો માટે CER (સિટી ઈકોનોમિક રિજન્સ) અંતર્ગત 35000 કરોડની ફાળવણીની જાહેરાત કરી છે. પ્રત્યેક શહેરને 5000 કરોડનું ફંડ એલોટ કરાશે. આ સાત શહેરોમાં ગુજરાતમાંથી એક માત્ર સુરત શહેરનો સમાવેશ કરાયો છે. આ ફંડના લીધે સ્માર્ટ સિટી સુરતના વિકાસને બુસ્ટ મળશે.

  • સાત શહેરોમાં ગુજરાતમાંથી એક માત્ર સુરત શહેરનો સમાવેશ
  • કેન્દ્ર સરકારે આગામી 5 વર્ષ માટે ટાયર 2 અને 3ના સાત શહેરો માટે CER (સિટી ઈકોનોમિક રિજન્સ) અંતર્ગત 35000 કરોડની ફાળવણીની જાહેરાત કરી

કેન્દ્રીય નાણામંત્રીએ સિટી ઈકોનોમિક રિજન્સની યોજના હેઠળ ફંડની બજેટમાં જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત ટાયર 2 અને ટાયર 3 શહેરો તેમજ ટેમ્પલ ટાઉનને આર્થિક વૃદ્ધિના કેન્દ્રો બનાવવાનું આયોજન છે. તેનો બીજો હેતુ મેટ્રો શહેરો જેમ કે મુંબઈ અને દિલ્હી પરના દબાણને ઘટાડીને દેશભરમાં સમાન વિકાસ કરવાનો પણ છે.

CER શું છે અને તેમાં કયા-કયા શહેરનો સમાવેશ કરાયો છે?
CER એટલે સિટી ઈકોનોમિક રિજન્સ. આ ટાયર 2 અને ટાયર 3 શહેરોના વિકાસ માટેની યોજના છે. આ યોજના હેઠળ ગુજરાતમાંથી સુરત ઉપરાંત યુપીનું વારાણસી, આંધ્રપ્રદેશમાંથી વિશાખાપટ્ટનમ, મહારાષ્ટ્રમાંથી પૂણે, કર્ણાટકમાંથી બેંગ્લોર, ઓડિશામાંથી ભુવનેશ્વર-પુરી-કટક ત્રણ શહેરોની એક ટ્રાઈ સિટી તેમજ તમિલનાડુમાંથી કોમ્બતુર-ઈરોડ-તિરુપરની પસંદગી કરવામાં આવી છે.

પ્રારંભિક તબક્કામાં 2000 કરોડની ફાળવણી
આ યોજના હેઠળ આગામી પાંચ વર્ષમાં કુલ 35000 કરોડનું ફંડ ફાળવવામાં આવશે. પ્રત્યેક સિટીને 5000 કરોડનું ફંડ આપવામાં આવશે. 2026-27માં શરૂઆતી રકમ તરીકે આ યોજના અને અન્ય સંબંધિત પ્રોજેક્ટ્સ માટે 2000 કરોડની રકમ ફાળવવામાં આવી છે.

ફંડ કેવી રીતે મળશે?
રાજ્ય સરકાર અને સ્થાનિક સંસ્થા (મ્યુનિસિપલ કોર્પોરેશન) એ પોતાના પ્લાન રજૂ કરવા પડશે. તેના આધારે ફંડ ફાળવવામાં આવશે. ફંડ મેળવવા માટે રિફોર્મ કમ રિઝલ્ટ્સ દર્શાવવા પડશે. જેમ કે ગર્વનન્સમાં સુધારો, ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને માપી શકાય તેવા પરિણામો જેમ કે રોજગાર વધારો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ વિગેરે દર્શાવવા પડશે. આ યોજના હેઠળ ખાનગી ક્ષેત્ર સાથે મળીને પ્રોજેક્ટ્સ અમલમાં મુકવામાં આવશે.

સુરતને શું ફાયદો થશે?
સુરતને એક CER તરીકે પસંદ કરવામાં આવ્યું છે, જેનાથી ડાયમંડ-ટેક્સટાઈલ હબ તરીકેની તાકાત વધુ મજબૂત થશે. તે ઉપરાંત લોજિસ્ટિક્સ, ઈન્ડસ્ટ્રિયલ ઝોન અને ગ્લોબલ કનેક્ટિવિટીમાં મોટો બુસ્ટ મળશે. રોજગારીની તકો વધશે અને સુરત ગ્લોબલ સિટી બનશે.

Most Popular

To Top