Business

મધર ઑફ ઓલ ડીલ્સઃ ટ્રમ્પને હાથનાં કર્યા હૈયે વાગ્યાં, ભારતે અમેરિકાની દાદાગીરી અવગણી યુરોપનો રસ્તો લીધો

વર્ષનો ગણતંત્ર દિવસ અને ત્યાર બાદનો દિવસ ધુંઆધાર રહ્યો. ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટે (FTA) વૉશિંગ્ટનને એવો ઘા આપ્યો છે, જેની કળ વળતા વર્ષો લાગશે. ઇતિહાસમાં પહેલી વખત કર્તવ્ય પથ પર ભારતના ત્રિરંગાની સાથે યુરોપિયન યુનિયનનો ધ્વજ લહેરાયો. ઉર્સુલા વોન ડેર લેયેન અને એન્ટોનિયો કોસ્ટા પોતાની સૈન્ય ટુકડીઓને પરેડ કરતી જોઈ રહ્યા હતા, ત્યારે તે માત્ર એક ઔપચારિકતા નહોતી પણ ડોનાલ્ડ ટ્રમ્પ માટે એક ‘જિઓ-પૉલિટિકલ તમાચો’ હતો. જોકે, આ તમાચો વ્યાપારી ઉદારીકરણના સુંવાળા કાપડમાં લપેટીને ઝીંકવામાં આવ્યો હતો. ઉર્સુલા વોન ડેર લેયેને જેને ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ ગણાવી છે, તે ડીલ વૈશ્વિક GDPના ચોથા ભાગનું પ્રતિનિધિત્વ કરતા બે મોટા અર્થતંત્રોને જોડે છે. આ કરાર અમેરિકાના ટેરિફના ગણિતને ઊંધું વાળે છે એ તો ખરું, પણ સૌથી અગત્યનો સંકેત એ છે કે જ્યારે ‘અમેરિકા ફર્સ્ટ’ની નીતિ ભારતની ‘બહુ-પક્ષીય જોડાણ’ (Multi-alignment)ની નીતિ સાથે ટકરાય, ત્યારે પરિણામ શું આવી શકે છે. અમસ્તું જ નથી કહ્યું કે, ‘ડાહ્યું કાગડું બે પગે ફસાય.’
ટ્રમ્પનો આત્મઘાતી દાવ
આ ડીલ થઈ તેનું મુખ્ય કારણ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે છે. ભારતીય ઉત્પાદનો પર 50% ટેરિફ અને દિલ્હીની રશિયન તેલની ખરીદી પર 25% નો વધારાનો બેઝ ટેરિફ લાદીને ટ્રમ્પે અમેરિકાને ભારત માટેના ‘એલ ડોરાડો’ (અખૂટ તકો ધરાવતા પ્રદેશ) માંથી એક સાંકડી ગલીમાં ફેરવી નાખ્યું. જ્યારે તમારો સૌથી મોટો વ્યાપારી ભાગીદાર બજારમાં પ્રવેશને જ હથિયાર બનાવી દે, ત્યારે તમે દયાની ભીખ માંગવાને બદલે નવો રસ્તો શોધી કાઢો, ભારતે એ જ કર્યું.
બ્રસેલ્સે પણ આ સત્ય સમજી લીધું હતું. ટ્રમ્પે યુરોપિયન ઉત્પાદનો પર પણ 10-20% લેવી નાખવાની ચીમકી આપી હતી, જેનાથી EU પણ અકળાયેલું હતું. બ્લૂમબર્ગે નોંધ્યું છે તેમ, ભારત-EU કરાર મૂળભૂત રીતે ‘ટ્રમ્પને અપાયેલો જાકારો’ છે. બે પીડિત પક્ષોએ અમેરિકન સંરક્ષણવાદ (Protectionism) સામે એક થવા માટે એક મજબૂત શસ્ત્ર શોધી કાઢ્યું. છેલ્લા બે દાયકાથી ગોકળગાયની ગતિએ ચાલતી મંત્રણાઓ, ટ્રમ્પના શપથ ગ્રહણ વખતની ધમકીઓના થોડા દિવસોમાં જ અચાનક વેગ પકડી ગઈ અને નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ.
અમેરિકા માટે નિકાસ ગુમાવવાની ખોટ કરતાં, આંખ સામે દેખાતી એકલતાનો ઘા વધુ ઊંડો છે. યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમિસન ગ્રીરે જાહેરમાં બળાપો કાઢ્યો કે ‘ભારતનો હાથ ઉપર રહ્યો છે’, જે વોશિંગ્ટનની લાચારી છતી કરે છે. તેઓ ભલે ગમે તેટલી ફરિયાદો કરે, પણ બાજી તેમના હાથમાંથી નીકળી ગઈ છે અને સોદાને અટકાવવાની તાકાત હવે તેમની પાસે નથી.
આ દરમિયાન, EU-ભારત સુરક્ષા સંવાદ નાટો (NATO) ના વિકલ્પોની ચર્ચા કરી રહ્યો છે, જે ઇન્ડો-પેસિફિકમાં અમેરિકાના પ્રભાવને ઘટાડી રહ્યો છે. આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે ‘ક્વાડ’ (Quad) ટ્રમ્પના માત્ર ‘લેવડ-દેવડ’ આધારિત (Transactional) વલણના ભાર હેઠળ દબાઈ રહ્યું છે. ચીનનો ભય હોવાથી ભારત અમેરિકા સાથેની સંરક્ષણ ભાગીદારી તોડી નથી રહ્યું, પરંતુ પ્રજાસત્તાક દિવસના દ્રશ્યો એક સ્પષ્ટ સંકેત આપે છે: જો વોશિંગ્ટન આકરું વલણ અપનાવશે, તો દિલ્હી પાસે બીજા વિકલ્પો પણ છે.
ટેરિફના આ નખરાંની અમેરિકાએ મોટી જિઓ-પૉલિટિકલ કિંમત ચૂકવવી પડી છે. અમેરિકા ભારતને દબાણમાં રાખવા માંગતું હતું; તેના બદલે, અમેરિકાએ બ્રસેલ્સને ભારતના પ્રજાસત્તાક દિવસનું આમંત્રણ પ્લેટમાં મૂકીને આપી દીધું. પરિણામ એ આવ્યું કે ભારતે સ્ટીલ, ચામડું અને જેમ્સ એન્ડ જ્વેલરીને 450 મિલિયન યુરોપિયન ગ્રાહકો તરફ વાળી દીધા. તમે તેને ‘મલ્ટિપોલર હેજિંગ’ (બહુધ્રુવીય બચાવ) કહો કે અતિશય દબાણની સજા, ટ્રમ્પે પોતે જ પોતાની બિનજરૂરિયાત ઊભી કરી દીધી. આને જ કહેવાય, ‘હાથે કરીને હોળી સળગાવવી.’
વોશિંગ્ટન અત્યારે એક એવી દુવિધામાં ફસાયેલું છે જેનું નામ છે – ‘Ally vs Adversary’ (સાથી વિરુદ્ધ પ્રતિસ્પર્ધી). અમેરિકન ‘ડીપ સ્ટેટ’ (સંરક્ષણ તંત્ર) માટે ભારત ચીન સામેનો સૌથી મોટો વ્યૂહાત્મક ‘સાથી’ છે, જ્યારે ટ્રમ્પના આર્થિક એજન્ડા માટે ભારત એક જિદ્દી ‘પ્રતિસ્પર્ધી’ છે. ટ્રમ્પની ભૂલ એ હતી કે તેમણે ભારતના ‘પ્રતિસ્પર્ધી’ સ્વરૂપને ડામવા જતાં ‘સાથી’ સ્વરૂપને ઠેસ પહોંચાડી દીધી. અમેરિકાની આ જ નીતિવિષયક ગડમથલ (Policy Confusion) નો લાભ દિલ્હીએ બખૂબી ઉઠાવ્યો છે.
ભારતનો ગણતરીપૂર્વકનો જુગાર
આમ છતાં, કેન્દ્ર સરકારે હરખપદુડા થવાની જરૂર નથી. આ ડીલ વ્યૂહાત્મક જરૂરિયાત છે, કોઈ રાજકીય શતરંજની ચોખ્ખી જીત નથી. આમાં નુકસાનકારક બાંધછોડ પણ સામેલ છે. હા, EU માં ભારતીય નિકાસના 99% ટેરિફ-મુક્ત પ્રવેશનો આનંદ માણશે, જેમાં ટેક્સટાઇલ, ફાર્મા અને IT જેવા ક્ષેત્રો 2030 સુધીમાં 80 અબજ યુરોનો ફાયદો મેળવવા સજ્જ છે. પરંતુ ઝીણવટથી જોતાં સમજાશે કે હિસાબ દેખાય છે એટલો સીધો નથી.
કૃષિ અને સ્ટીલને આ ડીલમાંથી દૂર રખાયા છે; ખેડૂતોને બચાવવા માટે રાજકીય રીતે તે જરૂરી હતું, પરંતુ આર્થિક રીતે તે મોદીએ ગ્રામીણ આવકનું જે વચન આપ્યું હતું તેને મર્યાદિત કરે છે.
…અનુસંધાન પાના નં. 4 પર
EU ના આકરા નિયમો, જેવા કે CBAM કાર્બન ટેક્સ, વનનાબૂદીને લગતા કાયદા અને ડેટા લોકલાઈઝેશનના આદેશો ભારતીય SMEs (લઘુ ઉદ્યોગો) ની કમર તોડી નાખશે, જ્યાં 80% નિકાસ પહેલેથી જ ઓછી ડ્યુટીનો લાભ લેતી હતી. જ્યારે યુરોપ ભારતમાં લક્ઝરી કાર, વાઇન અને EVs ના ખડકલા કરશે, ત્યારે સામા પક્ષે 27 રાષ્ટ્રીય સંસદો દ્વારા આ ડીલને બહાલી મળતા વર્ષો લાગી શકે છે—ખાસ કરીને જો યુરોપની ગ્રીન લોબી ડેરી એક્સેસને પહેલા જ ડૂબાડી ન દે તો.
ટેરિફ કટ ઉપરાંત, ભારત માટે અસલી જીત વ્યૂહાત્મક બેન્ડવિડ્થની છે. આ FTA ભારતને કોઈનું પણ ‘ક્લાયન્ટ સ્ટેટ’ (આશ્રિત રાજ્ય) બનાવ્યા વિના મહાસત્તાઓને એકબીજા સામે રમાડવાની તક આપે છે. કર્તવ્ય પથ પર વોન ડેર લેયેનની હાજરી ભારતની રાજદ્વારી તાકાત વધારે છે. તેનાથી બેઇજિંગને પણ સંકેત મળે છે કે બ્રસેલ્સ દિલ્હીને ચીન વિરોધી કિલ્લા તરીકે જુએ છે, જેને રાજી રાખવું જરૂરી છે. વિશ્લેષક નવરૂપ સિંહની દલીલ મુજબ, આ ડીલ ‘વૈશ્વિક વેપાર, શક્તિ અને બહુધ્રુવીયતા’ ને નવો આકાર આપે છે, જે ભારતને પ્યાદા તરીકે નહીં પણ એક ‘સંતુલનકાર’ (Balancer) તરીકે સ્થાપિત કરે છે.
આ કોઈ એકની હાર અને બીજાની જીત જેવી રમત નથી. ટ્રમ્પના વમળમાંથી બચવા માટે બંને પક્ષોને આ ડીલની જરૂર હતી. તેનો સીધો અર્થ એ છે કે બંનેએ એવા સમાધાન સ્વીકાર્યા છે, જે સામાન્ય સંજોગોમાં અકલ્પનીય હોત. યુરોપિયન લક્ઝરી આયાત પર ભારતની મૂક સ્વીકૃતિ જિઓ-પૉલિટિકલ સંકેતની સરખામણીએ ગૌણ છે, અને વોશિંગ્ટન આ હકીકત સારી રીતે જાણે છે.
બહુધ્રુવીય સંદેશ
આ ઘટનાને જે બાબત સૌથી ધારદાર બનાવે છે તે આ છે: ભારતે એવું નથી બતાવ્યું કે તે યુરોપને અમેરિકા કરતાં વધુ પસંદ કરે છે. આપણે અમેરિકાને માત્ર એ યાદ કરાવ્યું છે કે અમારી પાસે વિકલ્પો છે. મોદી સરકારે એક દાયકો ‘મલ્ટિ-એલાઈન્મેન્ટ’ કેળવવામાં વિતાવ્યો છે—વોશિંગ્ટન, મોસ્કો, બ્રસેલ્સ અને બેઇજિંગ—તમામ સાથે જોડાઈ શકવાની ક્ષમતા કેળવી છે. ભારતે પોતાની મુત્સદ્દીગીરીથી સાબિત કર્યું છે કે કોઈના પણ બંધક થયા વિના પોતાનો રસ્તો કાઢતા તેને આવડે છે. ટ્રમ્પે ટેરિફનો ઉપયોગ કરીને આપેલી ધમકીઓ સામે ભારતે માત્ર શબ્દોથી નહીં પણ નક્કર પગલાંથી જવાબ આપ્યો છે. ડીલની જાહેરાત ઓછી હોય તેમ, આપણા પ્રજાસત્તાક દિવસની પરેડમાં EU નો ધ્વજ લહેરાવીને ઘણું કહી દેવાયું. વોન ડેર લેયેનનું ‘વિન-વિન’ (બંને પક્ષે જીત) વાળું નિવેદન કદાચ રાજદ્વારી મીઠાશ હોઈ શકે, પરંતુ સમીકરણો ઠોસ છે. યુરોપને ટ્રમ્પ અને ચીન બંને સામે રક્ષણ મળે છે. સંરક્ષણ સંબંધો અકબંધ રાખીને ભારત અમેરિકા પરની નિર્ભરતા ઘટાડી રહ્યું છે. અને ટ્રમ્પ? તેને અનિચ્છનીય પરિણામોનો એક માસ્ટરક્લાસ મળ્યો છે: એવો સંરક્ષણવાદ જે રક્ષણ કરતો નથી, એવી એકલતા જે હાથે કરીને વહોરી છે, અને એવા સાથીદારો જે હવે અમેરિકન નેતૃત્વની રાહ જોઈને બેઠા નથી.

Most Popular

To Top