Vadodara

રાષ્ટ્રીય એકતા રેલીમાં પધારેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાનું બ્રહ્માકુમારીઝ અટલાદરા દ્વારા ભાવભર્યું સ્વાગત

ભારતના લોખંડી પુરુષ અને ભારતને અખંડ રાષ્ટ્રના સૂત્રમાં પરોવનાર મહાનાયક સરદાર વલ્લભભાઈ પટેલજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે વડોદરામાં ૨૯ નવેમ્બરના રોજ રાષ્ટ્રીય એકતા રેલી કાઢવામાં આવી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે .પી. નડ્ડા, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, વડોદરાના સાંસદ ડો. હેમાંગભાઈ જોશી અને વડોદરા ભાજપ અધ્યક્ષ ડો. જે.પી. સોની તેમજ અનેક વરિષ્ઠ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા હતા. અટલાદરા વિસ્તારમાંથી પસાર થતી વખતે બ્રહ્માકુમારીઝ અટલાદરાના તમામ ભાઈ-બહેનો દ્વારા રેલીનું અપૂર્વ ઉત્સાહ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.


ત્યારબાદ તમામ વરિષ્ઠ મહાનુભાવો અટલાદરા સેવાકેન્દ્ર પર પધાર્યા હતા, જ્યાં સૌપ્રથમ મેડિટેશન રૂમમાં જઈને સૌએ ૫ મિનિટ ધ્યાન કર્યું હતું. ત્યારબાદ સેવાકેન્દ્રના સંચાલિકા બી.કે. ડો. અરુણા બહેને અતિથિ કક્ષમાં સૌની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં અરુણા બહેનજીએ નડ્ડાજીને સંસ્થાની સેવાઓ વિશે અવગત કરાવ્યા અને વર્તમાનમાં સંસ્થાના ગુજરાત ઝોન દ્વારા ચલાવવામાં આવી રહેલા વિશ્વ શાંતિ હેતુ ૧૦૦ કરોડ મિનિટ શાંતિ યોગદાન કાર્યક્રમ અને સંસ્થા દ્વારા શીખવવામાં આવતા સહજ રાજયોગ વિશે જાણકારી આપી હતી. ત્યારબાદ નડ્ડાજીએ પણ દરરોજ ૫ મિનિટ વિશ્વ શાંતિ માટે યોગ કરવાનો સંકલ્પ લઈ સંકલ્પ ફોર્મ ભર્યું અને આ કાર્યક્રમની પ્રશંસા કરી હતી.
આ દરમિયાન નડ્ડાજીએ બ્રહ્માકુમારીઝ મુખ્યાલય માઉન્ટ આબુની તેમની યાત્રાના અનુભવો શેર કરતા કહ્યું કે, સંસ્થાની બહેનો ખૂબ જ સ્નેહભાવ સાથે નિઃસ્વાર્થ સેવાઓ કરે છે. માઉન્ટ આબુમાં સંસ્થા દ્વારા તમામ સામાજિક વર્ગો માટે આધ્યાત્મિક સેવાઓના કાર્યક્રમો ચાલે છે. તમામ સેવાકેન્દ્રો પર શાંતિનું અનોખું વાતાવરણ હોય છે અને રાજયોગના અભ્યાસથી અનન્ય આંતરિક શક્તિનો અનુભવ થાય છે. તેથી તેમણે ત્યાં ઉપસ્થિત તમામ વરિષ્ઠ જનોને સંસ્થાના મુખ્યાલય માઉન્ટ આબુ જવા માટે પણ પ્રેરિત કર્યા હતા. મુલાકાત બાદ સેવાકેન્દ્રના સહ-સંચાલિકા બી.કે. પૂનમ બહેને સૌને શિવ પરમાત્માની યાદની રાખડી બાંધી અને સૌને ઈશ્વરીય પ્રસાદ સ્વીકારાવ્યો હતો.
ત્યારપછી સૌએ સેવાકેન્દ્રની બહાર લગાવેલા સ્ટેજ પર સેવાકેન્દ્ર દ્વારા સજાવવામાં આવેલી ભારત માતાની સુંદર ઝાંખીનું અવલોકન કર્યું અને પોતાની શુભેચ્છાઓ સાથે આગળની યાત્રા તરફ પ્રસ્થાન કર્યું હતું.

Most Popular

To Top