Business

શેરબજારમાં ભારે અફરાતફરી, એક જ ઝાટકામાં રોકાણકારોએ 8.51 લાખ કરોડ ગુમાવ્યા

મુંબઈઃ શેરબજારમાં આજે તા. 22 ઓક્ટોબરને મંગળવારે ભારે અફરાતફરી જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 930 પોઈન્ટ ઘટીને 80,220 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 310 પોઈન્ટ (1.25%) ઘટીને 24,472ના સ્તરે બંધ થયો હતો.

નિફ્ટી બેંક પણ 700 થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો. બીએસઈ સેન્સેક્સના ટોચના 30 શેરોમાં માત્ર આઈસીઆઈસીઆઈ બેન્કના શેર ગ્રીન ઝોનમાં હતા. બાકીના તમામ 29 શેર રેટ એલર્ટ પર ટ્રેડ થયા હતા. આ શેરોમાં સૌથી મોટો ઘટાડો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 3.29 ટકા જોવા મળ્યો હતો.

જેએસડબ્લ્યુ સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, એલએન્ડટી, મારુતિ સુઝુકી, ઈન્સ્લન્ડ બેન્ક, ટાટા મોટર્સ, એસબીઆઈ જેવી મોટી કંપનીના શેર્સ લગભગ 3 ટકા તૂટ્યા છે. એનએસઈના 2,825 શેરોમાંથી 299 શેરની કિંમતો વધી હતી જ્યારે 2,466 શેરના ભાવમાં તીવ્ર ઘટાડો થયો હતો. 60 શેર્સ સ્થિર રહ્યાં હતા. 48 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી બનાવી છે, જ્યારે 150 શેર 52 સપ્તાહની નીચી સપાટીએ હતા. 49 શેર અપર સર્કિટ પર અને 309 શેર લોઅર સર્કિટ પર હતા.

આ સેક્ટર્સમાં મોટો ઘટાડો
આજે નિફ્ટી બેન્કથી લઈને હેલ્થ સેક્ટર સુધીના શેરોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. પીએસયુ બેન્કોમાં 4.47 ટકાનો ઘટાડો નોંધાયો છે. સ્મોલકેપ અને મિડકેપમાં આ ઘટાડો વધુ ગંભીર છે. બીએસઈ સ્મોલકેપમાં 2,186.12 પોઈન્ટ્સ જ્યારે બીએસઈ મિડકેપમાં 1,214.83 પોઈન્ટ્સનો ઘટાડો થયો છે.

આ શેર્સ તૂટ્યા
આજે શેરબજારમાં વર્ધમાન હોલ્ડિંગ 14.22 ટકા તૂટ્યો હતો. તે 4549.90 પર બંધ થયો હતો. જીઆરએસઈનો શેર 12.34% ઘટીને રૂ. 1581.65 પર બંધ થયો હતો. અંબર એન્ટરપ્રાઈઝ ઈન્ડિયાનો શેર 11.31% ઘટીને રૂ. 5,627.05 પર બંધ થયો હતો. જના સ્મોલ ફાઇનાન્સ બેંકનો શેર પણ 11 ટકા ઘટીને રૂ. 457.50 પર બંધ થયો હતો. મઝગાંવ ડોક શિપયાર્ડનો શેર આજે 10 ટકા ઘટીને રૂ. 4206 પર બંધ થયો હતો. સુપ્રિમ ઇન્ડસ્ટ્રીઝનો શેર 10.48 ટકા ઘટીને રૂ. 4,485 પર બંધ થયો હતો. મેંગલોર રિફાઇનરીના શેર 7 ટકાના ઘટાડા સાથે રૂ. 147 પર બંધ થયા હતા. એસજેવીએનના શેર પણ 7 ટકા તૂટ્યા છે. એનએલસી ઈન્ડિયાનો શેર 6.77 ટકા ઘટ્યો હતો. પીએનબીનો શેર પણ 7 ટકા ઘટીને રૂ. 95 પર બંધ થયો હતો.

રોકાણકારોએ 8.51 લાખ ગુમાવ્યા
શેરબજારમાં ભારે ઘટાડાથી રોકાણકારોની સંપત્તિને 8.51 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. મોટાભાગના રોકાણકારોના પોર્ટફોલિયો રેડ ઝોનમાં છે. બીએસઈનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 4,53,65,023.74 કરોડથી રૂ. 8.51 લાખ કરોડ ઘટીને રૂ. 4,45,13,502 કરોડ થયું છે.

Most Popular

To Top