Dakshin Gujarat

એંધલ ગામ પાસેથી 53 હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે સુરતનું દંપતી ઝડપાયું

નવસારી, બીલીમોરા : નેશનલ હાઈવે નં. 48 ઉપર એંધલ ગામ પાસેથી ગણદેવી પોલીસે બાતમીના આધારે 53 હજારના વિદેશી દારૂ ભરેલી કાર સાથે દંપતીને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ગણદેવી પોલીસને બાતમી મળી હતી કે, એક સફેદ રંગની હ્યુન્ડાઈ સેન્ટ્રો કાર (નં. જીજે-05-સીજે-1272) નો ચાલક તથા એક બહેન દારૂનો જથ્થો ભરીને વલસાડ તરફથી નેશનલ હાઈવે નં. 48 પરથી આવે છે અને સુરત તરફ જનાર છે. જે થોડીકવારમાં હાઈવે રોડ ઉપરથી પસાર થનાર છે. જે બાતમીના આધારે નેશનલ હાઈવે નં. 48 ઉપર એંધલ પાટિયા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને રોકી તપાસ કરતા તેમાંથી 53,700 રૂપિયાની વિદેશી દારૂની ૧૬૫ નંગ બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે સુરત જુનુ ભટાર સિદ્ધિ શેરીમાં રહેતા જગદીશભાઈ ધનસુખભાઈ ભાટિયા અને તેમની પત્ની લતાબેન જગદીશભાઈ ભાટિયાને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 1.50 લાખની કાર અને 5 હજાર રૂપિયાનો મોબાઈલ મળી કુલ્લે 2,08,700 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી વધુ તપાસ ગણદેવી પીએસઆઇ ડીએમ રાઠોડ કરી રહ્યા છે.

Most Popular

To Top