Dakshin Gujarat

પલસાણા નજીક ATM તોડી લાખોની ચોરી કરનાર મેવાડી ગેંગના માણસો ઝડપાયા

પલસાણા: પલસાણા (Palsana) ચાર રસ્તા નજીક આવેલ આઇ.ડી.બી.સી. બેંકના (Bank) એટીએમને (ATM) ગત ૨ નવેમ્બરના રોજ કોઇ અજાણ્યા ઇસમોએ આવી ગેસ કટરની મદદથી એટીએમ મશીનને તોડીને તેમાંથી ૧૭ લાખથી વધુની મત્તાની ચોરી નાસી છૂટ્યા હતા. ત્યારે આ અંગે સુરત (Surat) ગ્રામ્ય એલસીબી અને એસઓજીની ટીમે એટીએમ ચોરીમાં સંડોવાયેલી કુખ્યાત મેવાતી ગેંગના બે સાગરીતોને ઝડપી પાડી ૧.૯૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા.૨ નવેમ્બરે રાત્રિના સુમારે પલસાણા ચાર રસ્તા નજીક આવેલ આઇડીબીસી બેંકનું એટીએમ મશીનમાં ચોરી થઇ હોવાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ગુનાની તપાસમાં જોતરાઇ ગયા હતા. ચોરી કરનાર ગેસ ટકરની મદદથી એટીએમ મશીનને તોડીને તેમાંથી ૧૭૬૮૭૦૦ રૂપિયાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ તેમજ સ્કોર્પિયો ગાડી લઈ આવ્યા હોવાનું સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું. ત્યારે આ અંગે સુરત ગ્રામ્ય એલસીબી તેમજ એસઓજીની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે અલગ અલગ ટીમો બનાવી ગુનાના મૂળ સુધી પહોંચવાની કોશિશ કરી હતી.

સમગ્ર ગુનામાં સંડોવાયેલી રાજસ્થાનની કુખ્યાત મેવાતી ગેંગ હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું. અને તેમને બાતમી મળી હતી કે એટીએમ ચોરી કરનાર બે ઇસમ કડોદરાની નીલમ હોટલ પાસે ઊભા છે. ત્યારે પોલીસે સ્થળ પર મહોમ્મદ અમીન ઉર્ફે હાફીસ અબ્દુલ મજીદ અમીરદીન ખાન મેહ૨ (ઉં.વ.૨૮) (રહે.,બડલીમાંડા રાજીવ ગાંધી સ્કૂલની નજીક, રાજસ્થાન) તેમજ મન્સુર ખાન ઉર્ફે મનીયા કાસમખાન નિઝામુદ્દીન ઝુનેજા (ઉં.વ.૨૦) (૨હે., લોરડિયા, ગાજીમગરા, તા.ફલોદી, રાજસ્થાન)ને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી ૧.૬૦ લાખ રોકડા, મોબાઇલ- ૬ કિંમત રૂ.૩૧ હજાર મળી કુલ ૧,૯૧,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો. આ ગુનામાં સંડોવાયેલા અબ્દુલ ગની નીજામદીન જુનેજા, હસમદીનખાન તેમજ ૩ અજાણ્યા મેવાડી ભાષા બોલતા ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

આરોપીઓ આ રીતે ચોરી કરતા હતા
ગુનાનો મુખ્ય સૂત્રધાર અબ્દુલ ગની નીજામદીન તથા હમસદીન અગાઉ પણ ગુજરાત તેમજ રાજસ્થાન જેવાં રાજ્યોમાં અગલ અલગ ગુનાઓમાં પણ ઝડપાઇ ગયા છે. જેઓ બંને મેવાડી ગેંગના માણસો લાવી ગેસ કટર દ્વારા એટીએમ કાપી ચોરીઓ કરતા હતા. જેથી બંને આરોપીઓ પોતાની સ્કોર્પિયો કાર તેમજ તેની મદદમાં ટ્રક લઇ મહારાષ્ટ્રમાં ગયા હતા. અને ત્યાંથી એટીએમ ચોરી કરવા માટે રેકી કરતા કરતા પલસાણા ચાર રસ્તા ખાતે રાત્રિના સમયે એટીએમ તોડી ચોરી કરવાનો પ્લાન બનાવી મેવાડ ગેંગના બે સાગરીતો ગેસ કટર સાથે એટીએમમાં જઇ ચોરીને અંજામ આપ્યો હતો.

Most Popular

To Top