આગામી વર્ષમાં દેશના ઉત્તરપ્રદેશ સહિતનાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે ત્યારે અત્યારથી દેશના રાજકીય પક્ષો/જાતિય પક્ષો જ્ઞાતિવાદી/સંપ્રદાયવાદી મત બેંકોમાં અને વિકાસના રાજકારણમાં અત્યંત વ્યસ્ત બનેલ છે અને જાણે ચૂંટણી ચાલુ છે તેવું વાતાવરણ ઉભુ કરેલ છે. દેશમાં સામાજીક ન્યાયની રાજનીતિનો દાવો કરતી પાર્ટીઓ કોઈ એક મુખ્ય જાતિને આધાર બનાવીને તેની આજુબાજુની બીજી જાતિઓને સાંકળીને સત્તામાં આવ્યાની રણનીતિ બનાવતા આ પક્ષો પોતાની આ ફોર્મ્યુલાને કારણે વર્ષો સુધી સફળતાનો સ્વાદ ચાખીને સત્તામાં રહે છે.
હકીકતમાં માત્ર ને માત્ર જાતિઓની ગણતરીની રાજનીતિ થોડા જ સમયમાં જ દેડકા તોલવાની ગતિવિધી જેવી બની જાય છે. તમે એક દેડકો ઉંચકીને ત્રાજવાના એક પલડામાં મૂકો છો ત્યારે બીજો દેડકો કૂદકો મારીને બહાર નીકળી જાય છે. ગુજરાતના ‘આમ’ રાજકારણને કારણે કોંગ્રેસમાંથી પટેલ વોટ નીકળી ગયા જેનો લાભ આજે વર્ષોથી ભાજપને સત્તા દ્વારા મળી રહ્યો છે. દેશની આઝાદી બાદના કોંગ્રેસ અને અન્ય પક્ષોના લઘુમતી મતોના સ્વાર્થી તૃષ્ટિકરણોના કારણે દેશની વૈચારિક ગાડી આઝાદીના વર્ષો બાદ પણ હજુ પાટા પર જ ચડી શકેલ નથી જેના પરિણામે દેશમાં પક્ષોના/જૂથોના/સંગઠનોના વૈમનસ્યો/સંઘર્ષો અનિર્ણીત બનીને વર્ષોથી વધતા જ રહેલા છે જે દેશને અને સમાજને નુકશાનકારક બની રહ્યા છે. ચૂંટણી મતોના આ પક્ષીય સ્વાર્થી રાજકારણને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિકાસના રાજકારણમાં વાળી દીધેલ છે.
જેના પરિણામે ઉત્તર પ્રદેશમાં આજે વિકાસના ન માની શકાય તેવા કરોડો રૂપિયાના વિકાસ કાર્યો જેવા કે યુ.પી.ના જેવરમાં વિશ્વનું ચોથું અને એશિયાનું સૌથી મોટા એરપોર્ટનું શીલાન્યાસ, લશ્કરી વિમાનો ઉતારી શકાય તેવા પૂર્વાયળનો એપ્રોચ ટાળ્યો, નવી મેડીકલ કોલેજો તેમજ વિકાસના અનેક કાર્યો બની રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય એમ ડબલ એન્જીનવાળી સરકારથી જ આવા વિરાટ કાર્યો સંભવી શકે. આમ દેશના ઉત્તરપ્રદેશ સહિતનાં પાંચ રાજ્યોના મતદારોએ એ નક્કી કરવાનું છે કે તમારે દેશમાં લાંબો સમય નુકશાનકર્તા જ્ઞાતિવાદી/સપ્રદાયવાદી રાજકારણ ચલાવવું છે કે લાંબા સમયના ફાયદાકારક વિકાસનું રાજકારણ ચલાવ્યું છે.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ .-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.