Columns

એ જમાનાના સુરતના 9 થિયેટરો

સ્ટેશન તરફથી શહેરમાં પ્રવેશતા મેઇન રોડ પર, દિલ્હીગેટ પસાર કર્યા પછી ડાબી બાજુએ લાઇનબંધ થિયેટરો અસ્તિત્વમાં હતા. દરેકને ક્રમ પ્રમાણે યાદ કરીએ-
કેપિટોલ:
થિયેટરનો હોલ મોટો હતો, પણ પડદો (સ્ક્રીન) બહુ જ નાનો. બાલ્કનીમાં જવા માટે લાકડાની સીડી હતી. આ થિયેટરમાં આવેલી ફિલ્મો- ‘ધૂલ કા ફૂલ’, ‘સસુરાલ’… વગેરે 1961-62માં આ થિયેટરનું રીનોવેશન થયું. સ્ક્રીન મોટી બની. બેઠક વ્યવસ્થા સારી બની. બહારનો દેખાવ પણ બદલાયો. રીનોવેશન થયા પછી પહેલી ફિલ્મ થજૂ થઇ, શમ્મી કપૂર અને સાયરાબાનુની ‘જંગલી’.
કૃષ્ણ:
રોડ પર જ ટીકીટ બારી હતી. બહારના દરવાજા ઉપર અર્ધગોળાકાર રીતે ‘કૃષ્ણ સિનેમા’ કોતરેલું હતું. દરવાજાના શટર્સ બંધ રહેતા. ટીકીટ લીધા પછી જ અડધા શટરમાંથી અંદર પ્રવેશ મળતો.

પ્રકાશ:
દરવાજાની અંદર દાખલ થતાં થિયેટરની આજુબાજુ વિશાળ જગ્યા હતી. જમણી તરફ ટીકીટ લેનાર પ્રેક્ષકોમાં ધક્કામુક્કી ન થાય તે માટે પાઇપ અને લોખંડની જાળી વડે લાઇન બનાવવાની વ્યવસ્થા હતી. હોલમાં સ્ક્રીનના ઉપરના ભાગમાં ‘સૂર્યપ્રકાશ થિયેટર’ કોતરેલું હતું. આ થિયેટરમાં આવેલી ફિલ્મો ‘અનાડી’, ‘પ્યાર કા સાગર’… વગેરે. ‘મુગલ-એ-આઝમ’ પણ આ થિયેટરમાં રજૂ થયું હતું. તે વખતે થિયેટરની બહારના દરવાજા ઉપર મોગલ દરબારનો આખો સેટ ઊભો કર્યો હતો.
વિકટરી:
બરાબર પ્રકાશ ટોકીઝને અડીને પાછળના ભાગમાં આવેલું આ જોડિયા થિયેટર હતું. આ થિયેટરમાં મોટા ભાગે ઇંગ્લીશ ફિલ્મો આવતી.

ન્યૂ સુપર:
આ થિયેટરની સ્ક્રીન ચોરસ હતી અને સ્ક્રીનના ઉપરના ભાગમાં ‘નટવર થિયેટર’ કોતરેલું હતું. આ થિયેટરમાં આવેલી ફિલ્મો ‘ઘરાના’, ‘અખંડ સૌભાગ્યવતી’… વગેરે. ‘દિલ અપના ઔર પ્રીત પરાઇ’ ફિલ્મ પણ અહીં જ રજૂ થઇ હતી. તે વખતે થિયેટરની બહાર દરવાજા ઉપર દરિયા કિનારે હાથ ટેકવીને બેઠેલી મીનાકુમારી અને પાછળના ભાગમાં અર્ધચન્દ્રનું મૂકેલું કટીંગ, આજે પણ આંખ સામે તરવરે છે.

ન્યૂ લક્ષ્મી:
આમાં પણ થિયેટરની આજુબાજુ વિશાળ જગ્યા હતી. હોલ પણ મોટો અને સ્ક્રીનના ઉપરના ભાગમાં ફિલ્મો- ‘સિંગાપુર’, ‘ચૌદવીં કા ચાંદ’… વગેરે. ‘છોટી બહન’ ફિલ્મ આ થિયેટરમાં એક વર્ષ ચાલી હતી. દેવ આનંદનું ‘કાલા પાની’ આ થિયેટરમાં આવ્યું ત્યારે વસંત ટોકીઝના છેડા પર, મેઇન રોડ પર પડતી બીજા માળની નાનકડી બાલ્કનીમાં દેવ આનંદનું એવું કટીંગ મૂકયું હતું કે જાણે તે અદાલતના કઠેડામાં ઊભો રહી, લાંબો હાથ કરીને ન્યાય માંગતો હોય. આ કટીંગ મેઇન રોડ પર ટાવર પાસેથી જોઇ શકાતું હતું.

વસંત:
ન્યુ લક્ષ્મીની બરાબર બાજુમાં આ થિયેટર હતું. તે વખતે ન્યુ લક્ષ્મી અને વસંત બંને થિયેટરો વચ્ચે એવું કોમ્બીનેશન હતું કે કોઇ પણ ફિલ્મ ન્યુ લક્ષ્મી થિયેટરમાં થોડા અઠવાડિયા ચાલે, ત્યાર પછી તેને વસંત ટોકીઝમાં ટ્રાન્સફર કરવામાં આવતી. તેનું એક ઉદાહરણ યાદ આવે છે:
ન્યુ લક્ષ્મીમાં ‘અપના ઘર’ ચાલતું હતું, ત્યાં રાજેન્દ્રકુમારનું ‘મા બાપ’ આવવાનું હતું. એટલે ‘અપના ઘર’ને વસંતમાં ટ્રાન્સફર કરવાનું હતું. આ બાબતની તે વખતે ‘ગુજરાતમિત્ર’માં મોટા અક્ષરે એક સુંદર જાહેરાત આવી હતી. જે આજે પણ અક્ષરસ: યાદ છે. જાહેરાત આ પ્રમાણે હતી: ‘મા બાપ’ને ‘લક્ષ્મી’ સોંપીને અમે ‘અપના ઘર’, ‘વસંત’માં પ્રસ્થાન કરી રહ્યા છીએ.કેવી સુંદર જાહેરાત…!!

મોતી:
મેઇન રોડ પર વસંત ટોકીઝ પાસેનો વળાંક વળીને જરા આગળ જતાં ડાબા હાથે બેગમપુરા તરફ જતા ખાંચામાં ડાબી બાજુએ આ થિયેટર હતું. આ થિયેટરના સ્ક્રીનના ઉપરના ભાગે ‘હાથી થિયેટર’ લખેલું હતું. અહીં આવેલી ફિલ્મો ‘નજરાના’, ‘ગોપી’, ‘કોશિશ’… વગેરે.

મોહન:
ફરી પાછા મેઇન રોડ પર આવીને ટાવર તરફ આગળ વધીએ તો હજુરીના પીણાની દુકાન સામે, જમણા હાથે આ થિયેટર આવેલું હતું. ટીકીટ બારી મેઇનરોડ પર હતી. ટીકીટબારી પાસે એક દરજીની દુકાન હતી. આ થિયેટરની સાઉન્ડ સિસ્ટમ બહુ જ પાવરફુલ હતી. આ થિયેટરમાં રજૂ થયેલી ફિલ્મો- ‘આશિક’, ‘છલિયા’, ‘જીસ દેશ મેં ગંગા બહતી હૈ’, ‘શ્રીમાન સત્યવાદી’, ‘આપ આયે બહાર આયી’, ‘હરિયાલી ઔર રાસ્તા’, ‘હમ દોનોં’… વગેરે.

દરેક થિયેટરમાં પ્રેક્ષકો માટે ત્રણ વિભાગ હતા. 1. સ્ટોલ (31 પૈસા) 2. અપર સ્ટોલ (75 પૈસા) અને બાલ્કની (1 રૂા. 20 પૈસા). વસંત ટોકીઝના ખાંચામાં સાયકલ સ્ટેન્ડ હતા. (તે વખતે સ્કુટર, બાઇક વગેરે કયાં હતા?) તેમાંનું ‘ભારત સાયકલ સ્ટેન્ડ’ યાદ છે. ત્યાં સાયકલ મૂકનારને ફિલ્મોના ગાયનોની ચોપડી ભેટ મળતી. તો આ હતો એ જમાનાના સુરતના 9 થિયેટરોનો વૈભવ.
એક વાત તો કબુલ કરવી પડશે કે ભલે એ સમયના થિયેટરોમાં સગવડ ઓછી હતી, ફિલ્મ જોતી વખતે પંખાનો અવાજ ખલેલ પહોંચાડતો હતો, આગળ બેઠેલા પ્રેક્ષકોના માથા અને બાલ્કનીના થાંભલાઓ નડતા હતા, પરંતુ તે વખતે જે ફિલ્મો આવી હતી તે ઉત્તમ કક્ષાની હતી, જેનાં ગીતો આજની નવી પેઢી પણ ગાઇ રહી છે અને એટલા માટે જ 50 અને 60ના દાયકાનો એ સમય હિંદી સિનેમાનો ‘સુવર્ણ યુગ’ તરીકે ઓળખાય છે.
ભરત દવે

Most Popular

To Top