Comments

ગુજરાત પોલીસના 70 ટકા જવાનો – અધિકારીઓએ ભાજપની સરકાર જ જોઈ છે

રાજકોટ કમિશનકાંડને લઈ હાલમાં જે વિવાદની સાથે આરોપો થઈ રહ્યા છે,તેની પાછળ પણ ભાજપનું આંતરિક રાજકારણ છે તે હવે ખાનગી રહ્યું નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે જે પોલીસ અધિકારીઓ માનતા હતા કે રૂપાણી સરકારને અમરપટ્ટો મળ્યો છે તે અધિકારીઓ કોંગ્રેસના નેતાઓને તો ઠીક, પણ ભાજપના જ હોય અને વિજય  રૂપાણી પસંદ કરતા નથી તેવા નેતાઓને અડફેટે લીધા હતા. સમયનું ચક્ર બહુ ઝડપથી ફરે છે, સમયના ચકડોળમાં જયારે આપણે ઉપર બેઠા  હોઈએ ત્યારે ઉપરથી થૂંકવું નહીં કારણ આ જ ચકડોળમાં જે નીચે બેઠો છે, તે ઉપર આવશે ત્યારે તે પણ આપણા જેવી જ ચેષ્ટા કરશે. ગુજરાત પોલીસ એકેડમી હોય કે મચસુરની નેશનલ પોલીસ એકેડમી હોય ત્યાં આઈપીસી અને સીઆરપીસી ભણાવવામાં આવે છે, પણ ખુદ પોલીસ અધિકારીઓ પણ જાણે છે કે પોલીસ બધા જ કામ આઈપીસી અને સીઆરપીસી પ્રમાણે કરતી નથી અને તેવી રીતે પોલીસ દળ ચાલે પણ નહીં. આપણે જે રાજય વ્યવસ્થા સ્વીકારી છે તેમાં રાજનેતાને કોઈ પસંદ કરે કે નહીં, પણ તે બહુ અગત્યનો હિસ્સો છે અને નિર્ણાયક પણ છે.

વિજય રૂપાણીનો સિતારો ધગધગતો હતો ત્યારે તેમના દ્વારા નિયુકત પોલીસ અધિકારીઓએ ખાખી ઉપર માત્ર ખેસ પહેરવાનું જ બાકી રાખ્યું હતું.  કોંગ્રેસના નસીબમાં તો છેલ્લા અઢી દાયકાથી પરેશાન થવાનું લખેલું છે તેનું તેમને તો માઠું જ લાગતું નથી, પણ રામ મોકરીયા અને ગોવિંદ પટેલ જેવા ભાજપી નેતાઓ સાથે પણ આ પોલીસ અધિકારીઓ અછૂતો જેવા વ્યવહાર કરતા હતા, રાજકોટ પોલીસની જે પ્રેકટીસની હમણાં ચર્ચા ચાલી રહી છે તે કંઈ નવી  નથી , માત્ર રાજકોટ પોલીસ જ આવું કરે છે તેવું પણ નથી. આ પ્રેકટીસ દેશભરની પોલીસ રોજ કરે છે તેનું કારણ એટલું જ છે કે આપણી ન્યાય કરવાની પ્રક્રિયા એટલી ધીમી છે કે સામાન્ય માણસને લાગે કે જો તેના પ્રશ્નનો ઉકેલ પોલીસ અથવા ગુંડા પાસે જવાથી મળી જતો હોય તો શું કામ પોતાની જિંદગી કોર્ટનાં પગથિયાં ઘસવામાં કાઢી નાખે. આમ જયાં સુધી કમિશનકાંડનો પ્રશ્ન છે ત્યાં સુધી તે એક અલગ ઘટના છે, પણ જે રીતે રાજકોટ પોલીસ ભરાઈ છે તેમાં ભાજપનું આંતરિક રાજકારણ છે.

આજે વિજય રૂપાણી સત્તા ઉપર નથી એટલે તેમના અથવા તેમના મળતિયાના ઈશારે પરેશાન થયેલા ભાજપના નેતાઓ જ મેદાનમાં છે, ઊતર્યા છે, રાજકોટ પોલીસ સામે કોઈ કોંગ્રેસી નેતાએ આક્ષેપ કર્યો હોત તો ચોક્કસ સરકાર જરા પણ હલી ના હોત, પરંતુ ભાજપના નેતા ગોવિંદ પટેલ અને રામ મોકરીયાએ આક્ષેપ કરતાં કાર્યવાહી ચાલુ છે તે બતાડવા માટે પણ તપાસ ચાલી રહી છે. ગુજરાત પોલીસની તકલીફ એવી છે કે પોલીસે વિવિધ તબકકે વિવિધ પ્રકારની સ્થિતિમાંથી પસાર થવાનું હોય છે. રાજકારણમાં થતા ફેરફારની પોતાની નોકરી ઉપર શું અસર થશે તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે, પરંતુ 1998 થી પછી ગુજરાત પોલીસમાં વ્યાપક પ્રમાણમાં ભરતી થઈ. હાલમાં ગુજરાત પોલીસનું એક લાખનું દળ છે તેમાંથી 70 હજાર પોલીસ જવાનો અને અધિકારીઓએ તો માત્ર ભાજપની સરકાર જ જોઈ છે. આમ ગુજરાતમાં રાજકીય પરિવર્તન થયું નથી, જેના કારણે અનેક પોલીસ અધિકારીઓ સરકારની નોકરી કરે છે. ભાજપના કમલમના કર્મચારી છે તે નક્કી કરવું મુશ્કેલ થઈ જાય છે.

સી આર પાટીલ પ્રમુખ થયા પછી ભાજપ હાઈકમાન્ડે ગુજરાતમાં એક મોટો નિર્ણય લીધો અને સામુહિક રીતે આખી સરકાર બદલી નાખી. જૂના જે ચહેરાઓ હતા તે ભાજપની સરકાર આવી ત્યારથી કોઈ ને કોઈ પદ ઉપર હતા, જેને કારણે ભાજપના શાસનમાં ભરતી થયેલા પોલીસ અધિકારીઓની વફાદરી ભાજપની સાથે કોઈ ચોક્કસ નેતાઓ સાથે હતી કારણ તેમની બદલીથી બઢતી સુધી તેમના રાજકીય ગોડફાધર તેમના માટે ભગવાન હતા. આમ ગોડ ફાધરની આંખ ફરે અને પોલીસ અધિકારીઓ તેમનું કામ પાર પાડી દેતા હતા. આ બહુ વિકટ સ્થિતિ છે. રાજનેતા અગત્યનો હિસ્સો છે, તેમનો મત અને નિર્ણયની કદર પણ કરીએ તો પણ વ્યવસ્થામાં ભંગાણ પડવું જોઈએ, કારણ પોલીસ સ્ટેશનનાં પગથિયાં કોઈ રાજી થઈ ચઢતો નથી. કોઈના ઘરે બાળક થાય તો કોઈ પેંડા લઈ પોલીસ સ્ટેશન જતો નથી. કોઈ લગ્નની કંકોતરી આપવા પોલીસ સ્ટેશન આવતું નથી. પોલીસ સ્ટેશનમાં દુ:ખી માણસ જ આવે છે.

આવી સ્થિતિમાં પોલીસની ભૂમિકા બહુ અગત્યની હોય છે. પોલીસ સ્ટેશન આવનાર કયા પક્ષનો, કયા ધર્મનો અને કયા વર્ગનો છે તે જોયા વગર પોલીસે તેનું કામ કરવાનું હોય છે, પણ અનેક કિસ્સામાં તેવું થતું નથી. દરેક વ્યકિતને તેના મોભા પ્રમાણે ન્યાય મળે છે. તપાસની દિશા અને દશા રાજનેતાની ઈચ્છા પ્રમાણે થાય છે અને ફેરવાય છે. બધા જ પોલીસ અધિકારીઓ આવું કરે છે તેવું પણ નથી, પણ પોલીસ દળનો મોટો હિસ્સો આ દિશામાં જઈ રહ્યો છે. સરકાર પણ બદલાય અને રાજનેતા પણ બદલાય છે ત્યારે કફોડી સ્થિતિમાં રાજનેતાની વ્યકિગત વફાદારી કરનાર પોલીસ અધિકારીઓની થાય છે.  રાજકોટ પોલીસે કેટલાં કામ રાજનેતાના ઈશારે કર્યાં હશે તેની ખબર નથી, પણ વિજય રૂપાણી આ વિવાદ વચ્ચે વિદેશમાં છે. ભૂતકાળમાં પણ સરકારને એન્કાઉન્ટર ગમતા હતા એટલે પોલીસ ફોર્મમાં આવી ગઈ હતી પણ તેની કિંમત પણ પોલીસ અધિકારીઓએ નવ વર્ષ જેલમાં ચૂકવી. રાજનેતા સાથે મિત્રતા પણ હોય અને તેમની સાથે સંબંધ પણ હોય તેમાં કંઈ ખોટું નથી, પણ બને ત્યાં સુધી કાયદાની પોથી પ્રમાણે વર્તીએ તો રાજકોટ પોલીસ જેવી સ્થિતિમાંથી બચી શકાય છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top