National

કોરોનામાં સ્થિતિ બગડી રહી છે, આખા દેશ પર જોખમ: કેન્દ્ર

કોરોનાવાયરસના રોગચાળાની સ્થિતિ બદથી બદતર બની રહી છે અને ખાસ કરીને અમુક રાજ્યોમાં આ સ્થિતિ ચિંતાની મોટી બાબત છે એમ કહેતા કેન્દ્ર સરકારે આજે એ બાબત ભારપૂર્વક જણાવી હતી કે આખો દેશ જોખમ હેઠળ છે અને કોઇએ આ બાબતે નચિંત રહેવું જોઇએ નહીં.

કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે દેશમાં કોવિડ-૧૯નો સૌથી વધુ બોજ ધરાવતા દસમાંથી આઠ જિલ્લા મહારાષ્ટ્રમાં છે અને દિલ્હીને એક જિલ્લા તરીકે ગણતા તે પણ આ યાદીમાં છે. આજે એક પત્રકાર પરિષદને સંબોધન કરતા આરોગ્ય સચિવ રાજેષ ભૂષણે જણાવ્યું હતું કે દેશમાં કોવિડ-ક્ષ્૯ના સૌથી વધુ કેસો ધરાવતા જિલ્લાઓ પુણે, મુંબઇ, નાગપુર, થાણે, નાસિક, ઔરંગાબાદ, બેંગલુરુ અર્બન, નાંદેડ, દિલ્હી છે.

ટેકનીકલી બોલતા દિલ્હીમાં ઘણા જિલ્લાઓ છે પણ તેને એક જિલ્લા તરીકે આમાં ગણવામાં આવ્યો છે એમ તેમણે જણાવ્યું હતું. નીતિ આયોગના સભ્ય(આરોગ્ય) વી.કે. પૌલે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ની સ્થિતિ ખરાબમાંથી વધુ ખરાબ બની રહી છે.

છેલ્લા કેટલાક સપ્તાહમાં, ખાસ કરીને કેટલાક રાજ્યોમાં તે ચિંતાની મોટી બાબત છે. કોઇ રાજ્ય, દેશના કોઇ ભાગે નચિંત રહેવું જોઇએ નહીં એમ તેમણે જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આપણે વધતા જતાં પ્રમાણમાં તીવ્ર અને વધુ તીવ્ર સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ, ખાસ કરીને કેટલાક જિલ્લાઓ માટે વધુ ખરાબ હાલત છે.

પણ આખો દેશ સંભવિત જોખમ હેઠળ છે અને આથી (રોગચાળો) ફેલાતો અટકાવવા માટે અને જીંદગીઓ બચાવવા માટે તમામ પ્રયત્નો કરવા જોઇએે. હોસ્પિટલ અને આઇસીયુ તૈયારીઓ સજ્જ રાખવાની છે. જો કેસો ઝડપથી વધે તો આરોગ્યજાળવણી સિસ્ટમ ભારે દબાણ હેઠળ આવી જશે એમ પૌલે કહ્યું હતું.

દેશમાં પોઝિટિવિટી રેટમાં વધારા અંગે આરોગ્ય સચિવ ભૂષણે જણાવ્યું હતું કે ગયા સપ્તાહે મહારાષ્ટ્રમાં પોઝિટિવિટી રેટ ૨૩ ટકા હતો, જેના પછી પંજાબમાં ૮.૮૨ ટકા, છત્તીસગઢમાં ૮.૨૪ ટકા, મધ્યપ્રદેશમાં ૭.૮૨ ટકા, તમિલનાડુમાં ૨.પ ટકા, કર્ણાટકમાં ૨.૪પ ટકા, ગુજરાતમાં ૨.૨૨ ટકા અને દિલ્હીમાં ૨.૦૪ ટકા છે.

ગયા સપ્તાહે દેશનો સરેરાશ પોઝિટિવીટી રેટ પ.૬પ ટકા છે. તમામ રાજ્યો અને સંઘ પ્રદેશોમાં કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે અને આથી કોવિડ-૧૯ના પરીક્ષણો નોંધપાત્ર રીતે વધારવાની જરૂર છે. આરટી-પીસીઆર ટેસ્ટોનો વ્યાપ વધારવાની પણ જરૂર છે એમ ભૂષણે જણાવ્યું હતું

. વાયરસના વેરિઅન્ટસ અંગે આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે ડીસેમ્બરથી દસ લેબોરેટરીઓએ ૧૧૦૬૪ સેમ્પલોનું જિનોમ સિક્વેન્સિંગ કર્યું છે અને જેમાં ૮૦૭ સેમ્પલોમાં યુકે વેરિઅન્ટ જણાયો છે જ્યારે ૪૭ સેમ્પલોમાં સાઉથ આફ્રિકન વેરિઅન્ટ અને ૧માં બ્રાઝિલિયન વેરિઅન્ટ જણાયો છે. તેમણે દેશમાં ચાલતા રસીકરણ અભિયાન અંગે પણ આંકડાકીય માહિતી આપી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top