Gujarat

પેટ્રોલ – ડિઝલ પર વેટના મુદ્દે કેન્દ્ર જે નિર્ણય લેશે તેનું પાલન કરાશે : નીતિન પટેલ

નાણા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતાં નાયબ મુખ્યમંત્રી અને નાણાં મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ‘સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ’ થકી ગુજરાતને ‘ઉત્તમ થી સર્વોત્તમ’ તરફ લઈ જવાનું લક્ષ્ય સાથે અમે આગળ વધી રહ્યા છીએ. જેના પરિણામે રાજ્યના શ્રેષ્ઠ નાણાકીય વ્યવસ્થાપન અને શ્રેષ્ઠ નાણાકીય શિસ્ત થકી આજે પણ ગુજરાત દેશનું રોલ મોડેલ પુરવાર થઈ રહ્યું છે.

આજે વિધાનસભામાં પટેલે કહ્યું હતું કે, કોવિડ-૧૯ મહામારીએ રાજ્ય તથા કેન્દ્રનાં સંશાધનો પર પ્રતિકુળ અસર થઈ છે. જેને ધ્યાને કેન્દ્ર સરકાર દ્વારા સને ૨૦૨૦-૨૧ માટે રાજ્યોની દેવુ કરવાની મર્યાદામાં ૨%નો વધારો કરવામાં આવ્યો છે. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજવિત્તિય જવાબદારી (સુધારા) વટહુકમ, ૨૦૨૧થી રાજવિત્તિય ખાધ રાજ્યનાં ઘરગથ્થુ ઉત્પાદનનાં ૫% સુધી વધારવામાં આવી છે.

રાજ્ય નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ (સુ.અં) મુજબ રૂ. ૨૧૯૫૨ કરોડની મહેસૂલી ખાધ, જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ (અંદાજ) મુજબ રૂ. ૧૨૦૯ કરોડની મહેસૂલી પુરાંત અંદાજેલ છે. દેશવ્યાપી કોવિડ-૧૯ મહામારી અને તેને સબંધિત પ્રતિબંધો નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ (સુ.અં) મુજબ મહેસુલી ખાધ માટેનું મુખ્ય કારણ છે.

તેમણે કહ્યું હતું કે રાજ્યના એકંદર ઘરગથ્થુ ઉત્પાદનના (GSDP) પ્રમાણમાં રાજવિત્તિય ખાધનું (Fiscal Deficit) પ્રમાણ વર્ષ ૨૦૨૦-૨૧ (સુ.અં) અને વર્ષ ૨૦૨૧-૨૨ (અંદાજ) મુજબ નિયત કરેલી ૩% (નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે ૫ % ની મર્યાદા)ની મર્યાદા સામે અનુક્રમે ૩.૧૦% અને ૧.૬૩% જેટલું નીચું અંદાજેલ છે.

રાજ્યના જાહેર દેવાનું પ્રમાણ રાજ્યના એકંદર ઘરગથ્થુ ઉત્પાદનની ( GSDP ) સાપેક્ષમાં ઘટી રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૦૪-૦૫માં આ પ્રમાણ ૨૮.૪૮ % જેટલું ઊચું હતું. પરંતુ, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ (સુ.અં) મુજબ રાજ્ય સરકારે કુલ જાહેર દેવાનું પ્રમાણ રાજ્યના એકંદર ઘરગથ્થુ ઉત્પાદનના ૧૮.૧૪% ના સ્તરે જાળવ્યું છે.

નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ નાં અંદાજ મુજબ કુલ જાહેર દેવું રાજ્યના એકંદર ઘરગથ્થું ઉત્પાદનના ૧૭.૪૦%ના સ્તરે અંદાજેલ છે, જે નક્કી કરેલ ૨૭.૧%ની નિયત મર્યાદા કરતાં ઘણું જ ઓછું છે. આ જાહેર દેવા પરના વ્યાજની ચુકવણી રાજ્ય સરકારની મહેસુલી આવકમાંથી કરવામાં આવે છે.

મહેસુલી આવકની ટકાવારી (%) તરીકે જાહેર દેવા પરના વ્યાજની ચુકવણીનો અનુપાત વર્ષ ૨૦૦૪-૦૫માં ૨૬.૮૨% જેટલો ઊંચો હતો, જે ઘટીને નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૪.૨૧% સુધી ઘટવા પામ્યો છે તથા નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ (સુ.અં.) મુજબ ૧૬.૭૦% જેટલો અંદાજેલ છે. અને નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ (અં.) મુજબ ૧૪.૧૩% જેટલો નીચો અંદાજેલ છે.

જાહેર દેવા અંગેનું સરેરાશ ખર્ચ (Average Cost of Public Deb) વર્ષ ૨૦૦૪-૦૫માં ૧૦.૭૯% જેટલું ઉંચું હતું, જે ઘટીને નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ૮.૪૫% જેટલું થયું છે. અને વર્ષ ૨૦૨૦-૨૧ સુધારેલ અંદાજ મુજબ ૮.૨૭% થવાનો અંદાજ છે. આમ, એકંદર ઘરગથ્થુ ઉત્પાદન તથા આવકના વધારાના સાપેક્ષે ઘટતા દર નોધાયો છે.

રાજ્યનો અર્થતંત્રીય વિકાસ સાતત્યપુર્ણ દરે વધી રહ્યો છે. ચાલુ ભાવે રાજ્યનું એકંદર ઘરગથ્થુ ઉત્પાદન (GSDP) નાણાકીય વર્ષ ૨૦૧૧-૧રમાં રૂ. ૬,૧૫,૬૦૬ કરોડ હતું તે વધીને નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના અગ્રિમ અંદાજ મુજબ રૂ. ૧૬,૫૮,૮૬૫ કરોડ અદાંજેલ છે.


નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટેના સમગ્ર અંદાજપત્રનું કદ રૂા. ૨,૨૭,૦૨૮ કરોડ છે. અંદાજપત્ર રૂા.૫૮૮ કરોડની એકંદર પૂરાંત અને રૂા.૧,૨૦૯ કરોડની મહેસૂલી પૂરાંત દર્શાવે છે. ૨૦૨૧-૨૨ માટે એકત્રિત ભંડોળ હેઠળ કુલ આવક રૂા. ૨,૨૩,૯૨૦ કરોડ અંદાજવામાં આવેલ છે, જે ૨૦૨૦-૨૧ (સુધારેલ અંદાજ) કરતાં ૧૨.૬% વધુ છે.

૨૦૨૧-૨૨ માટે મહેસૂલી આવક રૂા. ૧,૬૭,૯૬૯ કરોડ અંદાજવામા આવેલ છે, જે ૨૦૨૦-૨૧ના મહેસૂલી આવકના સુધારેલ અંદાજ કરતાં વધુ છે. રાજ્યની પોતાની કર આવક રૂા.૧,૧૧,૭૦૬ કરોડ અંદાજવામાં આવેલ છે, જે વર્ષ ૨૦૨૦-૨૧ના અંદાજ કરતા ૬.૨% વધુ છે. જ્યારે બિન-કર આવક રૂા.૧૬,૮૦૨ કરોડ અંદાજવામાં આવી છે.

વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન સરકારનો વિકાસલક્ષી ખર્ચ રૂા.૧,૩૨,૧૫૦ કરોડ જેટલો ઉંચો જશે જે બિન વિકાસલક્ષી ખર્ચ રૂા.૯૦,૭૦૬ કરોડની સાપેક્ષે રૂ. ૪૧,૪૪૪ કરોડ વધારે થવા જાય છે. ચાલુ વર્ષના અંદાજો રૂા. ૨,૨૭,૦૨૮ કરોડના અંદાજવામાં આવેલ છે, જે ૨૦૨૦-૨૧ ના અંદાજો રૂા. ૨,૧૭,૨૮૭ કરોડ ની સામે ૪.૪૮%નો વધારો સૂચવે છે અને વર્ષ ૨૦૨૦-૨૧ ના સુધારેલા અંદાજો રૂા. ૨,૦૫,૦૨૬ કરોડની સામે ૧૦.૭૩% જેટલો વધારો દર્શાવે છે.

વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન કુલ વિકાસલક્ષી ખર્ચના ૫૫.૯ % જેટલી ફાળવણી સામાજિક સેવાઓ માટે કરવામાં આવેલ છે.તેમણે જણાવ્યું હતું કે હાલ વેટને કારણે પેટ્રોલ-ડીઝલ અને પી.એન.જી., સી.એન.જી. ગેસમાંથી થતી આવકના ૧૦૦ % ટેક્ષની આવક રાજ્ય સરકારની તિજોરીમાં જમા થાય છે. જે રાજ્યના વિકાસ કામોમાં વાપરવામાં આવે છે.

ગુજરાતમાં અત્યારે પેટ્રોલ રૂ. ૮૮.૩૦ લિ. છે. જે કોંગ્રેસ શાસીત પડોશી રાજ્ય રાજસ્થાનમાં રૂ. ૯૭.૫૬ અને મહારાષ્ટ્રમાં રૂ. ૯૭.૧૯ છે. અને તેમ છતાંય કેન્દ્ર સરકાર દેશના પ્રજાજનોના હિતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડા અંગે જે નિર્ણય કરશે તેનું પાલન કરવા રાજ્ય સરકારની તૈયારી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top