Vadodara

ગોધરા દાહોદ રોડ પર ઉભેલી લકઝરીમાં બીજી બસ અથડાઈ 4ના મોત

ગોધરા: ગોધરા પરવડી ચોકડી પાસે બે ખાનગી લક્ઝરી વચ્ચે અકસ્માતમાં ચારના મોત અને ૧૫થી વધુ ઇજાગ્રસ્ત થતા 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનેલા અકસ્માતના પગલે પોલીસ તંત્ર દોડતું થવા સાથે બે ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાથી વડોદરા એસએસજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા-દાહોદ હાઈવે ઉપર ગઢચુંદડી પાસે પસાર થતા હાઇવે માર્ગ ઉપર વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. જેમા બે લકઝરી બસ વચ્ચે અકસ્માત થયો હતો.

અકસ્માતના પગલે 108 એમ્બ્યુલન્સ ના અવાજથી વાતાવરણ ગુંજી ઉઠવા સાથે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પણ મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત મુસાફરોને 108 ઈમરજન્સી સેવા દ્વારા સારવાર અર્થે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા.અકસ્માતની જાણ પોલીસ તંત્રને થતા પોલીસ વિભાગના અધિકારીઓ સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો.અકસ્માત વહેલી સવારે સાડાત્રણની આસપાસ થયો હોવાની માહીતી મળી રહી છે. બે ખાનગી બસો વચ્ચેની દુઃખદ ઘટના માં 15 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થવા સાથે બે બાળકો એક મહિલા અને એક પુરુષ મળી ચારના મોતના પગલે મૃતકોના પરિવારજનોમાં પણ ગમનો માહોલ છવાઈ ગયો હતો. બે ઇજાગ્રસ્ત થયેલ મુસાફરોની હાલત વધુ ગંભીર હોવાથી વડોદરા સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ પરવડી ચોકડી વિસ્તાર પાસે પસાર થતા હાઇવે માર્ગ ઉપર ખાનગી બસોના અકસ્માત વર્ષ દરમિયાન અનેક વખત થતા હોય તેમ છતાં ટ્રાફિક વિભાગ દ્વારા નિયમોનું પાલન નહીં કરતી ખાનગી બસો સામે અત્યાર સુધી અસરકારક કાર્યવાહી કરવામાં ન આવતી હોવાની અનેક બૂમો ઊઠવા પામતી હોય ત્યારે આ બનેલ ઘટના બાદ ટ્રાફિક વિભાગ સહિતનું અન્ય તંત્ર મુસાફરોની હેરાફેરી કરતી ગેરકાયદે ખાનગી બસો સહિત અન્ય વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી જોઈએ તે ઉપરોક્ત ઘટનાને જોતા હવે અત્યત જરૂરી લાગી રહયુ છે.

3 વર્ષના બાળકની SSGના સ્ટાફ દ્વારા પરિવારની જેમ સારવાર
દાહોદ ગોધરા હાઈવે પર સર્જાયેલા બસ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હોવાની પ્રથમ માહિતી મળી હતી.જ્યારે અન્ય લોકોને સારવાર અર્થે ગોધરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જે પૈકી બે વ્યક્તિઓને સારવાર માટે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જેમાં એક ત્રણ વર્ષના બાળકનો સમાવેશ થાય છે.જે બાળકનું નામ સુર્યાન્સ અને તેની માતાનું અકસ્માતમાં મોત થયું હોવાની માહિતી હોસ્પિટલના તંત્રને અપાઈ છે.ત્યારે આ બાળકને સારવારની સાથે સારસંભાળનું કામ એસએસજી તાત્કાલિક ખાતે નર્સિંગ અને સર્વન્ટ સ્ટાફ કરી રહ્યો છે.બાળકને માથાના ભાગમાં ઈજા અને પગમાં ફેક્ચર પણ થયું છે.જેની હાલ સારવાર ચાલી રહી છે.

નિયમોનું પાલન ક્યારે?
ગોધરા દાહોદ હાઇવે માર્ગ ઉપર પરવડી ચોકડી પાસે છાસવારે ખાનગી બસ ના અકસ્માતો બનવા પામતા હોય છે અને આરટીઓના નિયમ કરતા વધુ મુસાફરો બેસાડીને ખાનગી બસોમાં મુસાફરોની હેરાફેરી થતી હોવા છતાં સંબંધિત તંત્ર દ્વારા આ બાબતે અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી જોકે આ બનેલ અકસ્માત બાદ સંબંધિત તંત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરતી જોવા મળતી હોય તો નવાઈ નહીં ત્યારે ખાનગી બસો જે હાઇવે માર્ગ ઉપરથી પસાર થતી હોય છે એમાં નિયમોનું પાલન પોલીસ તંત્ર સહિત નો સંબંધિત તંત્ર ક્યારે કરાવશે એ તો જોવું જ બન્યુ છે.

આરટીઓ દ્વારા આ ખાનગી બસોમાં મુસાફરોની અવરજવર થતી હોય ત્યારે નિયમોનું પાલન ક્યારે કરાવશે જોકે આવી દુઃખદ ઘટના બનતી હોય ત્યારે કોઈ પરિવારના સભ્ય છીનવાઈ જતા એ પરિવાર ચિંતિત થવા સાથે આંખમાંથી આંસુ રોકે રોકાતા ન હોય છે. ટ્રાફિક વિભાગ પોતાની નૈતિક ફરજ આ ઉપરોક્ત ઘટના બન્યા બાદ નિભાવશે કે પછી હોતી હૈ ચલતી હૈ તેમ ચલાવશે કે શું?

Most Popular

To Top