World

ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં 47 દિવસ બાદ 96 કલાકનો યુદ્ધવિરામ! 200 બંધકોને મળશે મુક્તિ

નવી દિલ્હી: ગાઝાપટ્ટીમાં (Gaza) સતત ઇઝરાયેલ (Israel) દ્વારા હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. જેના પરિણામે હમાસની કેદમાં રહેલા ઇઝરાયેલી બંધકો (Hostages) માટે 47 દિવસ બાદ બુધવારે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયેલી કેબિનેટે હમાસ સાથે 96 કલાકના યુદ્ધવિરામની મંજૂરી આપી છે. જેના બદલે હમાસ (Hamas) 50 ઇઝરાયેલી બંધકોને મુક્ત કરશે. જેમાં મહિલાઓ, માતાઓ અને બાળકોને મુક્ત કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો 47 દિવસ બાદ આખરે યુદ્ધવિરામ થયો છે. હવે થોડા જ કલાકોમાં ગાઝામાં તોપો અને ફાઈટર જેટના અવાજો બંધ થઈ જશે. ઇઝરાયેલી કેબિનેટે હમાસ સાથેના યુદ્ધમાં યુદ્ધવિરામને મંજૂરી આપી છે. જેના બદલે હમાસ 50 ઇઝરાયેલી બંધકોને મુક્ત કરશે. આ સાથે જ ઇઝરાયેલ પણ 150 પેલીસ્ટીનીઓને મુક્ત કરશે. એટલેકે યુધ્ધમાં બંધક લોકોમાંથી કુલ 200 લોકોને હવે મુક્તિ મળશે.

ઈઝરાયેલ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ હમાસ આગામી 4 દિવસોમાં 50 ઇઝરાયેલી બંધકોને મુક્ત કરશે. દરમિયાન ઈઝરાયેલ તરફથી ગાઝા પટ્ટીમાં હુમલાઓ બંધ થઈ જશે. મળેલ વિગતો મુજબ હમાસ જે બંધકોને મુક્ત કરશે તેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો છે. તેઓને 10 થી 12ના જૂથમાં મૂક્ત કરવામાં આવશે.

વધુમાં જાણકારી મળી હતી કે મુક્ત કરવામાં આવતા લોકોમાં 30 બાળકો, 8 માતાઓ અને 12 મહિલાઓ છે. ઈઝરાયેલે કહ્યું હતું કે, “ઈઝરાયેલ સરકાર અપહરણ કરાયેલા તમામ લોકોને ઘરે પરત લાવવા માટે પ્રયત્ન કરી રહી છે. જેના માટે મંગળવારે રાત્રે સરકારે પ્રથમ તબક્કાની કામગીરી કરી છે. જેમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 50 ઈઝરાયેલીઓને ઘરે પરત લાવવામાં આવશે. જે કાર્ય ચાર દિવસમાં પૂર્ણ થવાની સંભાવના છે. દરમિયાન યુધ્ધને વિરામ આપવામાં આવશે.”

10 બંધકો માટે એક દિવસ યુદ્ધવિરામમાં વધારો: ઇઝરાયેલ
ઈઝરાયેલે વધુમાં જણાવ્યુ હતુ કે જો હમાસ વધુ 10 બંધકોને મુક્ત કરશે તો યુદ્ધવિરામ વધુ એક દિવસ લંબાવવામાં આવશે. હાલમાં હમાસ પાસે 240 ઈઝરાયેલ બંધકો છે. જો હમાસ 50 બંધકો સિવાય વધુ 10 ઇઝરાયેલી બંધકોને મુક્ત કરશે તો ઇઝરાયેલ યુદ્ધવિરામને વધુ એક દિવસ લંબાવશે.

વધુમાં મળેલ માહિતી મુજબ 50 બંધકોના બદલામાં ઈઝરાયેલ 150 પેલેસ્ટિનિયન બંધકોને પણ મુક્ત કરશે. પરંતુ ઈઝરાયેલ સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં આ વાતની પુષ્ટિ થઈ નથી. ત્યારે યુદ્ધવિરામની શરતો હજી શુધી સ્પષ્ટ નથી. મુક્તિ મેળવનાર મોટા ભાગના પેલેસ્ટિનિયનમાં મહિલાઓ અને સગીરોનો સમાવેશ થાય છે.

Most Popular

To Top