SURAT

…તો સુરતના બદલે આ રેલવે સ્ટેશન પર 35 ટ્રેનો ઉભી રહેશે, પ્રપોઝલ તૈયાર

સુરત: સુરત રેલવે સ્ટેશન (SuratRailwayStation) પર ટ્રેનોની (Train) અને પ્રવાસીઓની (Passangers) ભારે અવર-જવર છે. સુરત રેલવે સ્ટેશન પર રોજના 1.75 લાખથી વધુ પ્રવાસીઓની અવર-જવર છે. તેથી સુરત પરનું ભારણ ઘટાડવા માટે સુરતના આસપાસના રેલવે સ્ટેશનોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. ઉધના રેલવે સ્ટેશનનો (UdhnaRailwayStation) ઘણો વિકાસ થયો હોવાથી હવે સુરત સ્ટેશન પર થોભતી ટ્રેનો પૈકીની 35 ટ્રેનોને ઉધનામાં હોલ્ટ આપવાની વિચારણા છે.

  • સુરત રેલવે સ્ટેશન પર 1.75 લાખ પેસેન્જરોનું ભારણ
  • સુરત પરથી મુસાફરોનું ભારણ દૂર કરવા પ્રપોઝલ બનાવાઈ
  • ભવિષ્યમાં ભેસ્તાન ઉપર પણ હોલ્ટ આપવાની વિચારણા
  • સુરતને સ્કીપ કરવું કે નહીં તે હેડક્વાર્ટરના અધિકારી નક્કી કરશે

રેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર 1952માં સુરત શહેરની વસ્તી અઢી લાખ પણ ન હતી અને તે સમયે અહીં ગણતરીની ટ્રેન જ હતી. પરંતુ હવે સુરતની વસ્તી 75 લાખ હોવાનો અંદાજ બાંધવામાં આવી રહ્યો છે. સુરત રેલવે સ્ટેશન ઉપરથી રોજની 200 થી વધુ ટ્રેન પસાર થાય છે. અહીંના માત્ર ચાર પ્લેટફોર્મ ઉપરથી રોજના 1.75 લાખથી વધુ પેસેન્જરની અવર-જવર હોય છે. આ સ્થિતિને પહોંચી વળવા સુરત રેલવે સ્ટેશનની ક્ષમતા નથી. તેથી નવી ટ્રેનો પણ શરૂ કરી શકાતી નથી અને નવી ટ્રેનોને હોલ્ટ આપવા માટે પણ વિચારણા કરવી પડે છે. તેથી રેલવેએ હવે સુરત રેલવે સ્ટેશન પરનું ભારણ ઓછું કરવા માટે રસ્તા ઉપર વિચારણા ચાલી રહી છે.

પૂર્વ-ઉત્તર પૂર્વોત્તર રાજ્યોની ટ્રેનોને ઉધના હોલ્ટ આપવા પ્રપોઝલ
સુરત સ્ટેશન પર થોભે એવી 35 ટ્રેનોને ઉધના ખાતે હોલ્ટ આપવાનું વિચારણા હેઠળ છે. તે માટે એક પ્રપોઝલ પણ તૈયાર કરાઈ રહી છે. હાલ આ તમામ ટ્રેનો પૂર્વ અને ઉત્તર-પૂર્વોત્તર રાજ્યોની છે. આ ટ્રેનોને ઉધના ખાતે હોલ્ટ આપ્યા બાદ સુરતમાં તે ટ્રેનોનો હોલ્ટ રહેવા દેવાનો કે સુરત રેલવે સ્ટેશનેથી સ્કીપ કરવાનું તે હેડક્વાર્ટર નક્કી કરશે.

ઉપરાંત ભેસ્તાન રેલવે સ્ટેશનનો પણ વિકાસ કરાઈ રહ્યો છે. તેનો વિકાસ કરાયા બાદ ઉત્તર ભારત અને પુર્વ ભારતની કેટલીક ટ્રેનોને ભેસ્તાન રેલવે સ્ટેશને પણ હોલ્ટ અપાશે જેથી પાંડેસરા, ઉધના, ડિંડોલી, લિંબાયત, ગોડાદરા, સચીન,ભેસ્તાન વિસ્તારમાં રહેતા પરપ્રાંતિયો માટે સુરત સુધી આવું નહીં પડે. ઉલ્લેખનીય છે હાલમાં ઉધના રેલવે સ્ટેશન ખાતે બે નવા પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે અને હજી એક પ્લેટફોર્મ બનાવવામાં આવનાર છે.

આ ફાયદો પણ થશે
સુરત રેલવે સ્ટેશન પર પાર્કિંગની પણ ઘણી સમસ્યા છે. રેલવે સ્ટેશનની બહાર ટ્રાફિક પણ રહે છે. ઉધના સ્ટેશન પર ટ્રેનોને હોલ્ટ મળશે તો એટલા પેસેન્જરો સુરત રેલવે સ્ટેશને નહીં આવે તેથી પાર્કિંગની પણ સમસ્યા નહીં રહે અને સુરત રેલવે સ્ટેશન બહાર ટ્રાફિકની પણ સમસ્યા રહેશે નહીં. ઉપરાંત ઉધના રેલવે સ્ટેશનના આસપાસનો વિસ્તાર પણ ડેવલપ થશે.

ઉધના રેલવે સ્ટેશનનો રોજ 20 હજારથી વધુ મુસાફરો ઉપયોગ કરે છે
સુરત શહેરની વસ્તી કુદકેને ભૂસકે વધી રહી છે. સુરત રેલવે સ્ટેશન ઉપર ચાર પ્લેટફોર્મથી વધુ માટે જગ્યા નથી. જેના કારણે અન્ય વિકલ્પ શોધવો પડે તે તાકીદની જરૂરિયાત છે. જેમાં ઉધના રેલવે સ્ટેશન શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભરી શકે તેમ છે. હાલમાં પણ ઉધના રેલવે સ્ટેશન ઉપર રોજના 20 હજાર મુસાફરોની અવરજવર છે.

Most Popular

To Top