Sports

ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમના 3 કડવારહસ્ય, જે જાહેર થતાં જ મચ્યો ખળભળાટ

દેશમાં ક્રિકેટ રમનાર દરેક ખેલાડી ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમનો ભાગ બનવા માંગે છે. કદાચ આ જ કારણ છે કે ફેન્સ પણ હંમેશા એ જાણવા માટે ઉત્સુક હોય છે કે મેદાનની બહાર ડ્રેસિંગ રૂમમાં શું થાય છે. 2000 અને 2010ના દાયકાના પ્રારંભમાં, સોશિયલ મીડિયા પર ભારતીય ડ્રેસિંગ રૂમમાં ચાલતી ઘટનાઓ વિશે વધુ માહિતી આપવામાં આવતી નહોતી. પરંતુ તાજેતરના દિવસોમાં કોચ-કપ્તાન દ્વારા ડ્રેસિંગ રૂમમાં મોટીવેશનલ સ્પીચ અને ઉજવણીઓની ક્લિપિંગ્સ પોસ્ટ કરવાનું સાવ સામાન્ય બની ગયું છે. જો તમે ધ્યાન આપશો, તો તમે જોશો કે કોઈપણ ટીમના ડ્રેસિંગ રૂમના ફોટા અને વીડિયો ઓનલાઈન શેર કરવામાં આવ્યા નથી. કેટલીક વસ્તુઓ એવી હોય છે કે તે દબાયેલી રહે છે. પરંતુ તાજેતરના સમયમાં ખેલાડીઓએ ભારતીય ડ્રેસિંગ રૂમને લગતા ત્રણ સનસનાટીભર્યા ખુલાસા કોઇપણ જાતના ખચકાટ વિના કર્યા છે. આ ત્રણ ખુલાસા એવા છે કે જે આમ બહાર આવી શકે તેમ નહોતા. તે માત્ર ખેલાડીના મુખેથી બોલાયેલા વાક્યને કારણે અજાણતા સામે આવ્યા છે.

ડ્રેસિંગ રૂમમાં કોઈ કોઈની સાથે વાત કરતું ન હોવાનો ઘટસ્ફોટ
પૃથ્વી શૉએ 2018માં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. છેલ્લા પાંચ વર્ષમાં તે ટીમની અંદર અને બહાર થતો રહ્યો છે. પ્રતિભાશાળી યુવા ઓપનરે ભારત માટે પાંચ ટેસ્ટ, છ વનડે અને એક T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમમાં શૉના મિત્રો પણ હોવા જોઈએ. પરંતુ ઓપનરે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તે ભાગ્યે જ તેના કોઈ સાથી ખેલાડી સામે ખુલે છે. શૉએ કહ્યું કે ડ્રેસિંગ રૂમમાં દરેક વ્યક્તિ એકબીજા સાથે વાત કરે છે, પરંતુ તે કોઈ ઊંડી-વ્યક્તિગત વાતચીત થતી નથી. તેણે એક સ્પોર્ટસ વેબસાઇટ અને એક સ્પોર્ટસ મેગેઝિન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, મેં ક્યારેય કોઈની સામે ખુલીને વાત નથી કરી. હા, આ ડ્રેસિંગ રૂમમાં મજાક મસ્તી થતી રહે છે. પરંતુ કોઈ અંગત સંબંધો વિશે કે અંગત વાતચીત શેર કરતા નથી.

ડ્રેસિંગ રૂમમાં હવે કોઈ કોઇનું મિત્ર રહ્યું નથી
અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન છેલ્લા એક દાયકાથી વધુ સમયથી ટીમ ઈન્ડિયાનો સભ્ય છે. તેણે તેની ઇન્ટરનેશનલ કેરિયર દરમિયાન ઘણા ખેલાડીઓ સાથે ડ્રેસિંગ રૂમ શેર કર્યો છે. એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં, અશ્વિને ભારતીય ડ્રેસિંગ રૂમમાં અનુભવેલા ફેરફારો વિશે વાત કરી હતી. અશ્વિને કહ્યું હતું કે હવે ડ્રેસિંગ રૂમમાં કોઈ કોઈનું મિત્ર નથી, અહીં દરેક સહકર્મી છે. અહીં દરેક વ્યક્તિ પોતાને જ આગળ વધારવા માગે છે. કોઇની પાસે પોતાની જમણી કે ડાબી બાજુ બેઠેલી વ્યક્તિને એ પણ પૂછવાનો સમય નથી, શું તમે ઠીક તો છો ને?. અશ્વિને આ વાત ઓસ્ટ્રલિયા સામે લંડનના ઓવલમાં રમાયેલી WTC ફાઇનલ પછી કરી હતી. અશ્વિનનો આ ફાઇનલમાં પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરાયો નહોતો અને ભારત આ ફાઇનલ હાર્યું હતુ. અને તે પછી અશ્વિને આ વાત કરી હોવાથી તેની ઘણી ચર્ચા થઇ હતી. તેના કારણે એવા પણ તર્ક ઉઠ્યા હતા કે અશ્વિનને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ ન કરાતા તે પોતાની પીડા વર્ણવી રહ્યો છે.

કોહલી અને રોહિત વચ્ચેનો અહમનો સંઘર્ષ
BCCIની પસંદગી સમિતિના માજી વડા ચેતન શર્માનું એક સ્ટીંગ ઓપરેશન આ વર્ષની શરૂઆતમાં સામે આવ્યું હતું. જેમાં ચેતન શર્માએ ભારતીય ડ્રેસિંગ રૂમ વિશે એક નહીં પરંતુ ઘણી વાતો કહેતો હિડન કેમેરા સામે કહેતા કેદ થયો હતો. ચેતન શર્માએ એ સ્ટીંગ ઓપનરેશનમાં કહ્યું હતું કે વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે કોઈ વિવાદ નથી પરંતુ અહંકારની લડાઈ છે. શર્માએ જણાવ્યું હતું કે કેવી રીતે ખેલાડીઓ, જ્યારે તેઓ 80-85% ફીટ હોય ત્યારે પણ, પોતાને મેચ ફીટ બનાવવા માટે ચતુરાઈથી ઈન્જેક્શન લે છે. ઉપરાંત, રોહિત શર્માને વન ડેકેપ્ટન બનાવવામાં આવ્યો હતો કારણ કે BCCIના માજી પ્રમુખ સૌરવ ગાંગુલી વિરાટ કોહલીને પસંદ નહોતો કરતો. આ સ્ટીંગ ઓપરેશન પછી, BCCIએ ચેતન શર્મા સામે પગલાં ભરીને તેને પસંદગી અધ્યક્ષ પદેથી હટાવી દીધો હતો અને હવે અજીત અગરકરને મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવ્યો છે.

Most Popular

To Top