National

ભોપાલમાં ગેરકાયદેસર ચાલતા શેલ્ટર હોમમાંથી 24 છોકરીઓ ગાયબ, તાત્કાલિક એક્શનની માંગ

ભોપાલ: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પરવાનગી વિના ગેરકાયદેસર ચાલતા ગર્લ્સ હોમમાંથી 26 છોકરીઓના ગાયબ થઈ જવાનો મામલો સામે આવ્યો છે. આ યુવતીઓ ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના સિહોર, રાયસેન, છિંદવાડા, બાલાઘાટની રહેવાસી હતી. પોલીસે પરવાનગી વગર ગર્લ્સ હોમ ચલાવવાના મામલામાં એફઆઈઆર નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

રાષ્ટ્રીય બાળ આયોગના અધ્યક્ષ પ્રિયંક કાનુન્ગોએ મધ્યપ્રદેશના મુખ્ય સચિવ વીરા રાણાને આ મામલે પત્ર લખ્યો છે. તેમજ જણાવ્યું છે કે ભોપાલના પરવલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ગેરકાયદેસર ગર્લ્સ હોમ ચલાવવામાં આવી રહ્યું હતું. ભોપાલમાં એક ખાનગી NGOની હોસ્ટેલ (ચિલ્ડ્રન હોમ)માંથી છોકરીઓ ગુમ થયા પછી આ વિવાદ શરૂ થયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સના અધ્યક્ષ પ્રિયંક કાનુન્ગોએ ભોપાલની સીમમાં પરવલિયામાં ચાલતી આંચલ ગર્લ્સ હોસ્ટેલની ઓચિંતી મુલાકાત લીધી હતી. દરમિયાન જ્યારે તેમણે રજિસ્ટર તપાસ્યું ત્યારે તેમણે જોયું કે તેમાં 68 છોકરીઓની એન્ટ્રી હતી. પરંતુ તેમાંથી 26 ગાયબ હતી. જ્યારે ચિલ્ડ્રન હોમના ડાયરેક્ટર અનિલ મેથ્યુને ગુમ થયેલી છોકરીઓ અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. એફઆઈઆર મુજબ, છોકરીઓ માટે ચાલતા આ બાળ ગૃહમાં ઘણી ગેરરીતિઓ જોવા મળી છે.

નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ્સના અધ્યક્ષ પ્રિયંક કાનુન્ગોએ ટ્વિટ કર્યું, ‘રાજ્ય બાળ આયોગના અધ્યક્ષ અને સભ્યોની સાથે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક મિશનરી દ્વારા ચલાવવામાં આવતા ગેરકાયદેસર ચિલ્ડ્રન હોમનું સંયુક્તપણે નિરીક્ષણ કર્યું હતું. આ હોસ્ટેલમાં રસ્તા ઉપરથી રેસ્ક્યુ કરાયેલી બાળકીઓને સરકારને માહિતી આપ્યા વિના રાખવામાં આવતી હતી. તેમજ તેમને ખ્રિસ્તી ધર્મનું પાલન કરાવવામાં આવી રહ્યું હતું. આ કન્યા ગૃહમાં 6 થી 18 વર્ષની વયની 40 થી વધુ છોકરીઓમાંથી મોટાભાગની હિંદુઓ છે.

શિવરાજ સિંહે તપાસની માંગ કરી
સમગ્ર મામલો સામે આવ્યા બાદ મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટર પર લખ્યું કે, ભોપાલના પરવલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરવાનગી વગર સંચાલિત ચિલ્ડ્રન હોમમાંથી 26 છોકરીઓ ગુમ થવાનો મામલો મારા ધ્યાન પર આવ્યો છે. મામલાની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં લઈને, હું સરકારને સંજ્ઞાન લેવા અને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરું છું.

Most Popular

To Top