National

પેટ્રોલ-ડીઝલ ઘટી ગયું, ટુ-વ્હીલરમાં 200 અને કારમાં આટલા જ રૂપિયાનું પેટ્રોલ ભરાવી શકાશે

અગરતલા: તમે કાર ચલાવતા હો કે ટુ-વ્હીલર. હવે ટેન્ક ફુલ કરાવી શકશો નહીં. ટુ-વ્હીલરમાં એક દિવસમાં માત્ર 200 રૂપિયા જ્યારે કારમાં 500 રૂપિયાનું જ પેટ્રોલ કે ડીઝલ ભરાવી શકાશે. સરકારે પેટ્રોલ-ડીઝલ ભરાવવાની લિમિટ નક્કી કરે છે.

ગભરાવાની જરૂર નથી. આ નિયમ સમગ્ર દેશમાં લાગુ પડ્યો નથી. ભારતના પૂર્વ ભાગમાં આવેલા ત્રિપુરા રાજ્યમાં જ આ નિયમ લાગુ કરાયા છે. ત્રિપુરાની સરકારે વધુ માત્રામાં પેટ્રોલ અને ડીઝલ નહીં વેચવા પંપ સંચાલકોને આદેશ કર્યા છે. ત્રિપુરામાં હવેથી ટુ-વ્હીલર ચાલકો 200 અને કાર ચાલકો એક દિવસમાં 500નું ઈંધણ જ ભરાવી શકશે.

ખરેખર વાત એમ છે કે ત્રિપુરામાં આવતા માલસામાનની ટ્રેનો પહોંચી શકતી નથી. આસામના જટીંગામાં મોટા ભૂસ્ખલનના લીધે ત્રિપુરા જતી માલગાડીઓના શિડ્યુલ ખોરવાઈ ગયા છે. ટ્રેક પર સમારકામ થયા પછી પેસેન્જર ટ્રેન સેવા ગઈ તા. 26 એપ્રિલથી પુન:શરૂ કરવામાં આવી હતી. જોકે હજુ પણ રાત્રિના સમયે જટીંગાથી ટ્રેનો દોડી રહી નથી. માલગાડીઓ સંપૂર્ણ અટકાવી દેવાઈ છે, જેના લીધે ત્રિપુરામાં માલ-સામાન પહોંચી શકતો નથી.

ત્રિપુરાના અન્ય અને નાગરિક પુરવઠા વિભાગના અધિક સચિવ નિર્મલ અધિકારીના જણાવ્યા અનુસાર ત્રિપુરામાં માલગાડીઓની અવરજવરમાં વિક્ષેપના લીધે પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ઘટી ગયો છે, તેથી વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલ સહિતના ઈંધણો પર 1 મેથી આગામી આદેશ સુધી કેટલાંક નિયંત્રણો લાદવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર ટુ વ્હીલર ચાલકો 200 રૂપિયા સુધીનું પેટ્રોલ ખરીદી શકશે અને ફોર વ્હીલર માટે દરરોજ 500 રૂપિયા સુધીનું પેટ્રોલ ખરીદી શકશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે પેટ્રોલ પંપોને એક દિવસમાં બસને માત્ર 60 લિટર ડીઝલ વેચવા માટે કહેવામાં આવ્યું છે જ્યારે મિની બસ, ઓટો રિક્ષા અને થ્રી-વ્હીલર માટે આ મર્યાદા અનુક્રમે 40 અને 15 લિટર હશે.

Most Popular

To Top