National

યુકો બેંકની આ ભૂલને કારણે ખાતાધારકોને પ્રાપ્ત થયાં કરોડો રૂપિયા

નવી દિલ્હી: યુકો બેંકમાં ગત શુક્રવારે (Last Firday) એક છબરડો થયો હતો. જેના કારણે બેંકને ખૂબ મોટું નુકશાન થયું હતું. યુકો બેંકના (UCO Bank) કેટલાક ખાતાધારકોના બેંક ખાતામાં (Bank Account) અચાનક કરોડો રૂપિયા (Money) જમા થયા હતા. આ જોઇ તમામ ખાતા ધારકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યારે બેંક દ્વારા મોટા ભાગની રકમની વસુલાત કરી લેવાઇ છે. તારીખ 10 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી બેંકની સિસ્ટમમાં ખામી હોવાને કારણે આ બનાવ બન્યો હતો.

મળતી માહિતી મુજબ બેંકની ભૂલને કારણે ઇન્સ્ટન્ટ પેમેન્ટ સર્વિસ દ્વારા કેટલાક બેંક ખાતાઓમાં 820 કરોડ રૂપિયા જમા થયા હતા. બેંકને પોતાની ભૂલનો જાણ થતાં જ પૈસાની રિકવરીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. અત્યાર સુધીમાં બેંકે 649 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. પરંતુ બેંકને 200 કરોડનું નુકશાન થયું હતું. આ ઘટનાની અસર યુકો બેંકના શેર ઉપર પણ મોટા પ્રમાણમાં થઇ છે. ગુરુવારે યુકો બેન્કના શેર 1.1 ટકાથી ઘટીને રૂ. 39.39 થયો હતો.

બેંકે હજી સુધી સ્પષ્ટતા કરી નથી કે આટલી મોટી રકમ અચાનક ખાતાઓમાં કેવી રીતે ટ્રાન્સફર થઈ. તે માનવીય ભૂલને કારણે હતી કે ટેકનિકલ ખામી કે હેકિંગને કારણે? બેંકનું કહેવું છે કે ટ્રાન્સફર કરાયેલી રકમમાંથી 79 ટકા રકમ એટલે કે 649 કરોડ રૂપિયા પાછા રિકવર કરવામાં આવ્યા છે. ત્યારે સંસ્થા ધટના પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

વધુ માં યૂકો બેંકે જણાવ્યુ હતું કે 10 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી તેમની ઇન્સ્ટન્ટ પેમેન્ટ સર્વિસમાં આંતરિક ખલેલ હતી. ત્યારબાદ બેંકે તેની ઇન્સ્ટન્ટ પેમેન્ટ સર્વિસ ચેનલને ઑફલાઇન કરી દીધી હતી. તેમજ બેંકે આ ઘટના અંગે BSEને જાણ કરી હતી. તેમજ સાવચેતીના પગલા સ્વરુપે બેંકે જે ખાતાઓમાં પૈસા મોકલ્યા હતા તેને બ્લોક કરી દીધા છે.

જણાવી દઇયે કે રિઝર્વ બેંક પણ પોતાના સ્તરે આ ભૂલના કારણની તપાસ કરી રહી છે. ત્યારે યુકો બેંકે કહ્યું છે કે તેની અન્ય તમામ મહત્વપૂર્ણ સિસ્ટમો કાર્યરત છે. ઈમીડિએટ પેમેન્ટ સર્વિસ (IMPS) પ્લેટફોર્મ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. જેના કારણે આ ભૂલ થઇ હતી.

Most Popular

To Top