SURAT

જિંગા સામે જંગ: ઓલપાડના વધુ ચાર ગામના 150 તળાવો દુર કરવા મામલતદારની નોટિસ

ગેરકાયદે જિંગા તળાવોને લઇને બહુ પંકાયેલા ઓલપાડ તાલુકામાં જિલ્લા કલેકટરની સૂચનાથી તળાવો દુર કરવાની ઝુબેશ વેગવાન બની છે. ગયા સપ્તાહમા જાહેર અપીલ બાદ આજે ઓલપાડ તાલુકાના 4 ગામના 150 તળાવના માલિકોને પણ દબાણો દુર કરવા મામલતદારે નોટિસ ફટકારી છે.

સુરત જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોની સરકારી જમીનો ઉપર ફેલાયેલા ગેરકાયદે જિંગા તળાવોનો મામલો ફરી ઉછળ્યો છે. જિંગા તળાવોના દબાણોને કારણે ઓલપાડ તાલુકાના સેંકડો ગામના પાક નષ્ટ થયા હતા. ચોમાસા દરમિયાન ગેરકાયદે જિંગા તળાવોના પાળા અને દબાણોને પગલે ઓલપાડ તાલુકામાં પાણી ભરાઇ રહેતા હતા. જેને પગલે આસપાસના ખેતરો સહિત કેટલીક વખત રહેણાંક વિસ્તારોમાં પણ વરસાદ શાંત પડ્યા પછી કેટલાય દિવસો સુધી ઘૂંટણસમા પાણી ભરાઇ રહેતા હતા. આ અંગે તાજેતરમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ચુકાદા બાદ જિલ્લા કલેકટરે ઓલપાડના ગેરકાયદે જિંગા તળાવો સામે કાયદાનો કોરડો વીંઝયો છે.

ગયા સપ્તાહમાં દબાણ કરનારાઓને લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ જેલમાં ધકેલવાની ચિમકી બાદ આ અભિયાન વધુ તેજ બન્યું છે. ઓલપાડ તાલુકાના મંદરોઇ, મોર, ઓરમા તેમજ લવાછા ગામના ગેરકાયદે જિંગા તળાવના કબ્જેદારોને પણ આજે નોટિસ ફટકારવામાં આવી છે. આ ગામોના આશરે 150 જેટલા જિંગા તળાવો છે. તે પૈકી કેટલાંક તળાવો માટે કલેકટરે જમીન અલોટ કરી હતી. આ તળાવના માલિકોએ પણ સરકારે જમીન ફાળવ્યા છતાં લોભ રોક્યો નહોતો. તેમણે સરકારે ફાળવેલી જમીનો કરતા વધુ જમીન ઉપર કબ્જો કરી નાંખ્યો હતો. જિલ્લા જમીન દફતર નિરીક્ષક કચેરીએ કરેલી જમીન માપણીમાં આ વાતનો ઘટસ્ફોટ થયો હતો. જેને પગલે ઓલપાડ મામલતદારે કબ્જેદારોને આગામી 22 જાન્યુઆરી રોજ આધાર પુરાવા સાથે હાજર રહેવા ફરમાન કર્યું છે.

સરસ ગામના લોકો દ્વારા તળાવો દૂર કરવાનો દેખાવ ચાલશે નહીં, સરકારી અધિકારી ખરાઈ કરશે

ઓલપાડ તાલુકાના ગેરકાયદે જિંગા તળાવો દૂર કરવા માટે ગયા સપ્તાહમાં જિલ્લા કલેકટરે નોટિસ આપ્યા બાદ કેટલાંક જાડી ચામડીના જિંગા તળાવ માલિકોએ સરસ ગામમાં સ્વયંભૂ ડિમોલીશન કર્યું હોવાની રજૂઆતો કરી હતી. આ ગામના કેટલાંક મોટામાથાઓએ વર્ષોવર્ષથી સરકારી જમીન ઉપર કબ્જો જમાવી કરોડો રૂપિયા ઉસેટી લીધા છે. તેમણે કલેકટરને ઉઠા ભણાવવા તળાવો દૂર કરવાનો ડોળ કર્યો હતો. પરંતુ જિલ્લા કલેકટરે પણ આવા તત્વોને મચક આપી નથી. તેમને આ અંગે સરકારી અધિકારી સ્થળ તપાસ કરી ડિમોલિશન અંગે રિપોર્ટ આપશે, ત્યારબાદ પગલા ભરવા જણાવ્યું છે.

જિંગા તળાવના એકાદ બે પાકમાં કરોડો કમાનારા ફેકટરી બનાવી પછી પણ રાતાપાણીએ રડ્યા

સરકારી જમીન ઉપર ગેરકાયદે જિંગા તળાવો બનાવી ઓલપાડ તાલુકામાં રાતોરાત કરોડપતિ બની ગયેલા લોકોએ આડેધડ જિંગા નિકાસ કરવા મોટા ઉપાડે ફેકટરી નાંખી દીધી હતી. પંરતુ એકાદ બે પાક બાદ જિંગા તળાવમાં રોકાણ ડૂબ્યા બાદ ફેકટરીને તાળા મારવાની નોબત આવી હતી. કેટલાંક લોકોએ તો ફેકટરી સીધી સેલ કરવા માટે મૂકી દીધી હતી.

રિટાયર્ડ મામલતદાર સહિત ઘણા સરકારી બાબુઓએ જિંગા તળાવમાં જાળ બિછાવી

ઓલપાડ તાલુકાના ગેરકાયદે જિંગા તળાવોમાં ખુદ સરકારી કનેકશન હોય તેવા લોકો પણ કૂદી પડયા હતા. મહેસૂલી વિભાગમાં નાયબ મામલતદાર કે મામલતદાર જેવી પોષ્ટ ઉપર ફરજ બજાવી રિટાયર્ડ થયેલા લોકોએ પણ સરકારી જમીન ઉપર ગેરકાયદે જિંગા તળાવો તાણી દીધા હતા. આજે પણ આવા સરકારી કર્મચારીઓ ખુલ્લેઆમ જિંગાના ગેરકાયદે તળાવો ભાડે ફેરવી રહ્યા છે. સરકારમાં કામ કરી ચૂકેલા આવા લોકો સામે કલેકટરે કડક પગલા ભરવા જોઇએ તેવી માંગણી પ્રબળ બની છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top