Dakshin Gujarat

હરિયા

વલસાડથી માત્ર 10-12 કિમીના અંતરે અને પાર નદીના કિનારે તેમજ પારનેરા ડુંગરની તળેટીમાં વસેલું નાનકડું ગામ

પશ્ચિમે ઘૂઘવતા અરબી સાગર અને પૂર્વમાં સહ્યાદ્રીની હારમાળા વચ્ચે પથરાયેલી વનરાજીમાં ખીલી ઊઠેલો વલસાડ જિલ્લો કુદરતની ખરેખર દેન છે. સમગ્ર ગુજરાતના છેવાડે અને મહારાષ્ટ્રની સરહદે આવેલો આ જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ઘણો મોટો અને બહુધા આદિવાસી વસતી ધરાવતો જિલ્લો છે. કુદરતી વનસંપત્તિ અને અરબીસાગરના પ્રતાપે અહીંના લોકો ખેતીવાડી અને વિવિધ ક્ષેત્રમાં આગળ પડતા જોવા મળે છે. વલસાડ જિલ્લાનાં મોટાં શહેરો, નગરો અને ગામ-કસ્બા પણ હવે હાઈ ટેક્નિકના લીધે સર્વ સંપન્ન બની રહ્યાં છે. આપણે આજે વાત કરીએ છીએ, વલસાડ નજીકના હરિયા ગામની. હરિયા ગામ એ વલસાડથી માત્ર 10-12 કિમીના અંતરે અને પાર નદીના કિનારે તેમજ પારનેરા ડુંગરની તળેટીમાં વસેલું નાનકડું 2600ની વસતી ધરાવતું ગામ છે. અહીંની ખાસ ખાસિયત છે, જમીનની ફળદ્રુપતા. ગામલોકોની માન્યતા ગણો કે લોકવાયકા હરિયુ એટલે સોનાનું ઠળિયું. આ ગામની જમીનમાં કંઈપણ વાવો તે સોનાની જેમ મબલક પાક ઊતરે છે. તેના પરથી ગામનું નામ હરિયા હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે. ઘણા લોકો હરિઆ તરીકે પણ ઉલ્લેખ કરે છે. હરિઆ એટલે હરિ તું આવ..હરિઆ. ભક્તિભાવથી રંગાયેલા આ ગામના લોકોની હરિ સાથે કેટલી આત્મીયતા છે,ભગવાનને ખૂદ પોતાના પાસે બોલાવે છે, તેનો દાખલો એટલે હરિઆ.

બારેમાસ પાણીથી ભરેલાં 3 તળાવ હરિયા માટે ફાયદાકારક
હરિયા ગામે 3 મોટા તળાવ આવેલાં છે. જેમાં કુડિયું તળાવ, કાંકરા તળાવ અને ગુપ્તેશ્વર મંદિર પાછળ આવેલું ગામ તળાવ. આ ત્રણેય તળાવ બારેમાસ પાણીથી ભરેલા હોવાથી ગામના લોકો રોજિંદા વપરાશ માટે ફાયદાકારક છે. ઉપરાંત પશુ-પંખીઓ માટે પણ જરૂરી પાણી પૂરું પાડી રહ્યા છે. ગામલોકોના જણાવ્યા મુજબ આ 3 તળાવ બારેમાસ પાણીથી છલોછલ ભરેલાં રહે છે. પંચાયત દ્વારા આ ત્રણેય તળાવ ઊંડાં કરાવાતાં પાણીના જથ્થાનો પૂરતો સંગ્રહ થઈ શકે છે. આ ત્રણેય તળાવ ઉપરાંત લોકોની સુવિધા માટે 1 સહકારી મંડળી, 2 સરકારી દવાખાનાં, 2 પ્રાથમિક શાળા, 3 આંગણવાડી તેમજ 1 સ્મશાનભૂમિ પણ આવેલી છે.


જિલ્લામાં એકમાત્ર નાગદેવતાનું મંદિર હરિયા ગામે
ભક્તિભાવની સાથે હરિયા ગામે 3 મોટા મંદિર આવેલા છે. જેમાં સૌથી મોટું મંદિર ગુપ્તેશ્વર મહાદેવ મંદિર, પૌરાણીક રામજી મંદિર અને સમગ્ર વલસાડ જિલ્લામાં આવેલું નાગદેવતાનું એકમાત્ર મંદિર ઈસ્પાર ફળિયામાં આવેલું છે. નાગદેવતાને મોટી સંખ્યામાં ભક્તો ચાંદી-તાંબાના નાગની પ્રતિકૃતિ ભેટમાં ધરાવી પોતાની માનતા પૂરી કરે છે. દેવપોઢી અને દેવઉઠી એકાદશીએ નાગદેવતાના મંદિરે શ્રધ્ધાળુઓ મોટીસંખ્યામાં આવી શ્રીફળ વધેરી પૂજા-અર્ચના કરે છે. ગામલોકોમાં એવી માન્યતા છે કે, ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે, આ નાગદેવતા. ગુપ્તેશ્વર મહાદેવનો ઈતિહાસ પણ અલૌકિક છે. ગુપ્તેશ્વર મહાદેવ સ્વયંભૂ છે. 300થી પણ વધુ વર્ષ પહેલાં કોઈ વણીક જૈનને સપનામાં આવી મહાદેવ આ સ્થળે સ્વયંભૂ અવતર્યા છે. લોકવાયકા એમ કહે છે કે, શિવાજી મહારાજ જ્યારે પણ પારનેરા ડુંગરે તેમના કિલ્લામાં આવતાં ત્યારે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરીને જ આગળ જતા હતા. ગુપ્તેશ્વર મહાદેવ પણ ભક્તોની બાધા-મનોકામના અવશ્ય પૂરી કરે છે, તેવું અહીંના ભક્તો કહી રહ્યા છે.
8 વોર્ડનાં 10 ફળિયાંમાં 2600 લોકોનો વસવાટ


પારનેરા ડુંગરની તળેટી અને પાર નદીની આસપાસ વસેલા 7 ગામમાં પારનેરા, ચીંચવાડા, ડુંગરવાડી, ભગોદ, દિવેદ, અતુલ અને હરિયાનો સમાવેશ થાય છે. હરિયાની 2600ની વસતીમાં 1800 પુખ્ત વયના મતદાતાઓ છે. ગામના કુલ 8 વોર્ડમાં 10 ફળિયાં આવેલાં છે. જેમાં રહેતા તમામ લોકો એક સંપ બની રાજીપાથી વસવાટ કરી રહ્યા છે. કોઈપણ જાતના રાગદ્વેષ કે ઊંચનીચના ભેદભાવ વગર ગામના વિકાસમાં સૌનો સહિયારો ભાગ છે. જેથી આજે ગામનાં દરેક ફળિયાં, મુખ્ય રસ્તા, પાણી અને આરોગ્યની દૃષ્ટિએ વિકાસશીલ છે. ખેતીવાડી ઉપર નિર્ભર અહીંના લોકો હવે વધુ આર્થિક ઉપાર્જન માટે ધીરે ધીરે વિવિધ પ્રકારના ધંધા-રોજગાર તરફ પણ વળી રહ્યા છે.
એલ એન્ડ ટીના ચેરમેન અનિલ નાયકનું સાસરું એટલે હરિયા


વિશ્વવિખ્યાત કંપની લાર્સન એન્ડ ટૂબ્રોના ચેરમેન અનિલ નાયકનું મૂળ વતન નવસારી નજીક એંધલ ગામ છે. જ્યારે તેમનાં પત્ની ગીતાબેનનું પિયર એટલે હરિયા ગામ છે. હરિયાનાં વિકાસશીલ કાર્યોમાં અનિલ નાયકનું યોગદાન બહુતુલ્ય છે. ગુપ્તશ્વર મહાદેવ મંદિરના પરિસરને રિ-ડેવલપ કરવા અને મંદિરના ગર્ભગૃહના નિર્માણ માટે મણીબેન દયાળજી નાયકના સ્મરણાર્થે અનિલ નાયક દ્વારા મણીબા પાવન પરિસર વિકસાવાયો છે. જેનું ઉદઘાટન તેમનાં પત્ની અને હરિયા ગામની દીકરી ગીતાબેનના હસ્તે તા.3-3-2002ના રોજ કરાયું હતું. હાલ આ મંદિર ગામલોકોમાં આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.

Most Popular

To Top