આજરોજ ગુરુવારે ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે રોકાણકારોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. બજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 800થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 200 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. આ ઘટાડાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય સ્તરે વધતો તણાવ છે. ખાસ કરીને હોર્મુઝ જળસંધિ (Strait of Hormuz)ને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલી તંગદિલીથી વૈશ્વિક બજારોમાં નકારાત્મક અસર જોવા મળી છે. અમેરિકન બજારો લાલ નિશાનમાં બંધ થયા બાદ એશિયન બજારોમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી. જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ લગભગ 650 પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ પણ 300 પોઈન્ટ જેટલો ઘટ્યો હતો. આ નકારાત્મક સંકેતોની સીધી અસર ભારતીય બજાર પર પડી અને સેન્સેક્સ 77,693 ના સ્તર સુધી ગબડી ગયો.
બજારમાં ઘટાડાનું એક મોટું કારણ કાચા તેલના ભાવમાં તેજી પણ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં આશરે 8%નો ઉછાળો આવ્યો છે અને તે 104 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયો છે. તેલના વધતા ભાવને કારણે મોંઘવારી વધવાની ભીતિ ઊભી થઈ છે, જેના કારણે રોકાણકારો સાવચેત બન્યા છે અને વેચવાલી વધી છે. આ અસર ખાસ કરીને મોટા શેરોમાં જોવા મળી હતી. એશિયન પેઈન્ટ્સ, એસબીઆઈ લાઈફ, ટેક મહિન્દ્રા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M) જેવા દિગ્ગજ શેરોમાં 2થી 3 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. મિડકેપ શેરોમાં પણ દબાણ જોવા મળ્યું હતું, જેમાં અશોક લેલેન્ડનો શેર 3 ટકા કરતાં વધુ તૂટ્યો હતો. વૈશ્વિક પરિસ્થિતિ, તેલના વધતા ભાવ અને નકારાત્મક સંકેતોના કારણે ભારતીય શેરબજારમાં ભારે દબાણ જોવા મળી રહ્યું છે, જેના કારણે રોકાણકારો માટે સાવચેતી રાખવાની જરૂર છે.