Business

વડોદરા જિલ્લા ભાજપા સંગઠન અને ધારાસભ્યો વચ્ચે ખટરાગ!

  • નવા  કમલમના શાંતિપૂજન કાર્યક્રમમાં  ધારાસભ્યોની સૂચક ગેરહાજરી
  • આમંત્રણ પત્રિકામાં પણ ધારાસભ્યોના નામ નહિ 

વડોદરા જિલ્લા ભાજપા સંગઠન અને ચૂંટાયેલા ધારાસભ્યો વચ્ચે આંતરિક  ખટરાગ હોવાનું  ચર્ચાઈ રહ્યું છે. જિલ્લા ભાજપાના નવા કાર્યાલયનું લોકાર્પણ બુધવારે થશે અને તેનું શાંતિ  પૂજન સોમવારે કરવામાં આવ્યું હતું જો કે આ પૂજનવિધીમાં ધારાસભ્યોની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. તો કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં પણ ધારાસભ્યોના નામ ગાયબ છે.

ભાજપાના આંતરિક ખટરાગ એ નવી વાત નથી. અગાઉ શહેર ભાજપાના સંગઠન અને મહાનગરપાલિકાના સભ્યો વચ્ચેનો ગજગ્રાહ ખુલ્લો પડ્યો હતો. જો કે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા એક જ લીટીમાં સૂચના આપવામાં આવી હતી કે સંગઠન જ સર્વોપરી છે જે બાદ  ચૂંટાયેલા સભ્યોનો વિખવાદ ખુલીને સામે આવ્યો નથી. ત્યારે હવે જિલ્લા સંગઠન અને ધારાસભ્યો વચ્ચે બધું બરાબર હોય તેમ લાગી રહ્યું નથી. સંગઠન અને ધારાસભ્યો વચ્ચેનો ખટરાગ વધ્યો હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. દરમિયાન આગામી બુધવારના રોજ જિલ્લા ભાજપના નવા કમલમ કાર્યાલયનો શુભારંભ પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી, અને ગૃહમંત્રીના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં જિલ્લાના એકેય ધારાસભ્ય કે સાંસદનું નામ લખવામાં આવ્યું નથી. આ કાર્યક્રમ પૂર્વે કાર્યાલય ખાતે શાંતિપૂજન  રાખવામાં આવ્યું હતું. જેમાં પણ ધારાસભ્ય  ,ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ચૈતન્યસિંહ ઝાલા, અક્ષય પટેલની સૂચક ગેરહાજરી જોવા મળી હતી તો શૈલેષ મહેતા પૂજન પૂર્ણ થયા બાદ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ચૂંટણી પૂર્વેનો આંતરિક ખટરાગ નુકસાન  પહોંચાડી શકે છે 

કોઈ ધારાસભ્યનો ફોન ન લાગ્યો તો કોઈ બહાર છે 

નવા કાર્યાલય ખાતે પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જો કે આ કાર્યક્રમમાં મોડેથી સાંસદ અને ધારાસભ્ય શૈલેષ મહેતા આવ્યા જ હતા. કેતનભાઈ બહાર હતા તો ધર્મેન્દ્રસિંહ વાઘેલા ગાંધીનગર હતા, ચૈતન્યસિંહ ઝાલાનો અને અક્ષયભાઈનો ફોન જ લાગ્યો ન હતો તેથી આમંત્રણ કેવી રીતે આપી શકાય. બાકી બીજું કોઈ કારણ નથી – સતીશ પટેલ, જિલ્લા પ્રમુખ, ભાજપા 

ખાતમુહૂર્તનાં કાર્યક્રમના કારણે મોડેથી ગયો હતો 

મારા મત વિસ્તારમાં એક રોડનું ખાતમુહૂર્ત હતું જેમાં મારે હાજરી આપવાની હતી જેથી હું સમય ઉપર જઈ શક્યો ન હતો પરંતુ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ હું ત્યાં ગયો જ હતો. પરંતુ ત્યારે પુનાજ વિધિ પૂર્ણ થઇ ગઈ હતી. – શૈલેષ મહેતા, ધારાસભ્ય, ડભોઇ 

Most Popular

To Top