Vadodara

વડોદરામાં ભાડે ફેરાવવા માટે આપેલી કાર ચાલક રાજસ્થાન તરફ લઇને ફરાર થઇ ગયો

પુરાવા તરીકે આપેલા આધારકાર્ડ ,પાનકાર્ડ અને લાઇસન્સ પણ બોગસ જમા કરાવ્યા હતા.

વડોદરામાં કાર ભાડે ફેરવવા લઇ જવાને બહાને કારની છેતરપિંડીના અનેક કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા છે. ત્યારે વધુ એક ઠગ એરપોર્ટ ખાતેથી કેબ્સમાંથી કાર સેલ્ફ ડ્રાઇવ માટે ફરાવવા લઇ ગયા બાદ પરત જમા કરાવ્યા વિના બારોબાર ફરાર થઇ ગયો હતો. બે દિવસ બાદ ડ્રાઇવરને ભાડાના રૂપિયા માટે ફોન કરતા બંધ આવતો હતો. આધારકાર્ડ, પારકાર્ડ તથા લાઇસન્સના આધારે તપાસ કરતા ડુપ્લિકેટ હોવાનું માલુમ પડ્યું હતુ. જેથી કારની છેતરપિંડી કરનાર શખ્સ સામે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે .  

શહેરના અકોટા વિસ્તારમાં આવેલી સબગીરી સોસાયટીમાં રહેતા આયુષ રવિકુમાર ગુપ્તા શ્રીરાજ કેબ્સમાં છેલ્લા સાત વર્ષથી નોકરી કરે છે. ગત 6 માર્ચના રોજ હરણી એરપોર્ટ અરવાઇડ ગેટ ખાતેના શ્રીરાજ કેબ્સના કાઉન્ટર પર એક શખ્સે આવીને પંદર દિવસ માટે કાર ભાડે આપવા કહ્યું હતું. ત્યારે તેની પાસે એડવાન્સ ભાડાના રૂપિયાની માગણી કરતા તેણે બે દિવસ બાદ એક્સટેન્સ કરાવીશ ત્યારે સાથે ભાડુ આપી દઇશ તેમ જણાવ્યું હતું.  જેથી તેની પાસે આધારકાર્ડ અને પાનકાર્ડ માગતા માત્ર આધારકાર્ડ આપ્યું હતું. જેના પર તેનું નામ પરમાર જીતસિંહ ધનાભાઇ (રહે. ભાણપુરા પંચમહાલ) હતું. જેથી તેના પર વિશ્વાસ આવી જતા તેને કાર ભાડે આપવાનું કહીને ભાડાના 5 હજાર રૂપિયા ઓનલાઇન શ્રીરાજ કેબ્સના ખાતામાં જમા કરાવ્યા હતા. રૂપિયા ખાતામાં આવી ગયા બાદ તેને કાર સેલ્ફ ડ્રાઇવ માટે આપી હતી. કાર લઇ ગયા બીજા દિવસે એક્સટેન્શ માટે બાકીના રૂપિયા જમા કરાવવા માટે કહ્યું ત્યારે એક કલાકમાં તમારા ખાતામાં જમા કરાવી દઇશ તેમ કહ્યું હતું. પરંતુ રૂપિયા જમા નહી થતા  જેથી તેને ફોન કરતા ઉપાડ્યો ન હતો અને ત્યારબાદ તો ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો હતો. કારનું જીપીએસ ટ્રેક કરતા છેલ્લુ લોકેશન રાજસ્થાનનું બાડમેર આવતું હતું. શ્રીરાજ કેબ્સના માલિકને વાત જણાવતા તેઓએ આધારકાર્ડ તથા પાનકાર્ડ અને લાઇસન્સના આધાર તપાસ કરી પરંતુ પુરાવા પણ ડુપ્લિકેટ હોવાનુ માલૂમ પડ્યુ હતું. જેથી કાર ભાડે લઇ જવાના બહાને ચોર કાર લઇને ગયા બાદ પરત નહી આપી છેતરપિંડી આચરી છે. જેથી હરણી પોલીસ સ્ટેશનમાં ઠગ સામે ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top