Business

વડોદરામાં ડીજે સ્પીકરોમાં દારૂની બોટલો છુપાવી, બૂટલેગરનો પર્દાફાશ

ડીજે બોક્સમાં દારૂની બોટલો સંતાડી રાખનાર એક શખ્સની ધરપકડ, ત્રણ વોન્ટેડ

પીસીબીની ટીમે દરોડા પાડી 3.05 લાખના દારૂ સહિત 6.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યા બાદ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરાયો




ફતેગંજ વિસ્તારમાં ડીજેના સ્પીકરોની આડમાં વિદેશી દારૂનો ધંધો કરતા બૂટલેગરના કીમિયાનો પીસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે. બૂટલેગર બે દિવાલોનું ચણતર કરીને બનાવેલા ચોર ખાનામાં દારૂ સંતાડી રાખ્યો હતો. આ ચોર ખાનામાંથી રુ. 3.05 લાખના દારૂના જથ્થા સહિત 6.36 લાખનો મુદ્દામાલ કબજે કરી ફતેગંજ પોલીસને સુપ્રત કરાયો છે.
શહેરના ફતેગંજ વિસ્તારમાં કમાટીપુરા ખાતે રહેતો પ્રદિપ ઉર્ફે પિન્ટુ ધનેશ કહાર ડીજેના ધંધાની આડમાં વિદેશી દારૂનો ધંધો કરે છે. હાલમાં પ્રદિપ તેના ફતેગંજ કોન્વેન્ટ સ્કૂલની પાછળ ઉર્મિ એપાર્ટમેન્ટના બ્લોક નંબર એ-13ના રૂમ 7માં બીજુ મકાન આવેલું છે ત્યાં હાજર છે. તેવી બાતમી પીસીબીની ટીમને મળી હતી.જેના આધારે પીસીબીના પીઆઇ એસડી રાતડા અને પીએસઆઇ એસ આર પટેલ સહિતના સ્ટાફે બાતમી મુજબના ઉર્મી સ્કૂલ પાછળના તેના મકાનમાં દરોડો પાડ્યો હતો. ત્યારે બૂટલેગરે મકાનના બેઠક રૂમની એક તરફની દિવાલ તથા બેડરૂમની દિવાલને પાર્ટીશન કરીને બંને દિવાલોની વચ્ચે ચોર ખાનુ બનાવ્યું હતું. જેમાં તપાસ કરતા ડીજેના સ્પીકરોના બોક્સમાં વિદેશી દારૂની બોટલો સંતાડી રાખી હતી. ચોર ખાનામાં મુકેલા સ્પિકરના બોક્ષમાંથી 3.05 લાખની વિદેશી દારૂની 40 પેટીઓ મળી આવી હતી. જેથી પીસીબી પોલીસે વિદેશી દારૂ, રોકડા 20 હજાર,3 મોબાઇલ 11 હજાર, ડીજેના સ્પીકરના 9 બોક્સ 3 લાખ મળી 6.36 લાખનો દારૂના જથ્થા સાથે પ્રદિપ કહારની ધરપકડ કરી લીધી હતી. જ્યારે પવન, રવિ અને મહિડા મળી ત્રણેય જણાને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. દારૂ સહિતનો મુદ્દામાલ અને આરોપી આગળની કાર્યવાહી માટે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરાયો છે.

Most Popular

To Top