સવારના વ્યસ્ત સમયે ટ્રાફિક પોલીસની ગેરહાજરી અને અસહ્ય વાહનોના ભારણના કારણે પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો
નોકરિયાતો અને વિદ્યાર્થીઓ સમયસર ન પહોંચી શક્યા, પોલીસ ગાયબ રહી, પણ વાહનચાલકોએ જાતે જ મોરચો સંભાળી ટ્રાફિક હળવો કર્યો
(પ્રતિનિધિ), વડોદરા. તા.૨૨
– શહેરમાં દિનપ્રતિદિન વધી રહેલી ટ્રાફિકની સમસ્યા હવે નાગરિકો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહી છે. તાજેતરમાં જ સવારના વ્યસ્ત સમયે ડીપીએસ સ્કૂલથી ખિસકોલી સર્કલ સુધીનો મહત્વપૂર્ણ માર્ગ સંપૂર્ણપણે ટ્રાફિકમાં જકડાઈ ગયો હતો, જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
સવારના પીક અવર્સ દરમિયાન સર્જાયેલા આ ભારે ટ્રાફિક જામને કારણે વાહનચાલકોને એક કલાકથી વધુ સમય સુધી રસ્તા પર જ અટવાઈ રહેવું પડ્યું હતું. નોકરિયાતો, વેપારીઓ તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સમયસર પોતપોતાના કાર્યસ્થળ કે શૈક્ષણિક સંસ્થાઓએ પહોંચી શક્યા ન હતા, જેના કારણે અનેકોના મહત્વપૂર્ણ કામો અટવાયા હતા.
આ જામની સૌથી ચિંતાજનક બાબત એ રહી કે, એક દર્દીને લઈને જતી ૧૦૮ એમ્બ્યુલન્સ પણ લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાઈ રહી હતી અને આગળ વધી શકી નહોતી. રાહતની વાત એ રહી કે અરાજકતા વચ્ચે વાહનચાલકોએ પોતે જ રસ્તા પર ઉતરીને ટ્રાફિક ક્લિયર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ગંભીર સ્થિતિ દરમિયાન ઘટનાસ્થળે ટ્રાફિક પોલીસનો એક પણ જવાન હાજર ન હોવાથી નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
સ્થાનિક રહેવાસીઓ અને નિયમિત આવન-જાવન કરતા વાહનચાલકોએ વહીવટી તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે, સવાર અને સાંજના વ્યસ્ત સમયે આવા મુખ્ય માર્ગો પર ટ્રાફિક પોલીસની કાયમી અને નિયમિત તૈનાતી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી અસહ્ય સ્થિતિનું પુનરાવર્તન ન થાય અને કટોકટીના સમયે કોઈ દર્દીનો જીવ જોખમમાં ન મૂકાય.