Vadodara

વડોદરામાં જાહેરમાં કચરો નાખનાર રેસ્ટોરન્ટને પાલિકાએ સીલ કરી

  • જેતલપુર બ્રિજ નજીક રેસ્ટોરન્ટના સંચાલકો દ્વારા કચરો નાખવામાં આવ્યો હતો
  • અલકાપુરીની ચુંગા ફા રેસ્ટોરન્ટ સામે પાલિકાની લાલ આંખ

જાહેરમાં કચરો ફેકનાર સામે મહાનગરપાલિકા દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી એક ચાઈનીઝ રેસ્ટોરન્ટને જાહેરમાં કચરો નાખવા બદલ સીલ કરવામાં આવી છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરા 33 માં ક્રમે ધકેલાયા બાદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અંગે કડક કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે. જાહેરમાં કચરો નાખતા જો કોઈ પકડાય તો તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી ચુંગ ફા ચાઈનીઝ રેસ્ટોરન્ટના કર્મચારીઓ દ્વારા જેતલપુર બ્રિજ નજીક જાહેરમાં વધેલો ખોરાક નાખવામાં આવ્યો હતો અને તેઓ મહાનગરપાલિકાના સિક્યુરિટી વિભાગના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પાલિકા દ્વારા તેઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ તેઓ હાજર ન રહેતા પાલિકાના અધિકારીઓ રેસ્ટોરન્ટ ખાતે પહોંચ્યા હતા અને રેસ્ટોરન્ટની બહાર નોટિસ ચિપકાવી તેઓની દુકાનને સીલ કરવામાં આવી હતી. પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા જાહેર કચરો નાખનાર સામે દાખલો બેસશે. મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ સંચાલકો હાજર રહ્યા ન હતા અને તેના કારણે આગળ કાર્યવાહી કરવામાં આવી રહી છે મહાનગરપાલિકા દ્વારા સતત સીસીટીવી કેમેરા તેમજ સિક્યુરિટી સ્ટાફ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને આગામી સમયમાં પણ આવા કોઈ તત્વોને બક્ષવામાં નહીં આવે

Most Popular

To Top