Limkheda

લીમખેડા પાસે મહાકાલ દર્શનથી પરત ફરતી લક્ઝરી બસ ખાડામાં પલ્ટી

ઉજ્જૈનથી ગોધરા જતી બસનો પ્રતાપપુરા પાસે અકસ્માત; 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત

વહેલી સવારે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાઈ દુર્ઘટના, સદનસીબે જાનહાનિ ટળી

લીમખેડા તા.8 : લીમખેડા તાલુકાના પ્રતાપપુરા કોલીયારી પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઉજ્જૈનથી મહાકાલના દર્શન કરીને ગોધરા પરત ફરી રહેલી ખાનગી લક્ઝરી બસ અચાનક રસ્તાની બાજુમાં આવેલા ઊંડા ખાડામાં પલ્ટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં બસમાં સવાર 20થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર વહેલી સવારનો સમય હોવાથી મોટાભાગના મુસાફરો ઊંઘમાં હતા. તે દરમિયાન બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ રોડ પરથી ઉતરી ખાડામાં પલ્ટી મારી ગઈ હતી. અકસ્માત બાદ બસમાં ચીસોચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઈજાગ્રસ્તોને લીમખેડાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

અકસ્માતની ગંભીરતાને પગલે લીમખેડા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી બસને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. હાલ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી ડ્રાઈવરની બેદરકારી સહિતના મુદ્દે તપાસ શરૂ કરી છે.

રિપોર્ટર: દિનેશ શાહ

Most Popular

To Top