India

યુપીની રાજનીતિમાં ફરી વાકયુદ્ધ તેજ;’વિકાસના નામે તો માત્ર અબ્દુલ્લાઓનો મહોલ્લો જ દેખાયો

રાજભરે અખિલેશ પર તુષ્ટીકરણ અને વિકાસમાં ભેદભાવના લગાવ્યા આરોપ, સાંસદ નિધિના ખર્ચને લઈને પૂછ્યા સવાલો

ઉત્તર પ્રદેશની રાજનીતિમાં ફરી એકવાર આરોપ-પ્રત્યારોપનો દોર તેજ બન્યો છે. રાજ્ય સરકારના મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા)ના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર આકરા પ્રહારો કર્યા છે. રાજભરે આરોપ લગાવ્યો કે અખિલેશ યાદવ જ્યારે સાંસદ હતા ત્યારે તેમની સાંસદ નિધિનો ઉપયોગ સમાન વિકાસ માટે નહીં પરંતુ માત્ર ચોક્કસ વિસ્તારોમાં કરવામાં આવ્યો હતો. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે, “વિકાસના નામે તો માત્ર અબ્દુલ્લાઓનો મહોલ્લો જ દેખાયો.”

રાજભરે જણાવ્યું કે સાંસદ નિધિનો હેતુ સમગ્ર લોકસભા ક્ષેત્રનો સમાન વિકાસ કરવાનો હોય છે, પરંતુ સમાજવાદી પાર્ટીના કાર્યકાળમાં વિકાસકાર્યોમાં ભેદભાવ જોવા મળ્યો હતો. તેમના મતે વિકાસ કોઈ એક સમાજ કે વિસ્તાર સુધી મર્યાદિત ન હોવો જોઈએ, પરંતુ દરેક વર્ગ અને દરેક ગામ સુધી પહોંચવો જોઈએ.તેમણે આરોપ લગાવ્યો કે સમાજવાદી પાર્ટીએ વર્ષો સુધી તુષ્ટીકરણની રાજનીતિ કરી છે. રાજભરે કહ્યું કે જો સાંસદ નિધિ ક્યાં ખર્ચાઈ તેની યાદી બહાર કાઢવામાં આવે તો સ્પષ્ટ થઈ જશે કે કયા વિસ્તારોને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. તેમના નિવેદન મુજબ વિકાસના નામે રાજકીય મતબેંક મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

રાજભરે અખિલેશ યાદવને નિશાન બનાવતા કહ્યું કે તેઓ સતત અન્ય પક્ષો પર આરોપ લગાવતા રહે છે, પરંતુ પોતાની સરકાર દરમિયાન કરાયેલા વિકાસ કાર્યોનો હિસાબ આપતા નથી. તેમણે કહ્યું કે જો વિકાસના દાવા કરવામાં આવે છે તો તે અંગે જાહેરમાં સંપૂર્ણ માહિતી મૂકવી જોઈએ જેથી લોકો સત્ય જાણી શકે. સુભાસપા અધ્યક્ષે દાવો કર્યો કે વર્તમાન સરકાર વિકાસને કોઈ જાતિ કે ધર્મ સાથે જોડતી નથી. તેમના જણાવ્યા અનુસાર રસ્તા, વીજળી, પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવી સુવિધાઓ દરેક નાગરિક માટે સમાન રીતે ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે વિકાસનું રાજકારણ અને તુષ્ટીકરણનું રાજકારણ બંનેમાં મોટો તફાવત છે.

રાજભરે અખિલેશ યાદવને સલાહ આપતા કહ્યું કે તેઓ બીજાઓ પર આક્ષેપ કરવાને બદલે પોતાની પાર્ટીની સ્થિતિ પર ધ્યાન આપે. તેમણે દાવો કર્યો કે સમાજવાદી પાર્ટીની અંદર અસંતોષ વધી રહ્યો છે અને અનેક નેતાઓ પાર્ટીના વર્તનથી નારાજ છે. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ સતત એવો દાવો કરી રહ્યા છે કે સત્તાધારી અને વિરોધ પક્ષ વચ્ચેની રાજકીય લડાઈ હવે વધુ તીવ્ર બની રહી છે.રાજભરે ફરી એકવાર પોતાના જૂના નિવેદનોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સમાજવાદી પાર્ટી સાથે તેમનું ગઠબંધન વિચારધારાના મતભેદોને કારણે તૂટ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર તેમણે અખિલેશ યાદવને જમીન સાથે જોડાઈને રાજકારણ કરવાની સલાહ આપી હતી, પરંતુ તે સલાહને ગંભીરતાથી લેવામાં આવી નહોતી. મહત્વ નું છે કે બંને પક્ષોએ અલગ રસ્તો અપનાવ્યો.

તેમણે કહ્યું કે હાલ તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે મળીને પછાત, શોષિત અને વંચિત વર્ગોના હિત માટે કામ કરી રહ્યા છે. રાજભરના મતે વિકાસ અને કલ્યાણકારી યોજનાઓ દરેક વર્ગ સુધી પહોંચે તે જ સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ.
આ નિવેદન બાદ ઉત્તર પ્રદેશની રાજનીતિમાં ફરી ગરમાવો આવ્યો છે. જે બાદ સમાજવાદી પાર્ટીના નેતાઓએ રાજભરના નિવેદનોને રાજકીય પ્રેરિત ગણાવ્યા છે, જ્યારે ભાજપ અને તેના સાથી પક્ષોના નેતાઓ રાજભરના નિવેદનને સમર્થન આપી રહ્યા છે. બંને પક્ષો વચ્ચે સોશિયલ મીડિયા અને જાહેર સભાઓમાં પણ શાબ્દિક યુદ્ધ તેજ બન્યું છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ઉત્તર પ્રદેશમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ પક્ષોએ રાજકીય હુમલાઓ વધુ તેજ કર્યા છે. સાંસદ નિધિ, વિકાસ, તુષ્ટીકરણ અને કાયદો-વ્યવસ્થા જેવા મુદ્દાઓ આગામી દિવસોમાં વધુ ચર્ચામાં રહે તેવી શક્યતા છે. રાજભરના નિવેદનથી રાજ્યની રાજનીતિમાં ફરી નવી ચર્ચા શરૂ થઈ છે અને હવે સમાજવાદી પાર્ટી તરફથી વધુ પ્રતિક્રિયા આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top