Gujarat

ભારત જોડો ન્યાયયાત્રા’ ગુજરાતમાં:રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈ રાહુલ ગાંધીનો પ્રહાર – ‘રાષ્ટ્રપતિ આદિવાસી છે એટલે અંદર જવા ન દીધા’





રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે. ઝાલોદમાં કોંગ્રેસના હજારો કાર્યકર્તા દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ઝાલોદમાં જાહેરસભાને સંબોધતા રાહુલ ગાંધીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, જાતિ આધારિત જનગણના અને અદાણીને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ રાહુલનો પ્રહાર


ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ્યા બાદ રાહુલ ગાંધીએ ઝાલોદમાં જાહેરસભાને સંબોધી હતી. જેમાં રાષ્ટ્રપતિને લઈ કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. રાહુલ ગાંધીએ ઉપસ્થિત લોકોને પૂછ્યું હતું કે, તમે રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જોયો હશે. રાષ્ટ્રપતિ આદિવાસી છે ને? તેનો ચહેરો ટીવી પર કોઈએ જોયો?, કેમ તેને શું ભૂલ કરી? આદિવાસી છે એટલે અંદર જવા ન દીધા. અંદર ફક્ત RSS વાળા હતા. ખેડૂત, મજૂર, દલિત, આદિવાસી નહીં જોયા હોય. અદાણી, અંબાણી, બોલિવૂડ, ક્રિકેટરો જોયા હશે.

જાતિ આધારિત જનગણનાની માગ કરી


ઝાલોદમાં સભાને સંબોધતા રાહુલ ગાંધીએ વધુ એક વખત દેશમાં જાતિ આધારિત વસતી ગણતરીની માંગ કરી હતી અને કહ્યું હતું કે, જાતિ જનગણના થવી જોઈએ જેનાથી દેશના દરેક નાગરીકને ખ્યાલ આવશે કે કોના હાથમાં કેટલું ધન છે?, કઈ સંસ્થામાં કોણ છે?, બજેટમાં ભાગીદારી આટલી છે, દલિતોને ખ્યાલ આવશે કે તેમની ભાગીદારી કેટલી છે?

અદાણીને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો


દેશમાં એક ઉદ્યોગપતિ છે ગૌતમ અદાણી. એરપોર્ટ, પોર્ટ, માઈનીંગ, પાવર જનરેશન, સોલાર પાવર, વિન્ડ પાવર, હિમાચલના સફરજન જ્યાં જુઓ ત્યાં એક જ વ્યકિત જોવા મળશે. બધુ બોલવા જઈશું તો બે ત્રણ કલાક થશે. બે-ત્રણ ટકા લોકોને દેશનું બધુ ધન પકડાવવામાં આવી રહ્યું છે.

ગુજરાત AAPના નેતાઓ પણ યાત્રામાં જોડાયા


ગુજરાતમાં આવનારી લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. ભરૂચ અને ભાવનગર બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવી છે, જ્યારે બાકીની 24 બેઠક કોંગ્રેસને ફાળવવામાં આવી છે. આજે જ્યારે ગુજરાતમાં ભારત જોડો ન્યાયયાત્રાનું આગમન થયું છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિતના કાર્યકર્તાઓ પણ યાત્રામાં જોડાયા છે.

યાત્રાનો આજનો કાર્યક્રમ
રાજસ્થાનથી દાહોદ જિલ્લાના ઝાલોદમાં ભારત જોડો ન્યાય યાત્રાનો પ્રવેશ થશે. ધ્વજ હસ્તાંતરણ બાદ ઠુઠી કાંકસીયા સર્કલ પહોંચશે, અહીં એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સભા પૂર્ણ થયા બાદ યાત્રા મુવડીયા સર્કલથી ચકલીયા સર્કલ તરફ અને ત્યાંથી લીમડી તરફ જશે. આજના દિવસની યાત્રા ઝાલોદ બાયપાસ, કંબોઈધામ ખાતે વિરામ લેશે.

Most Popular

To Top