Charotar

નડિયાદ પોલીસની મહેફિલમાં કદાવર નેતાને બેફામ ગાળો ભાંડવામાં આવી હતી?

મહેફીલના વણઉકલ્યા પ્રશ્નો…
*આર્થિક હિતો સાચવવા માટે ભાગીદારો કમ મિત્રોની ‘દારૂ પે ચર્ચા’નો કાર્યક્રમ કર્યો?
*રાજકીય આશ્રિત 3 PIની મહેફીલમાં કયા નેતાને ગાળો ભાંડવામાં આવી?


નડિયાદના 3 પી.આઈ. સસ્પેન્ડ થયા તે વીડિયો કાપીને માત્ર દારૂની બોટલ અને બેફામ મારામારી અને ગાળાગાળી દેખાય તેટલો ભાગ વાયરલ થયો છે. મૂળ આ વીડિયો 40 અથવા 66 સેકન્ડનો હોવાની ચર્ચા છે, જેમાં રાજકીય આશ્રિત આ પોલીસ ઈન્સપેક્ટર્સ દ્વારા નેતાઓને ગાળો ભાંડવામાં આવી હોવાની ચર્ચા છે. પરંતુ તે કાપી અને માત્ર મહેફીલનો 17 સેકન્ડનો વાયરલ થયો છે. જો કે, આ વાયરલ વીડિયો કરતા વધારે મહત્વની બાબત એ છે કે, આ વીડિયોમાં મિત્રોની મહેફીલ નહીં, પરંતુ આર્થિક હિતો સાચવવા માટે ‘દારૂ પે ચર્ચા’નો કાર્યક્રમ ગોઠવાયો હતો અને તેમાં આ માથાકૂટનો વીડિયો વાયરલ થયો છે.

નડિયાદના કદાવર અને રાજ્ય સરકારમાં મોભાદાર સ્થાન ભોગવી ચૂકેલા નેતાની સ્થાનિક પોલીસ ઉપર ભારે ધાક છે. પોલીસ કોઈ અરજદારને ખોટી રીતે હેરાન કરે કે તોડ કરે તો આ નેતાએ ન્યાય અપાવી નાણાં પાછાં અપાવ્યાના પણ દાખલા છે. તેથી આ નેતા પોલીસવાળાને આંખમાં કણાની માફક ખૂચતા હોવાથી દારૂની મહેફિલમાં તેમને બેફામ ગાળો ભાંડવામાં આવી હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.
સામાન્ય ચોરીના આરોપીઓને પકડી જાણે આતંકવાદી પકડ્યા હોય તેમ પ્રેસ કોન્ફરન્સ કરતી ખેડા જિલ્લા પોલીસ 3 પી.આઈ.ના વાયરલ વીડિયોની ખાતાકીય તપાસ અંગે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. જો કે, આ અંગે તરેહ તરેહની ચર્ચાઓ શરૂ થઈ છે. આ મહેફીલ માત્ર દારૂનો આનંદ માણવા પૂરતી સિમિત ન હોય અને આર્થિક હિતોની સાચવણી અને ભાગબટાઈની બાબતે દારૂ પે ચર્ચાનો કાર્યક્રમ હોવાની વિગતો સાંપડી છે. આણંદનો શ્લેષ પટેલ અને મનીષ જૈન બંને આ પોલીસ ઈન્સપેક્ટર્સના મિત્રો હોવા ઉપરાંત ધંધાકીય ભાગીદારો હોવાનું જાણવા મળ્યુ છે. વડતાલમાંથી સસ્પેન્ડ થયેલા પી.આઈ. આર. કે. પરમાર જ્યારે મોડાસામાં એલ.સી.બી. પી.આઈ. હતા, ત્યારે તેમની કચેરીમાંથી વિદેશી દારૂ મળ્યો હતો અને બાદમાં તેમની સામે બુટલેગરો સાથે મેળાપીપણાના આક્ષેપ થતા એ.સી.બી. તપાસ શરૂ થઈ હતી. આ ઉપરાંત હરપાલસિંહ ચૌહાણના નજીકના સબંધિઓના આણંદમાં મોટા વ્યવસાય ચાલતા હોવાના આક્ષેપ ઉઠતા રહ્યા છે. તેમજ ત્રણેય પી.આઈ. એક જ જિલ્લાના અને એક જ વિધાનસભા વિસ્તારમાં આવતા પોલીસ મથકોમાં ફરજ બજાવતા હોય, આ વિસ્તારોમાં આર્થિક હિતો સાચવવા તેમના મળતીયા મનીષ જૈન અને શ્લેષ પટેલ સહિતના કેટલાક લોકો આર્થિક મામલે વાતચીત કરવા દારૂની પાર્ટીમાં ભેગા થયા હતા. જે દરમિયાન શ્લેષ પટેલ અને મનીષ જૈન વચ્ચે આ અંગે બબાલ થઈ અને તેમાં ત્રણેય પી.આઈ. છોડાવતા અને દારૂની બોટલો સહિતના પ્રદર્શન સાથે વીડિયો ઉતરી ગયો. જેમાંથી 17 સેકન્ડનો વાયરલ કરાયો હોવાની ચર્ચા છે. જો કે, હજુ સુધી આ વીડિયો કોણે ઉતાર્યો? દારૂની બોટલો ક્યાંથી આવી? જે નામો સામે આવ્યા છે, તેના સિવાય બીજુ કોણ હાજર હતુ, જગ્યા કઈ છે, તે તમામ પ્રશ્નો વણઉકલ્યા છે.

Most Popular

To Top