( પ્રતિનિધિ )વડોદરા,તા.5
એમ.એસ.યુનિવર્સીટીના પેવેલિયન મેદાન પાસે એક કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. સ્ટેયરિંગ પર કાબુ ગુમાવતા કાર દીવાલ તોડી થાંભલા સાથે અથડાઈ ગઈ હતી. જેમાં કારમાં સવાર યુવકો પૈકી એકને ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે સયાજીગંજ પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી




મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના પેવેલિયન મેદાન પાસે બેફામ કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. કાર એટલી જોરદાર સ્પીડમાં હતી કે, પેવેલિયનની દિવાલ તોડીને થાંભલા સાથે અથડાઈ ગઈ હતી. સર્જાયેલા અકસ્માતમાં કારના આગળના બોનેટ ઉડી ગયા હતા અને કુરચે-કુર્ચા થઈ ગયા હતા. ડ્રાઇવરની સીટની બંને એરબેગ્સ ખુલી ગઈ હતી. અકસ્માતમાં કાર ચાલક ઘાયલ થયો હતો. બનાવને પગલે યુનિવર્સીટી પેવેલિયન સ્ટાફ સહિત પોલીસ આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડયો હતો. યુનિવર્સિટીના સુપરવાઇઝર હેમંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, કાર ચાલક સ્પીડમાં હતો અને પેવેલિયનની દિવાલ તોડી નાખી છે. અકસ્માત કેવી રીતે થયો તે અમને જાણ નથી. ઘટના સ્થળે કાર માલિકનો મિત્ર ભાવેશ પણ આવી પહોંચ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, કાર કોણ ચલાવતું હતું તે જાણ નથી. કારમાં બેથી ત્રણ જણા હતા. કારનું સ્ટેયરિંગ લોક થઈ ગયું હોય તેમ લાગે છે. સદનસીબે અકસ્માતમાં મોટી જાનહાનિ થતા ટળી હતી. સમગ્ર મામલે સયાજીગંજ પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.