Charotar

નડિયાદમાં બિલ્ડરના મૃત્યુના સાત વર્ષ બાદ વ્યાજખોરે 14 લાખ માંગ્યા

નડિયાદના બિલ્ડરે 2012માં હિસાબ વખતે આપેલા કોરા ચેક ભાગીદારે પરત આપ્યાં નહતાં
ભાગે પડતી એક કરોડની રકમ ચુકવી દીધી છતાં નાણાં આપવા દબાણ કર્યું

નડિયાદમાં કન્ટ્રકશનનો વ્યવસાય કરતાં બિલ્ડરે ભાગીદારીમાં ધંધો કર્યો હતો. જેમાં 2009ની સાલમાં રૂ.3.5 લાખ લીધા હતાં. જે ચુકવી આપ્યાં હતાં. આ ઉપરાંત 2012માં ભાગીદારી છુટી પડી હતી. તે સમયે રૂ. એક કરોડના હિસાબ પેટે ચેક આપ્યો હતો. જે એક કરોડ ચુકવી દીધા બાદ પણ સામેવાળા શખ્સે ચેક પરત કર્યાં નહતાં. દરમિયાનમાં બિલ્ડરનું અવસાન થતાં તેના સાત વર્ષ બાદ ચેક બતાવી પુત્ર પાસે રૂ.14 લાખ વ્યાજ માંગ્યું હતું. જોકે, ચાર ચુકવી પણ દીધું હતું. જ્યારે બાકીના દસ લાખ આપવા વ્યાજખોર દબાણ કરતો હતો. આખરે આ અંગે નડિયાદ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધયો હતો.
નડિયાદ શહેરના કોલેજ રોડ ઉપર આવેલા નારાયણદેવ પાર્કમાં રહેતા જીગર ઉપેન્દ્રભાઈ પટેલ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જીગરભાઈના પિતા ઉપેન્દ્રભાઈ વર્ષ 1995માં જમીન-લે વેચનો ધંધો ગોવિંદ જીણા રાજન સાથે ભાગીદારીમાં કરતા હતા. જે તે વખતે ગોવિંદભાઈ વ્યાજે પૈસા આપવાનો પણ ધંધો કરતા હોય ઉપેન્દ્રભાઈએ 3.50 લાખ વ્યાજે લીધાં હતાં. ગેરંટી પેટે સહી કરેલા ચેક પણ આપ્યા હતા. આ નાણાં ઉપેન્દ્રભાઈએ વ્યાજ સહિત ચૂકવી દીધા હતા.
દરમિયાનમાં ગોવિંદ રાજન અને ઉપેન્દ્રભાઈ વચ્ચે 2012ના વર્ષમાં બેઠક યોજાઇ હતી. જેમાં હિસાબો થતાં ગોવિંદને રૂ. એક કરોડ આપવાના નિકળ્યાં હતાં. આ મામલે ઉપેન્દ્રભાઈએ લખાણ પણ કરી આપ્યું હતું અને ત્રણ કોરા ચેક સહીવાળા ગોવિંદને આપ્યાં હતાં. જોકે બાદમાં ઉપેન્દ્રભાઈએ રૂપિયા એક કરોડ ચૂકવી દીધા હતા. તે સમયે ઉપેન્દ્રભાઈએ આ ગોવિંદભાઈ પાસે આપેલા ગેરંટી પેટે ચેક પરત માગતા ગોવિંદે મારાથી ચેક ખોવાઈ ગયા હોવાનું જણાવ્યું હતું.
બાદમાં ગોવિંદભાઈએ ઉપેન્દ્રભાઈ સાથે કામ કરવાનું બંધ કરી દીધું હતું અને આ દરમિયાન 9મી જાન્યુઆરી 2013ના રોજ ઉપેન્દ્રભાઇનું અવસાન થયું હતું. આ ઘટનાને સાત વર્ષ બાદ વ્યાજખોર ગોવિંદ રાજને વ્યાજે લીધેલા નાણા બાકી હોવાનું જીગરને જણાવ્યું હતું અને ઘરે આવી કહ્યું કે, તમારા પિતાએ પિતરાઈ ભાઈઓના ચેક મારી પાસે છે અને ઉપેન્દ્રભાઈએ જમીન લેવડદેવડના હિસાબ પેટેના રૂપિયા એક કરોડના વ્યાજના 14 લાખ લેવાના બાકી નીકળે છે, જે તમારે આપી દેવા પડશે. વધુમાં કહ્યું કે આ કોરા ચેક મારી પાસે છે અને તમે નાણાં નહીં આપો તો હું બેંકમાં ભરીને તમારી વિરુદ્ધમાં કેસ કરી દઈશ તેવી ધમકી આપી હતી.

જેથી જીગરભાઈ પટેલે ડરથી રૂપિયા 4 લાખ ટુકડે ટુકડે આપી દીધા હતા. આમ છતાં 10 લાખ વસૂલ કરવા વ્યાજખોર ગોવિંદ અવારનવાર દબાણ કરતા હતા. આ બાદ જે કોરા ચેક હતા તેના આધાર પર વકીલ મારફતે નોટિસ તૈયાર કરી આ ત્રણેય ચેકોનો ઉપયોગ કરી જીગરને નોટિસ મોકલી આપી હતી. આ બાદ વર્ષ 2023ના નવેમ્બર-ડિસેમ્બર માસમાં આ ગોવિંદ રાજનના માણસ આમિર પઠાણ પૈસાની ઉઘરાણી કરવા ગોવિંદે જવાબદારી સોંપી હતી.
નડિયાદના અમદાવાદી બજાર ખાતે બેઠક મળી હતી. જેમાં ગોવિંદે કહ્યું કે, તમારા પિતાજીએ અમારા ધંધાના હિસાબના રૂપિયા એક કરોડ લેવાના બાકી નીકળે છે, તે તો તમે આપતા નથી. વ્યાજના પૈસા પણ આપતા નથી. તેમ કહી ગુસ્સે થઈ ગમે તેમ ગાળો બોલી વ્યાજના રૂપિયા ચૂકવવા દબાણ કર્યું હતું. જોકે ગોવિંદ રાજને ધમકી આપી કે, પૈસા તો તમારા બાપ પણ આપવા પડશે. નહીંતર યાદ રાખજો. તમારા ટાંટીયા તોડી નાખીશ. તેવી ધમકી આપી હતી. જેથી આ નાણાં લેવા માટે વ્યાજખોર ગોવિંદ રાજને ખોટી રીતે દબાણ કરતા હોય આ સમગ્ર મામલે ગોવિંદ જીણા રાજન વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top