Business

તારાપુરમાં લાંચ લેતા પકડાયેલા પીએસઆઇ અને કોન્સ્ટેબલને સજા

તારાપુરમાં વર્ષ 2012માં મારામારી કેસમાં પ્રોબેશન પીએસઆઈએ લાંચ માંગી હતી (ટોપી)

બાર વર્ષ પહેલા થયેલી મારામારીમાં એફઆઈઆરમાંથી નામ કાઢવા રૂ.25 હજારની લાંત લીધી હતી (પેટા)

(પ્રતિનિધિ) ખંભાત તા.20

તારાપુર પોલીસ મથકમાં 2012ના વર્ષમાં પ્રોબેશન પીએસઆઈ તરીકે ફરજ બજાવતાં પ્રકાશકુમાર શંભુપુરી ગૌસ્વામી અને કોન્સ્ટેબલ રમેશ ડાહ્યાભાઈ મકવાણાને લાંચ કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યાં છે. આ બન્ને પોલીસ જવાનોને ત્રણ વર્ષની કેદ અને રૂ. 5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

તારાપુરની મોટી ચોકડી પર મગનભાઈ છેલાભાઈ ભરવાડની મલિકીની ગંગોત્રી હોટલ આવેલી છે. આ મગનભાઈના સાઢુભાઈને સીંજીવાડા ગામના ઉદય ચંદુભાઈના ખેતરમાં વર્ષ 2012ના ગાળામાં ડાંગર કાપવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં મગનભાઇના સાઢુ ભાઇને ઇજા પહોંચતાં તારાપુર હોસ્પિટલમાં દાખલ કર્યાં હતાં. જ્યાંથી વધુ સારવાર અર્થે કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે લઇ ગયાં હતાં. આ બાબતે તારાપુર પોલીસ મથકે ફરિયાદ આપવા તજવીજ હાથ ધરી હતી. દરમિયાનમાં 17મી નવેમ્બર,2012ના રોજ તારાપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એસ. ગૌસ્વામીએ મોબાઇલ પર વાત કરી હતી અને મગનભાઈને જણાવ્યું હતું કે, કાલે ઝઘડો થયેલો તેમાં તમારૂ પણ નામ છે. તેમ જણાવી પોલીસવાળા રમેશભાઈ સાથે મળીને નામ કાઢી નાંખવાના કામે વહીવટ કરવા બાબતે

રૂ.50 હજારની માગણી કરી હતી. જોકે, મગનભાઈ નિર્દોષ હોવાનું જણાવી કંઇક ઓછુ કરવા જણાવતા રકઝકના અંતે રૂ.25 હજાર નક્કી થયાં હતાં. આથી, મગનભાઈની હોટલે આવીને લઇ જવાનો વાયદો કર્યો હતો. દરમિયાનમાં 22મી નવેમ્બર,2012ના રોજ નડિયાદ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. શેખને ફરિયાદ આપતા તારાપુર ચોકડી પાસે ગંગોત્રી હોટલ ખાતે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે કોન્સ્ટેબલ રમેશ મકવાણા હોટલ પર આવી મગનભાઈને મળ્યાં હતાં. તે સમયે પીએસઆઈનો નંબર માંગી તેના પર પોતાના મોબાઇલ ફોનથી હેતુલક્ષી વાતચીત કરતાં જણાવ્યું હતું કે, પેલા રમેશભાઈ પૈસા લેવા આવેલા છે. હું આપી દઉં છું. તેમ કહી ફોન કટ કર્યો હતો અને તે પછી રમેશ મકવાણા તથા ફરિએ ડાઇનીંગ હોલની બહાર જવાના દરવાજા પાસે ઉભા ઉભા વાત કરતાં હતાં.  આ સમયે મગનભાઈએ નોટોની થપ્પી બહાર કાઢી કોન્સ્ટેબલ રમેશભાઈને આપી હતી. જે તેણે ખિસ્સામાં મુકી હતી. આ સમયે એસીબીએ ત્રાટકી રમેશને રંગેહાથ પકડી લીધો હતો અને બાદમાં પીએસઆઈની પણ અટક કરવામાં આવી હતી.

આ કેસ ખંભાત કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકિલ અશ્વિનસિંહ જાડેજાની દલીલ, પુરાવા ગ્રાહ્ય રાખી ન્યાયધિશે લાંચ કેસમાં પીએસઆઈ પી.એસ. ગૌસ્વામી અને કોન્સ્ટેબલ રમેશ મકવાણાને દોષીત જાહેર કર્યાં હતાં. આ બન્નેને ત્રણ વર્ષની સજા અને 5 હજારનો દંડ ફટકાર્યો હતો.

ફોન પરની વાતચીત પરથી પીએસઆઈની સંડોવણી ખુલી (બોક્સ)

તારાપુર હોટલ પર 22મી નવેમ્બર,2012ના રોજ લાંચની રકમ લેવા આવેલા રમેશ પાસે મગનભાઈએ પીએસઆઈ પ્રકાશકુમાર શંભુપુરી ગૌસ્વામીનો નંબર માંગ્યો હતો. જે નંબર આપ્યો હતો. આ નંબર આધારે તેઓએ પીએસઆઈને ફોન કર્યો હતો અને પેલા રમેશભાઈ પૈસા લેવા આવેલા છે, હું આપી દઉં. તેમ કહી ફોન કટ કરી દીધો હતો. જે અનુસંધાને પીએસઆઈની સંડોવણી ખુલતા તેમની અટક કરવામાં આવી હતી.

Most Popular

To Top