Gujarat

ડાકોરમાં 20મી માર્ચે સવારે 6-45 વાગ્યે મંગળા આરતી થશે

નડિયાદ: ફાગણી પૂનમ પછીના પ્રથમ રવિવારે ડાકોરમાં દર્શનાર્થીઓની ભીડને ધ્યાનમાં રાખીને દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે. રવિવારે સવારે સાડા છ કલાકે નીજ મંદિર ખુલશે અને ૬.૪પ કલાકે મંગળા આરતી થશે. ડાકોર શ્રીરણછોડરાયજીના મંદિરે ૨૦મી માર્ચ, ૨૦૨૨ને રવિવારના રોજ દર્શનનો સમય નિયત કરાયો છે. જગવિખ્યાત ડાકોરના રાજા રણછોડરાયજી મંદિર ખાતે ગુજરાતના ગામે ગામથી ફાગણી પૂનમ અને તેની આગળ પાછળના દિવસો દરમ્યાન શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે ભકતોની ભારે ભીડ થતી હોય છે. આ બાબતને ધ્યાને લઇ ભકતો સરળતાથી અને સહેલાઇથી દર્શન કરી શકે તે માટે સંવત ૨૦૭૮ના ફાગણ વદ-2ને તા.૨૦/૦૩/૨૦૨૨ને રવિવારના રોજ શ્રીરણછોડરાયજી મહારાજ ડાકોરના દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ સવારના ૦૬/૩૦ વાગે નિજ મંદિર ખુલશે. ૦૬/૪૫ વાગે મંગળા આરતી થશે.

૬/૪૫ થી ૮/૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. ૮/૩૦ થી ૯/૦૦ વાગ્યા સુધી શ્રીઠાકોરજી બાલભોગ, શ્રુંગારભોગ, ગોવાળભોગ ત્રણેય ભોગ ટેરામા આરોગવા બીરાજશે, આ દરમિયાન દર્શન બંધ રહેશે. ૯/૦૦ વાગ્યે શણગાર આરતી થશે. ૯/૦૦ થી ૧૨/૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. ૧૨/૩૦ થી ૧/૦૦ સુધી શ્રી ઠાકોરજી રાજભોગ આરોગવા માટે બીરાજશે જે સમયે દર્શન બંધ રહેશે. બપોરના ૧/૦૦   વાગે રાજભોગ આરતી થશે, ત્યારબાદ અનુકૂળતાએ શ્રી ઠાકોરજી પોઢી જશે. ૩/૪૫ વાગે નિજ મંદિર ખુલશે. ૪/૦૦ વાગે ઉત્થાપન આરતી થશે. ત્યારબાદ શયનભોગ – સખડીભોગ આરોગી અનુકુળતાએ શ્રી ઠાકોરજી પોઢી જશે તેમ ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. પૂનમ બાદ પણ સતત યાત્રીકોનો ધસારો રહેતો હોય છે. તેમાંય પૂનમ પછીના રવિવારે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે.

Most Popular

To Top