Charchapatra

ગાંધીસ્મૃતિ ભવનને ગાડી પાર્કિંગ ભવનમાં તબદીલ કરવાનું છે?

ગાંધીસ્મૃતિ ભવનનાં નવનિર્માણના જે પ્રયત્નો આજ સુધી થયા તે આપણે જોયા છે. ભવન જમીનદોસ્ત થયું ને ત્યાં અત્યારે મેદાન બની ગયું છે. સુરતની કળા પ્રવૃત્તિનું તે કેન્દ્ર હતું અને સુરત મહાનગરપાલિકા તેનું શું કરવા માંગે છે તે આજ સુધી સ્પષ્ટ થયું નથી.  ગાંધીસ્મૃતિ ભવનના નવનિર્માણ માટે જે સલાહ-સૂચનો કમિટીએ રજૂ કર્યાં હતાં તેનું પછીથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું  અને એ ટેન્ડર ટેકનીકલ કારણોસર દફતરે કરવામાં આવ્યું છે. આજે જે કંઇ હાલત દેખાઈ રહી છે તે પ્રમાણે હવે કદાચ ગાંધીસ્મૃતિ ભવન, ગાડી પાર્કિંગ ભવનમાં તબદીલ થાય તેવી પૂરી શકયતા છે.

આશા છે સુરત મહાનગરપાલિકાની ગાંધીસ્મૃતિ ભવનના નવનિર્માણ માટે નિમણૂક પામેલી સમિતિને જો કોઇ માહિતી ન મળી શકતી હોય તો સામુહિક રાજીનામાં સોંપે જેથી ગાડી પાર્કિંગ ભવનના કાર્યને વેગ મળે. આજુબાજુનાં રહેવાસીઓને ગાડી પાર્કિંગમાં સુવિધા થાય. સુરત મહાનગરપાલિકાએ ગાંધીસ્મૃતિ ભવનના નવનિર્માણ માટે આમંત્રિત કરેલા નાટક, નૃત્ય અને સંગીતના, સુરત અને મુંબઇનાં કલાકારોની સમિતિને આ મુદ્દાઓ સમર્પિત છે. આશા છે નિમણૂક પામેલા કળાકારોનો આત્મા જાગે.
સુરત  – શાંતિલાલ મિસ્ત્રી-         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ખોટો શબ્દપ્રયોગ
ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલાય છે. છતાં ઘણાં શિક્ષિત લોકો પણ બોલવામાં – લખવામાં ખોટો શબ્દપ્રયોગ કરે છે. તે ધ્યાન પર આવતાં વધુ લખવા પ્રેરાયો છું. જેમકે ખરો શબ્દ આતંકવાદી છે. તેના બદલે લોકો આંતકવાદી બોલે છે અને લખવામાં અને બોલવામાં ભૂલ કરતા હોય છે. આ ખોટો શબ્દપ્રયોગ છે. તેવી જ રીતે મહિલાઓ જે મા-અંબાની આરતી ગાય છે તેમાં પણ જયો-જયો મા જગદંબેને બદલે જયો-જયો માં જુગદંબે બોલતી હોય છે. આ પણ ખોટો શબ્દપ્રયોગ છે. કર્મકાંડી બ્રાહ્મણો તથા ગોર મહારાજ પણ જયારે ગણપતિ બાપાની આરતી ગાય છે ત્યારે ગજાનન ને બદલે ગજાનંદ બોલે છે. આમ ખોટા શબ્દપ્રયોગથી ખોટું અર્થઘટન થાય છે. આથી ગુજરાતી બોલો પણ સાચા  શબ્દપ્રયોગ કરો એવું મારુ માનવું છે.
તરસાડા -પ્રવીણસિંહ મહીડા        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top