Business

ગરીબની દિવાળી

દિવાળીનો તહેવાર શરૂ થઇ ગયો હતો. વાઘબારસ, ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી, નવું વર્ષ, ભાઈબીજ આમ  સતત છ દિવસ ચાલતું આ પર્વ હવે માત્ર હિન્દુઓનું જ પર્વ રહ્યું નથી. દરેક ભારતીય એક યા બીજી રીતે આ પર્વના આનંદમાં સહભાગી બને છે. પણ ગરીબો માટે ક્યારેક તે કષ્ટદાયક પણ બને છે. હા, આ કથન‌ માત્ર આ તહેવાર પૂરતું જ નથી. દરેક ધર્મના તહેવારોને પણ તે લાગુ પડે છે. પંચમહાલ જિલ્લાના અંતરિયાળ ગામડામાંથી રોજીરોટી રળવા સુરત આવેલ રામુ એક ઉદ્યોગપતિને ત્યાં ટૂંકા પગારે નોકરીમાં રહ્યો.

શેઠના કારખાનામાં ઘણા કામદારો નોકરી કરતા હતા પણ રામુનો સૌમ્ય સ્વભાવ, વિવેક, વર્તણૂક વગેરે લક્ષમાં લઇને શેઠે એને પોતાના બંગલે નોકર-મુંબઈગરાની ભાષામાં ઘરઘાટી તરીકે રાખ્યો હતો. શેઠના પાર્કિંગમાં એક પાણીના નળ સાથેની ચોકડી અને થોડી ખુલ્લી જગ્યા હતી તેમાં એ પડી રહેતો હતો. ખોરાકપાણી તો શેઠના ઘરેથી મળી રહેતાં.      રામુની ફરજમાં એક મહત્ત્વની ફરજ શેઠની એક સાત-આઠ વર્ષની નાની દીકરી સોનાલીને સાચવવાની, તેને સ્કૂલમાં મૂકવા – લેવા જવાની હતી. રામુને આ દીકરી ખૂબ વહાલી લાગતી તેનું એક કારણ એ હતું કે એના વતનમાં આટલી જ ઉંમરની એની પોતાની લાડકી દીકરી હતી. સોનાલીની સંભાળ રાખતાં એમાં એને પોતાની આ વહાલી દીકરી દેખાતી.

     દિવાળીના દિવસો શરૂ થઈ ગયા હતા.  શહેર દિવાળીની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. સોનાલીની જીદ પૂરી કરવા રામુ  તેને નજીકના વિસ્તારમાં રોશની બતાવવા લઈ જતો ત્યારે પોતાની દીકરીને લઈ જતો હોવાનું મહેસૂસ કરતો. દીકરી માટે થોડાક ફટાકડા અને કપડાં પણ તેણે ખરીદી લીધાં હતાં.

      રામુની આ દીકરી લાંબા સમયથી બીમાર રહેતી હતી. રામુ  કોઈની સાથે દર મહિને થોડા પૈસા ઘરે મોકલતો. એમાંથી કુટુંબનું ગુજરાન ચાલતું અને ગામડાના કોઈ વૈદની દવા  ચાલતી હતી. એને એના એક સંબંધી પાસે હમણાં જ ખબર મળી હતી કે, તેની દીકરીની તબિયત સાવ લથડી ગઈ છે અને કદાચ  આ એની છેલ્લી દિવાળી હશે એટલે એનું દિલ વિચલિત થઇ ગયું. એ તાત્કાલિક શેઠ પાસે પહોંચી ગયો અને દીકરીની બીમારીને કારણે ઘરે જવા માટે રજા માગી. પણ શેઠે કહ્યું, ‘‘રામુ તું તો આ ઘરનો સૌથી વફાદાર, અનુભવી અને જાણકાર  નોકર છે. આ દિવાળીના તહેવારમાં તારા વગર શી રીતે ચાલે?

અને તું તો જાણે છે કે, નવા વર્ષના દિવસે કેટલાં બધાં લોકો આપણે ત્યાં શુભેચ્છા પાઠવવા આવે છે. કેટલી બધી મોટી મોટી હસ્તીઓ  આવે છે.  આ બધાંની સારસંભાળ તો તારે કરવાની હોય છે ને? હવે જો ને કાલે દિવાળી અને પરમ દિવસે નવું વર્ષ. ફક્ત બે જ દિવસ કાઢવાના છે. નવા વર્ષના દિવસે બપોર પછી અમે કાશ્મીર ફરવા માટે જઈએ છીએ. દશ દિવસ પછી આવવાના છીએ. તું પણ અમે જઈએ પછી નીકળી જજે અને દશ દિવસ બાળબચ્ચાં સાથે મજા કરજે. સીધો, સરળ, વફાદાર નોકર નારાજગીને દિલમાં દબાવી રાખી એક શબ્દ પણ બોલી ન શક્યો અને માથું ખંજવાળતાં ખંજવાળતાં  કામે લાગી ગયો. આખરે મજબૂરી તો હતી જ ને?

     દિવાળીની એ રાત ! ઘેરઘેર પ્રગટતી દીપમાળાઓની રોશની.  અવનવા ઈલેક્ટ્રિકલ  સ્ટ્રિન્ગ લાઈટની ઝગમગ થતી મનમોહક રંગબેરંગી  રોશનીથી ઝળહળી ઊઠેલું શહેર, કાનના પડદા તોડી નાખે એવા ફટાકડાના અવાજ વચ્ચે શેઠની લાડકી સોનલ ઘડીક હાથમાં તારામંડળ ઘુમાવતાં તો ઘડીક નાના-નાના ફટાકડા ફોડતા ખુશખુશાલ થઈ જતી. સોનલને ખુશ કરવાની, સંભાળવાની જવાબદારી રામુની હતી. રામુ હોંશે હોંશે એ જવાબદારી નિભાવી રહ્યો હતો. હોઠ પર હાસ્ય અને હૈયામાં જલન, એવી એની સ્થિતિ હતી. એની વહાલસોયી દીકરીની યાદ એને વ્યથિત કરી રહી હતી. કેવી હશે એની તબિયત? કોણ એને ફટાકડા ફોડી ખુશ રાખતું હશે? મને જો શેઠે રજા આપી હોત તો હું એનું મોઢું મીઠાઈથી ભરી દેતો હોત.

ફટાકડા ફોડી ખુશ કરી દેતો હોત! એની આ છેલ્લી દિવાળી…એની આંખોમાંથી આંસુ સરી પડ્યાં. એને છૂપી રીતે પોતાના શર્ટની બાંયથી એણે લૂછી કાઢ્યાં! હવે એક જ દિવસ છે ને! કાલે રાત્રે તો હું એને ખુશીઓથી ભરી દઈશ. એ પોતે જ પોતાની જાતને આશ્વાસન આપતો. રાત આખી આમ જ વિચાર- વમળમાં ગુજરી ગઈ. એ વહેલી સવારે શેઠના બંગલે પહોંચી ગયો અને સેવામાં લાગી ગયો. બપોરના બે વાગ્યા સુધીમાં આગંતુકોની સંખ્યા પૂરી થઈ ગઈ. શેઠને બે હાથ જોડી રજા માગી. શેઠ તેનાથી બહુ ખુશ હતા. ઊભો રહે રામુ, કહી તે ઘરમાં ગયા.

જુદી જુદી મિઠાઈનાં બે -ત્રણ પેકેટસ, દીકરી માટે બે જોડ કપડાં, પત્ની માટે સાડીથી ભરેલો એક મોટો થેલો એને આપતાં દશ દિવસની  રજા આપી. શેઠને પગે લાગી હરખાતો, હરખાતો તે ઘરે જવા નીકળ્યો. ત્યાં રસ્તામાં તેના ભત્રીજાનો તેને ભેટો થયો. તે  કાકાને ભેટી પડયો. પોક મૂકીને બોલ્યો, ‘‘કાકા આપણી સોની હવે નથી રહી, તમને યાદ કરતાં કરતાં આજે સવારે જ એણે પ્રાણ છોડ્યો!’’   દિગ્મૂઢ બની ગયેલ રામુ સીધો જ શેઠને ત્યાં પહોંચી ગયો. એમના ચરણોમાં થેલો મૂકીને બોલ્યો, ‘‘શેઠસાહેબ, લો તમારી ભેટ. હવે એ અમારા કોઈ કામની નથી. જેને માટે એ હતી તે મારી સોનુ તો પહોંચી ગઇ ભગવાનને ત્યાં…..!’’ અને એક ક્ષણના પણ વિલંબ વિના તેણે  સડસડાટ ચાલતી પકડી…. !!!

Most Popular

To Top