Dakshin Gujarat

એનઆરઆઇ અને ગ્રામજનોના સહયોગથી મોતીની જેમ ચમકતું માણેકપોર

ઉવા ગામ તો હીરા જેવું, માણેકપોર તો મણિ.
સ્યાદલા સોના જેવું, ને શેઠિયાઓનું મઢી”
આ પંક્તિ બારડોલીના ચાર ગામોની ખાસિયતોનું વર્ણન કરે છે. જેમાં સૌથી પહેલા ઉવા ગામને હીરા જેવુ બતાવવામાં આવ્યું છે. જ્યારે ઉવાની પાડોશમાં આવેલું માણેકપોરની સરખામણી મણિ સાથે કરવામાં આવી છે. એ જ રીતે સ્યાદલા ગામને સોનાનું ગામ તો મઢી શેઠીયાના ગામ તરીકે બતાવી આ પંક્તિ બનાવનાર વ્યક્તિ એ માત્ર બે લીટીમાં ચાર ગામોનું વર્ણન કરી દીધું છે. આ ચાર પૈકી આજે ગુજરાતમિત્રની આસપાસ ચોપાસ પૂર્તિમાં આપણે મણિ જેવા માણેકપોર ગામની ચર્ચા કરીશું.

મણિ એટલે સરળ શબ્દોમાં કહીએ તો કીમતી પથ્થર અથવા તો માણેક. પંક્તિમાં કહેવાનો અર્થે એવો છે કે માણેકપોર એટલે ખૂબ જ કીમતી ગામ. ગામમાં એવું કઈક તો હશે જેથી તેની સરખામણી માણેક સાથે કરી છે. ગામના અગ્રણી એવા અમીષસિંહ ચાવડાએ ગુજરાતમિત્ર સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે, ગ્રામજનોની મહેનત અને લગને અમારા ગામનું નામ ‘માણેકપોર’ ખરા અર્થમાં સાર્થક થઈ રહ્યું છે. ગ્રામજનો, એનઆરઆઇ અને સરકારી સહાયની મદદથી વિકાસના કામો ઝડપથી થઈ રહ્યા છે.

માણેકપોર ગામ સુરત ધુલિયા નેશનલ હાઇવે નંબર 53 પર તાલુકા મથક બારડોલીથી લગભગ 18 કિમીના અંતરે વસેલું છે. હાઈવેથી દોઢેક કિમીના અંતરે વસેલા આ ગામમાં તમામ જ્ઞાતિના લોકો સંપથી રહે છે. ગામમાં રાજપૂત, લેઉવા પાટીદાર, માહ્યાવંશી, હળપતિ, મિસ્ત્રી અને મૈસુરિયા સમાજના લોકો વસવાટ કરે છે. અનુસુચિત જનજાતિ (આદિવાસી) સમાજની વસ્તી સૌથી વધુ છે, ગામની કુલ વસ્તીના 59.29 ટકા લોકો આદિવાસી સમાજના છે. રાજપુતોના કેટલાક પરિવાર ગામમાં લગભગ આઠ પેઢી પહેલા સિદ્ધપુર પાટણ અને ઓલપાડ તાલુકાનાં એરથાણ ગામથી આવીને વસ્યા હોવાનું વડીલો જણાવે છે. મઢી માણેકપોર તરીકે જાણીતા આ ગામના લોકોનું મુખ્ય વ્યવહાર મઢી સાથે રહેલો છે. મઢી આ વિસ્તારનું મુખ્ય વેપારી મથક હોય ગામના લોકો બજારથી લઈ જીવન જરૂરી ચીજવસ્તુ માટે મોટા ભાગે મઢી પર નિર્ભર રહે છે.

ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન
માણેકપોર ગામને બારડોલી તાલુકાના ઉવા તેમજ તાપી જિલ્લાના વાલોડ તાલુકાનાં બાજીપુરા, ખાંભલા અને સ્યાદલા ગામની હદ આડે છે. ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. મઢી અને બારડોલી ઉપરાંત મહુવા સુગર ફેક્ટરી નજીક પડતી હોય મોટા ભાગના ખેડૂતો શેરડીની ખેતીને પ્રાધાન્ય આપે છે. શેરડીના ટન દીઠ ભાવ સારા મળતા હોય ખેડૂતોની આર્થિક સ્થિતિ એકંદરે સારી છે. જો કે સિંચાઇના પાણીના અભાવે ખેડૂતો શાકભાજી કે ડાંગરના પાક લઈ શકતા નથી. ખેતી ઉપરાંત પુરક વ્યવસાય તરીકે પશુપાલનનો વ્યવસાય પણ અહી વિકસ્યો છે. ખાસ કરીને હળપતિ સમાજના લોકો પશુપાલનના વ્યવસાય તરફ વળ્યા છે. ગાય, ભેંસ ઉપરાંત બકરા પાલન કરી અનેક પરિવારો પોતાની રોજી રોટી મેળવતા આવ્યા છે. દૂધ મંડળીને કારણે પશુપાલકોને પણ પોષણક્ષમ ભાવો મળી રહ્યા છે. હળપતિ સમાજ ખાસ કરીને ખેત મજૂરી સાથે જોડાયેલો છે. તો કેટલાક લોકો નોકરી ધંધાર્થે સુરત, કડોદરા, પલસાણા તરફ મિલમાં જતાં હોય છે.

ગામમાં વિકાસના કામો
ગામના લગભગ તમામ ફળિયાના વિકાસના કામોમાં કોઈ કસર છોડવામાં આવી નથી. ગામના સરપંચ અને ઉપસરપંચ જીતેન્દ્રસિંહ વાંસિયા સહિત અન્ય સભ્યો સાથે મળીને ગામને વધુને વધુ સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. ગામમાં તમામ ફળિયાઓમાં ડામર અથવા તો સીસીરોડ કે પેવર બ્લોકના કામો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અલગ અલગ આવાસ યોજનાઓમાંથી પણ આવાસની સમયસર ફાળવણી કરી ગામના વિકાસને વધુ વેગવંત બનાવવામાં આવી રહ્યો છે. સરકારની ગ્રાન્ટમાંથી ગામમાં સીસીટીવી પ્રોજેકટ પણ કાર્યરત છે. જેના વડે ગામમાં થતી શંકાસ્પદ ગતિવિધિ પણ સતત નજર રાખી શકાય છે. 

  • ગામની વસ્તી વિષયક માહિતી (2011 મુજબ)
  • કુલ ઘરો – 516 
  • કુલ વસ્તી – 2159
  • પુરુષ – 1112
  • સ્ત્રી – 1047
  • અનુસુચિત જાતિ વસ્તી
  • પુરુષ – 80
  • સ્ત્રી – 76
  • કુલ – 156
  • અનુસુચિત જનજાતિ વસ્તી
  • પુરુષ – 659
  • સ્ત્રી – 621
  • કુલ – 1280
  • સાક્ષરતા દર
  • પુરુષ – 71.21%
  • સ્ત્રી – 63.83%
  • કુલ – 67.57% 

ગામનો સેક્સ રેશિયો રાજ્ય કરતાં વધુ
2011ની વસ્તી ગણતરી મુજબ 516 પરિવાર ધરાવતા માણેકપોર ગામની કુલ વસ્તી 2159 છે. જેમાં 0-6 વર્ષની વય ધરાવતા બાળકોની વસ્તી 207 છે જે ગામની કુલ વસ્તીના 9.59 ટકા છે. માણેકપોરનો સરેરાશ સેક્સ રેશિયો (પુરુષોની સરખામણીમાં સ્ત્રીની સંખ્યા) 942 છે. જે રાજ્યની 919ની સરખામણીએ વધારે છે. ગામમાં 1000 પુરુષોની સરખામણીએ મહિલાની સંખ્યા 58 ઓછી છે. વસ્તી ગણતરી મુજબ બાળલિંગ ગુણોત્તર 697 છે જે ગુજરાતના સરેરાશ 890ની સરખામણીએ ઓછો છે.

ગામનું મનકામેશ્વર મહાદેવ મંદિર આસ્થાનું પ્રતિક
ગામમાં આસ્થાના પ્રતિકસમા મંદિરો પણ આવેલા છે. જેમાં શિવજીનું મનકામેશ્વર મહાદેવ મંદિર અને રાધાકૃષ્ણ મંદિર પૌરાણિક મંદિર માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં મનકામેશ્વર મહાદેવ મંદિરમાં ગ્રામજનો દ્વારા દર સોમવારે ભજનનું આયોજન કરવામાં આવે છે. જ્યારે રાધાકૃષ્ણ મંદિરમાં છેલ્લા 75 વર્ષથી જન્માષ્ટમી નિમિત્તે 24 કલાકની અખંડ સપ્તાહ યોજાઇ છે જેમાં ગામના લોકો ખૂબ જ શ્રદ્ધા પૂર્વક ભાગ લેતા હોય છે.

આ ઉપરાંત ગામમાં બીએપીએસ સંસ્થા દ્વારા સ્વામિનારાયણના મંદિરની સ્થાપના કરવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાય સહિતના ગ્રામજનો આ મંદિરમાં દરરોજ પુજા અર્ચના કરતાં હોય છે. સાથે સાથે આ મંદિરના મધ્યમથી વ્યસનમુક્તિના કાર્યક્રમો પણ યોજાતા આવ્યા છે. અઠવાડીયામાં એક દિવસ સત્સંગ સભા પણ કરવામાં આવતી હોય છે. સાંકરી સ્વામિનારાયણ મંદિર હેઠળ આ મંદિરનું સંચાલન થાય છે.

ખેતીમાં સિંચાઇની અપૂરતી સગવડથી ખેડૂત પરેશાન 
માણેકપોર ગામ કાકરાપાર ડાબા કાંઠાની મુખ્ય નહેરની નજીકમાં આવેલું હોવા છતાં અહીં ખેતી માટે સિંચાઇની સુવિધા નહિવત છે. ખેડૂતો બોરવેલના માધ્યમથી જ ખેતીમાં સિંચાઇ કરતાં આવ્યા હોય આઠ કલાકની વીજળી પર જ આધાર રાખવો પડતો હોય છે. વીજ પુરવઠો નિયમિત મળતો ન હોવાથી ખેડૂતોને સિંચાઇમાં મોટી મુશ્કેલી વેઠવી પડે છે. ગામના 80 ટકા ખેડૂતો બોરવેલ પર નિર્ભર છે. જે માટે વીજળી પાયાની જરૂરિયાત છે, પરંતુ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મઢી સબ ડિવિઝનની લાલિયાવાડીને કારણે ગામને નિયમિત વીજ પુરવઠો મળી શકતો નથી.

આઠ કલાકમાં પણ અનેક વખત કાપ હોય ખેડૂતો તેના પાકને યોગ્ય રીતે પાણી આપી શકતો નથી. રાત્રિના સમયે દીપડાનો પણ ભય રહેલો હોય ખેડૂતો માટે રાત્રે ખેતરે જવું મુશ્કેલ થઈ પડે છે. ગામના ખેડૂતોનું કહેવું છે કે, માણેકપોરને અલાયદું ફિડર આપવામાં આવ્યું છે. પરંતુ તેની સાથે બીજા ત્રણથી ચાર ગામો જોડાયેલા છે, જેને કારણે લોડ વધવાથી ખેડૂતોને વીજળી મળવામાં મુશ્કેલી ઊભી રહી રહી છે. જો થોડા ગામોને સેજવાડ ફિડર સાથે જોડી દેવામાં આવે તો માણેકપોર સહિત આજુબાજુના અન્ય ગામોને પણ લાભ થઈ શકે એમ છે. અને ઉનાળામાં જે વીજળીની કટોકટી સર્જાય છે તેનાથી છુટકારો મળી શકે એમ છે. નહેર દ્વારા સિંચાઇની સગવડ ન હોવાથી ઉનાળામાં બોરવેલના તળ નીચા જતાં ખેડૂતોના ઉત્પાદન પર પણ તેની અસર વર્તાય છે.

ગામમાં 1000 લીમડાના વૃક્ષો ઉગાડ્યા
માણેકપોર ગામને હરિયાળું બનાવવા માટે ગામના આગેવાન પંકજભાઈ પટેલે એક બીડું ઝડપ્યું છે. કોરોના મહામારી દરમ્યાન ગામના લોકો આરોગ્ય ન જોખમાય અને ગામ હરિયાળું રહે તે માટે પંકજભાઈ પટેલે ગામમાં 1000 જેટલા લીમડાનું વાવેતર કર્યુક હે. ઘર દીઠ બે થી ત્રણ લીમડાના વૃક્ષ આંગણામાં ઉગેલા જોવા મળે છે. જેને કારણે ગ્રામજનોને શુદ્ધ હવા તો મળે જ છે સાથે સાથે ગામની શોભામાં પણ વધારો થઈ રહ્યો છે.

ગામમાં ચોરોનો ઉપદ્રવ, પેટ્રોલીંગ સઘન બનાવવા માગ
માણેકપોર ગામ સુરત અને તાપી જિલ્લાની સરહદ પર આવેલું હોય ખૂબ જ મહત્વનુ ગામ છે. નેશનલ હાઇવે નંબર 53 પર ગામના પાટિયા પાસે બારડોલી ગ્રામ્ય પોલીસની ચેકપોસ્ટ પણ બનાવવામાં આવી છે. ગામ અંતરિયાળ રસ્તા પર હોવાથી અહીં ચોરોની અવરજવર પણ વધુ રહે છે. ઘરફોડ ઉપરાંત ખેતીવાડી વિસ્તારમાંથી મોટર ચોરીની ઘટના બનતી હોય છે. ત્યારે ગામમાં પોલીસનું રાત્રિ પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે. ગામના મોટા ભાગના ખેતરો બોરવેલ પર નિર્ભર હોવાથી મોટરનો જ ઉપયોગ થતો હોય છે. જેથી ચોરોની નજર ખેડૂતોનો મોંઘીદાટ મોટરો પર રહેલી હોય છે. ભૂતકાળમાં અનેક વખત મોટર ચોરીના બનાવો બન્યા છે. જો કે તેમ છતાં પોલીસ આ બાબતે કોઈ ધ્યાન આપતી ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.

સરદાર પટેલે કરી હતી સભા
આઝાદીની લડતમાં બારડોલી તાલુકાનો મહત્વનો ફાળો રહ્યો છે. બારડોલી સત્યાગ્રહ વખતે ખેડૂતોને લડતમાં જોડવા અને જાગૃત કરવા માટે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલના વડપણ હેઠળ ગામેગામ સભા યોજાતી હતી. આવી જ એક સભા માણેકપોર ગામમાં પણ યોજાઇ હોવાનું વડીલો જણાવે છે. આ સભામાં સરદાર વલ્લભભાઈ પટેલ પણ  ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેડૂતોને અંગ્રેજો સામે કઈ રીતે લડત આપવી તે અંગે માર્ગદર્શન આપી સત્યાગ્રહમાં જોડાવવા અપીલ કરી હતી.

માણેકપોર ગામ ખરા અર્થમાં માણેક જેવુ છે. અહીંથી પાઇલોટ થી લઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ આ ગામે આપ્યા છે. શરૂઆતથી જ અહીંના લોકોનું સ્વપ્ન ઊંચું રહ્યું છે અને એ જ કારણે માણેકપોરનું યુવાધન આજે પ્રગતિના પંથે જોવા મળી રહ્યું છે. હાલમાં ગામના 20થી વધુ યુવક યુવતીઑ અભ્યાસ અર્થે વિદેશમાં ગયા છે. કેનેડા, ઓસ્ટ્રેલીયા, યુ.કે. સહિતના દેશોમાં ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ગામનું નામ રોશન કરી રહ્યા છે.

આર્થિક સહાયમાં સતત અગ્રેસર એનઆરઆઇ
ગામના એનઆરઆઇ યુવક ધર્મેશભાઈ જગુભાઈ પટેલ હાલ અમેરિકામાં લેઉવા પાટીદાર સમાજના અગ્રણી છે. તેઓ ગામની દરેક ભૌતિક સુવિધા અને વિકાસ માટે હમેશા ચિંતિત રહી ગામના અન્ય એનઆરઆઇઓને પણ મદદ માટે સતત પ્રેરણા આપતા રહે છે. આ ઉપરાંત જેકાભાઈ પટેલના હુલામણા નામથી જાણીતા એનઆરઆઇ પણ ગામના વિકાસમાં હમેશા અગ્રેસર રહે છે. તેઓ અનેક આર્થિક રીતે નબળા પરિયારો માટે સતત પ્રયત્નશીલ રહે છે. ખાસ કરીને આર્થિક રીતે નબળા વિદ્યાર્થોને માટે આર્થિક સહાયતા આપવામાં તત્પર હોય છે. આ ઉપરાંત ગામના અન્ય એનઆરઆઇઓના સહયોગથી ગામમાં પેવરબ્લોક, પ્રાથમિક શાળાનું રિનોવેશન સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

માનવ સેવા ગ્રૂપ દ્વારા જરૂરિયાતમંદોને આર્થિક મદદ
ગામની સતત સેવા થઈ શકે અને વતનનું ઋણ અદા કરવાના ઉદ્દેશ્ય સાથે વિદેશમાં રહેતા એનઆરઆઇઑ એક માનવ સેવા ગ્રૂપ બનાવ્યુ છે. આ ગૃપમાં કોઈ પ્રમુખ કે ઉપપ્રમુખ નથી, પરંતુ યોગ્ય જરૂરિયાત ધરાવતા હોય તેવા પરિવારજનોને કોઈ આર્થિક મુશ્કેલી હોય તો એમાંથી આર્થિક મદદ કરવામાં આવતી હોય છે. ગામના રાજપૂત સમાજ અને અન્ય યુવકો પણ ગામના વિકાસ માટે હમેશા અગ્રેસર રહે છે. તેઓ વર્ષમાં એક વખત મોહનથાળ બનાવે છે. રાંધણછઠ નિમિત્તે આ મોહનથાળ બનાવી તેનું વ્યાજબી ભાવે વેચાણ કરે છે ને તેમાંથી જે આર્થિક ઉપાર્જન  થાય તે સમાજના કામમાં તેમજ રમત ગમત સહિત રચનાત્મક કામમાં ઉપયોગમાં લેવાય છે. આથી યુવાઓમાં સંગઠન શક્તિ પણ મજબૂત બને છે.

ગ્રામ પંચાયતમાં છેલ્લી બે ટર્મથી ચૂંટણી નહીં
ગામના દરેક જ્ઞાતિ અને સમાજના લોકોના સહયોગથી ગામમાં એકતા જળવાઈ રહી છે. છેલ્લા બે ટર્મથી ગ્રામ પંચાયતમાં કોઈ ચૂંટણી થઈ નથી એ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ગામમાં સમરસતા અને એકરાગીતા જળવાઈ રહે તે માટે ગામના આગેવાનો સતત પ્રયત્નશીલ રહે છે. અને તેના પરિણામે જ બે ટર્મથી ગ્રામ પંચાયતમાં ઇલેક્શન નહીં પરંતુ સિલેક્શનથી જ ગ્રામ પંચાયત સમિતિની રચના કરવામાં આવી રહી છે.

  • ગ્રામ પંચાયત સમિતિ
  • મંગાભાઈ સોમાભાઈ રાઠોડ – સરપંચ
  • જીતેન્દ્રસિંહ પ્રભાતસિંહ વાંસીયા – ઉપસરપંચ
  • ભાવનાબેન કલ્પેશભાઈ પટેલ – સભ્ય
  • દર્શનકુમાર શાંતિલાલ પરમાર – સભ્ય
  • વિજયભાઈ ભૂલાભાઈ હળપતિ – સભ્ય
  • વિનોદભાઈ ભિખાભાઈ હળપતિ – સભ્ય
  • સિતાબેન સતિષભાઇ હળપતિ – સભ્ય
  • રમિલાબેન રોહિતભાઈ હળપતિ – સભ્ય
  • આશાબેન ગોવિંદભાઈ હળપતિ – સભ્ય
  • ઉપેન્દ્ર આર. ચૌધરી – તલાટી કમ મંત્રી

12 વર્ષથી ગ્રામજનોએ એસ.ટી. બસ નથી જોઈ
2006માં મઢી એસ.ટી. ડેપો બંધ થયા બાદ માણેકપોર ગામમાંથી પસાર થતી બસો બંધ થઈ ગઈ છે. જેને કારણે બહુધા આદિવાસી વસ્તી ધરાવતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે તાલુકા મથક બારડોલી કે વેપારી મથક મઢી જવા માટે ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. જો કે ગામ અંદર હોય ખાનગી વાહનો મળવા પણ મુશ્કેલ છે. આથી ગ્રામજનોએ દોઢ કિમી જેટલું ચાલીને હાઇવે સુધી આવવું પડે છે અને ત્યાંથી બસ પકડવી પડે છે. પરંતુ અહી પણ બસ ઊભી રહે તેની કોઈ ગેરેન્ટી નહીં. એક સમય હતો જ્યારે ગામમાંથી 6 જેટલી બસો જતી હતી. સવાર-સાંજ-બપોર એમ ત્રણ સમયે બસ જતી હોય લોકોને સારી એવી સગવડ મળી રહેતી હતી. આજે છેલ્લા દસ બાર વરસથી ગામના લોકોએ બસ જ નથી જોઈ. ખાસ કરીને વિદ્યાર્થી અને નોકરિયાત વર્ગને બસ ન હોવાથી ખાસ્સી તકલીફનો સામનો કરવો પડે છે. પરંતુ બસ કનેક્ટિવિટી ન હોવાથી ગામના લોકોને પારવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે. 

  • – ફળિયા ના નામ
  • 1. પટેલ ફળિયું
  • 2. શાંતિ નગર
  • 3. મણી નગર
  • 4. માણેક નગર (માહ્યવંશી ફળિયું)
  • 5. તીધર ફળિયું હળપતિ વાસ
  • 6. ટેકરા ફળિયું હળપતિ વાસ
  • 7. વચલુ ફળિયું હળપતિ વાસ
  • 8. નિશાળ ફળિયું હળપતિ વાસ
  • 9. તળાવ ફળિયું હળપતિ વાસ
  • માળખાકીય સવલતો
  • પ્રાથમિક શાળા – 1
  • આંગણવાડી – 1
  • પેટા આરોગ્ય કેન્દ્ર – 1
  • પાણીની ટાંકી – 1
  • સસ્તા અનાજની દુકાન – 1
  • તળાવ – 1 (બાવન વીંઘા)

નર્મદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર માણેકપોરના વતની
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. કિશોરસિંહ એન. ચાવડા મૂળ માણેકપોર ગામના વતની છે.  એક નાનકડા ગામ અને ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી યુનિવર્સિટીના ચાન્સેલર બન્યા એ ગામ માટે ખૂબ જ ગૌરવની બાબત છે. માણેકપોર ગામના લોકો તેમની આ સિદ્ધિ પર ગૌરવ અનુભવે છે. ડૉ. ચાવડાના પિતા પોલીસ ખાતામાં નોકરી કરતાં હતા. જ્યારે મોટાભાઈ દિપકસિંહ ચાવડાએ ખેતી અને ઘરની જવાબદારી પોતાના શિરે લઈ લીધી હતી. દિપકસિંહ તેમના નાનાભાઈ કિશોરસિંહની ભણવાની લગન જોઈને સતત પ્રોત્સાહન આપતા. તેમને અંદાજો હતો કે નાનો ભાઇ કઈક કરશે અને માતા પિતા તેમજ ગામનું નામ રોશન કરશે.

અંત્યંત ગરીબાઈ છતાં તેઓ કિશોરસિંહને ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરણા આપતા રહ્યા હતા અને નાનકડા ગામના કિશોરસિંહ આજે અથાગ પરિશ્રમને અંતે નર્મદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. કિશોરસિંહ  ચાવડા તરીકે ગામનું નામ રોશન કરી રહ્યા છે. તેમણે 2005થી સુરતના અમરોલીની જે.ઝેડ. શાહ આર્ટ્સ અને એચ.પી.દેસાઇ કોમર્સ કોલેજના આચાર્યપદ સંભાળ્યું હતું. હાલ તેઓ વાઇસ ચાન્સેલર તરીકે ફરજ બજાવી રહ્યા છે. પિતા નટવરસિંહ અને મોટા ભાઈ દિપકસિંહ હાલ હયાત નથી પરંતુ તેઓ તેમની સફળતાનો શ્રેય માતાપિતા અને મોટાભાઇને આપી રહ્યા છે. એક નાનકડા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીને વ્યક્તિ વાઇસ ચાન્સેલર બની શકે છે તેનું કિશોરસિંહ શ્રેષ્ઠ ઉદાહરણ છે.

માણેકપોરનો આખો પરિવાર જ પાયલોટ
એક સામાન્ય ખેત મજૂરના પુત્ર એવા અમૃતલાલ માણેક કિશોરવયે ખેતરમાં કામ કરતા હતા તે સમયે આકાશમાં ઉડતા વિમાનને જોઈ તે ઉડાડવાની કલ્પના કરી, પરંતુ ઘરની દારુણ પરિસ્થિતી, દૂર દૂર સુધી સગા કે સમાજમાં પણ કોઈ વિમાની ક્ષેત્ર સાથે કોઈ લેવા દેવાનો સંબંધ નહીં, માર્ગદર્શનનો અભાવ છતાં તેમણે પોતાની પાયલોટ બનવાની ઝંખના પ્રજ્વલિત રાખી. ગામની જ પ્રાથમિક શાળમાં અભ્યાસ બાદ તેઓ મુંબઈની મલાડની સેંટ જોસેફ હાઈસ્કૂલમાં અંગ્રેજી માધ્યમની શાળાના વિદ્યાર્થી બની ગયા. અંગ્રેજી બરાબર આવડતું ન હોવા છતાં ખંતપૂર્વક શાળાનો અભ્યાસ પૂર્ણ કરી અંધેરીની ચિનાઈ કોલેજમાંથી બી.કોમ થયા. દરમ્યાન 1979માં એક દિવસ તેઓ પાયલોટ બનવાનું પોતાનું સ્વપ્ન સાકર કરવા બોમ્બે ફ્લાઇંગ ક્લબમાં ઇન્ટરવ્યુ આપવા ગયા પરંતુ તેમને દરવાજો દેખાડી દેવામાં આવ્યો.  પરંતુ માનવીના ઈરાદા મજબૂત હોય તો રસ્તો આપોઆપ મળી જતો હોય છે.

બન્યું એવું કે મહારાષ્ટ્ર સ્ટેટ નેશનલ કેડેટ ફોર્સના બેસ્ટ કેડેટના એવોર્ડથી સન્માનીત અમૃતલાલનો એક સ્થાનિક અખબારે ઇન્ટરવ્યુ પ્રસિદ્ધ કર્યો. જેમાં અમૃતલાલે વિમાન ઉડાડવાનું મહત્વાકાંક્ષા વ્યક્ત કરેલી. આ ઇન્ટરવ્યુ એક મીઠાઇવાળાએ વાંચ્યો અને તેમને અમૃતલાલને સ્પોન્સર કર્યા. 1985માં પ્રાઈવેટ પાયલટ તરીકેનું લાઇસન્સ મળ્યું અને ત્યારબાદ કોમર્શિયલ લાઇસન્સ માટે અનેક કઠિનતા વેઠયા બાદ તેઓ અમેરિકા જઈને પ્રશિક્ષણ પૂરું કર્યું. આજે તેમના ઘરના તમામ સભ્યો પાયલોટ છે. તેમનો પુત્ર અંકુર પાયલટ ઇન્સ્ટ્રક્ટર છે. તેમજ વિદેશમાં અતિ લોકપ્રિય એવી સ્કાય ડાયવિંગમાં હથોટી ધરાવે છે. આ ઉપરાંત બીજો પુત્ર નીરવ 19 વર્ષની નાની વયે પાયલટ ઇન્સ્ટ્રક્ટર બનવાની સિદ્ધિ ધરાવે છે. તેમની પત્ની પણ વિમાન ઉડાડી શકે છે.

જીતેન્દ્રસિંહ વાંસીયા સહકારી અને રાજકીય આગેવાન
ગામના ઉપસરપંચ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવેલા જીતેન્દ્રસિંહ વાંસિયા તાલુકા સહિત જિલ્લાના રાજકારણ તેમજ સહકારી ક્ષેત્રમાં સારી પકડ ધરાવે છે. તેઓ બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ તરીકે પણ સેવા બજાવી ચૂક્યા છે. આ  ઉપરાંત હાલ તેમને બારડોલી વિધાનસભાના પ્રભારી તરીકે પણ નિમણૂક કરવામાં આવી છે. એટલું જ નહિ તેઓ મઢી નાગરિક સહકારી બેન્ક, ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપ.બેન્ક, તેમજ મહુવા સુગર ફેક્ટરીમાં ડિરેક્ટર પદે કાર્યરત છે.

Most Popular

To Top