SURAT

ઉકાઈ ડેમમાં એલર્ટ લેવલે પાણી ભરાઈ ગયું, સપાટી 337ની નજીક પહોંચી

સુરતઃ ઉકાઈ ડેમના ઉપરવાસમાં ચાલુ વર્ષે સિઝનના પહેલા સ્પેલમાં જ વરસાદે ધમધમાટી બોલાવતા ડેમમાં પાણીની આવકમાં સડસડાટ વધારો થયો હતો. હાલ ડેમની સપાટી રૂલ લેવલથી વધારે લઈ જવાતા ડેમ એલર્ટ લેવલે પહોંચી ગયો છે.તાપી નદી ચાલું વર્ષે લોકોને સતત બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. જેનું કારણ ઉકાઈ ડેમમાંથી સતત છોડવામાં આવી રહેલું પાણી છે. ઉકાઈ ડેમનો મોટા ભાગનો હિસ્સો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આવેલો છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આવેલા ઉકાઈ ડેમના કેચમેન્ટમાં ચાલું વર્ષે ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક સતત ચાલું રહી હતી.

6 હજાર એમસીએમ જેટલું પાણી સિઝનમાં ડેમમાંથી છોડવામાં આવ્યું
ડેમમાં પાણીનો મોટો જથ્થો આવતા 6 હજાર એમસીએમ જેટલું પાણી સિઝનમાં ડેમમાંથી છોડવામાં આવ્યું છે. હવે ડેમમાં ધીમી ધારે પાણીની આવક થઈ રહી છે. અત્યારે ડેમનું રૂલ લેવલ 335 ફુટ છે. જે આગામી 15 સપ્ટેમ્બર સુધી રહેશે. 16 સપ્ટેમ્બરથી રૂલ લેવલ 340 ફુટ રહેશે. હાલ ડેમની સપાટી 337 ફુટ નજીક પહોંચી છે. એટલે ડેમ 80 ટકા ભરાતા હાલ એલર્ટ લેવલે પહોંચ્યો છે.
ડેમ ભરવાનો હઠાગ્રહ સપ્ટેમ્બરમાં ભારે નહી પડે તો સારું
ઉકાઈ ડેમનું રૂલ લેવલ 335 ફુટ હોવા છતાં હાલ ડેમને ધીમે ધીમે રૂલ લેવલથી ઉપર લઈ જવામાં આવી રહ્યો છે. 15 સપ્ટેમ્બર બાદ ડેમનું રૂલ લેવલ 340 ફુટે પહોંચશે. ઉપરવાસમાં જો 15 સપ્ટેમ્બર પહેલા ફરી ભારે વરસાદ પડે અને ડેમમાં પાણીનો મોટો જથ્થો આવે તો લોકો માટે મોટી આફત ઉભી થઈ શકે છે.

ઉકાઈ ડેમની સપાટીના સ્ટેજ
સ્ટેજ લેવલ (ફુટ) સ્ટોરેજ(એમસીએમ)

વોર્નિંગ 331.43 5190
એલર્ટ 336.34 5931
હાઈએલર્ટ 340.84 6773
ડેન્જર 345 7414

Most Popular

To Top