Charotar

આણંદ પાસે ટ્રક પાછળ કાર અથડાતાં ચાલકનું મોત

વડોદરાના વેપારીને આંકલાવડી પાસે એક્સપ્રેસ વે પર અકસ્માત સર્જાયો
માતા – પિતા અમેરિકા જતાં હોવાથી પરિવાર સાથે અમદાવાદ ગયા હતાં
(પ્રતિનિધિ) આણંદ તા.22
આણંદ પાસેથી પસાર થતાં એક્સપ્રેસ વે પર આંકલાવાડી સીમમાં પુરપાટ ઝડપે જતી કાર આગળ જતી ટ્રકમાં ધડાકાભેર અથડાઇ હતી. જેમાં કારના ચાલકનું મોત નિપજ્યું હતું.
વડોદરાના સમીર દીલીપભાઈ વાલોડકર ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે. તેમની ગાડી નં.જીજે 6 એઝેડ 9394 પર ડ્રાઇવર તરીકે મહમદઐયુબ ઉસ્માનિયા શેખ (રહે. નવાપુરા, મરાઠી મહોલ્લા, જિ. વડોદરા) નોકરી કરતાં હતાં. દરમિયાનમાં 21મી માર્ચના સમીરના માતા – પિતાને અમેરિકા જવાનું હોવાથી તેઓ પરિવાર સાથે અમદાવાદ એરપોર્ટ ખાતે ગયાં હતાં. સમીરભાઈ તેમના માતા – પિતાને અમેરિકાની ફ્લાઇટમાં બેસાડી પરત વડોદરા આવવા નિકળ્યાં હતાં.તેઓ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઇ રહ્યાં હતાં, તે સમયે રાત્રે આંકલાવાડી ગામની સીમ મહી નદી બ્રિજ પહેલા બ્રિજનું કામ ચાલુ હોય તે જગ્યા નજીક ગાડીના ચાલકે વાહન પુરઝડપે ગફલતભરી રીતે હંકારી આગળ જતા ટ્રક જેવા વાહનની પાછળ અચાનક અથડાઇ હતી. જેથી ગાડીના ચાલક મહમદઐયુબ ઉસ્માનમિયા શેખને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે ગાડીમાં સવાર સમીરના પત્ની હેમલતાબહેન, બનેવી સંજય મધુકર નીમકર, બહેન નીલાબહેન તથા અન્ય સભ્યોને ઇજા પહોંચી હતી. આ અકસ્માતમાં આસપાસના વ્યક્તિ ભેગા થઇ ગયાં હતાં. જોકે, આગળની ટ્રક જેવુ વાહન નિકળી ગયું હતું. આ અકસ્માત અંગે હાઈવે ઓથોરીટીને જાણ કરતાં એમ્બ્યુલન્સ ગાડી આવી ગઇ હતી અને ગાડીના ડ્રાઇવર મહમદઐયુબ શેખને ગંભીર ઇજા પહોંચી હોવાથી સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે ગાડીમાં સવાર ઘવાયેલા ચારેય વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. આ અંગે સમીરભાઈ વાલોડકરની ફરિયાદ આધારે વાસદ પોલીસે મહમદઐયુબ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top