Vadodara

એલઆરડીની પરીક્ષાના પેપર હિલ મેમોરિયલ ખાતે સ્ટ્રોંગ રૂમમાં મુકાયા હોય ત્યાં લોખંડી બંદોબસ્ત ગોઠવાયો



કોઈ ગેરરીતે ન સર્જાય તેના માટે પોલીસ તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ કરી લેવાઈ

વડોદરા શહેરના 117 પરીક્ષા કેન્દ્ર પર 35 હજાર યુવાનો રવિવારે લોકરક્ષક કેડરની પરીક્ષા આપશે

પરીક્ષા કેન્દ્ર પર કોઈ વ્યક્તિઓ ગેરકાયદે પ્રવેશ ન કરે તેના માટે કેટલાક નિયંત્રણો લગાવાયા

વડોદરા: વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં લોકરક્ષક કેડર ની પરીક્ષા આવતીકાલે 15 જૂનના રોજ યોજાનારી છે. ત્યારે તેને લઈને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસને લેખિત પરીક્ષાના પેપર હિલ ફિલ્ડ મેમોરિયલ સ્કૂલ ખાતે રાખવામાં આવ્યા હોય પોલીસ કમિશનર દ્વારા કોઈ ગેરરીતિ ના થાય તેના માટે સ્ટ્રોંગ રૂમ ખાતે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા 15 જૂનના રોજ વડોદરા શહેરના 117 પરીક્ષા કેન્દ્ર ઉપર લેવામાં આવનારી છે. આ પરીક્ષા દરમિયાન 35 હજાર જેટલા આ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે. દરમિયાન કોઇ ગેરરીતિઓ ન થાય, પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા જાહેર શાંતિ અને સલામતી જળવાય રહે તે માટે તેમજ મુકત, ન્યાયી અને સરળ સંચાલન માટે અને પરીક્ષામાં ગેરરીતિઓ અટકાવવા વડોદરા શહેર પોલીસ કમિશનર જાહેરનામું પ્રસિદ્ધ કરી કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે.
વડોદરા શહેરના 117 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા યોજાનાર છે. જેથી આ પરીક્ષા કેન્દ્રના પરીક્ષા ખંડની અંદર 15 જૂને 7 થી 3 કલાક સુધી પરીક્ષા કેન્દ્રની અંદર કોઈ પણ વ્યક્તિએ સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકી ટોકી, કોર્ડલેસ ફોન, મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુટુથ, કેમેરા, વાયરલેસ સાહિત્ય વગેરે લઇ જવા ઉપર કે ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઇ જવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ પરીક્ષા કેન્દ્રની બહાર આજુબાજુમાં 100 મીટરના અંતરમાં પરીક્ષા દરમિયાન ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવું નહીં. આ સાથે પરીક્ષા કેન્દ્રની આસપાસ 100 મીટરના અંતરમાં ઝેરોક્ષ, ફોટોકોપી, પ્રિન્ટીંગની દુકાનો ચાલુ રાખી શકશે નહીં. લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. પરીક્ષાના દિવસે વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે ઉક્ત સમય દરમિયાન ખોદકામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તદુપરાંત પરીક્ષા સ્થળો પર પરીક્ષા સમય દરમિયાન બિનઅધિકૃત વ્યક્તિઓ પ્રવેશ કરી શકશે નહીં. ત્યારે પોલીસ તંત્ર દ્વારા એલઆરડીની પરીક્ષાને લઈને તળાવમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે ઉપરાંત હિલ મેમોરિયલ સ્કૂલ ખાતે લેખિત પરીક્ષાના પત્રો મૂકવામાં આવ્યા હોય તેને લઈને કોઈ ગેરરીતિ ન સર્જાય તેના માટે પોલીસ કમિશનર દ્વારા લોખંડી પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે.

Most Popular

To Top