Dakshin Gujarat

વલસાડના યુવકોએ રાત- દિવસ એક કરી માત્ર 6 જ દિવસમાં પૂરગ્રસ્ત દિવ્યાંગ વૃદ્ધને નવું ઘર બાંધી આપ્યું

વલસાડ : હાલમાં જ આવેલા ઘોડાપુરને (Flood) લઈ વલસાડના (Valsad) અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ હતી. અનેક લોકો પ્રભાવિત થયા હતા. જેમાં અનેક પરિવારોએ તો પોતાના ઘર વપરાશનો સામાન પણ ગુમાવી દીધો હતો. તો કેટલાક લોકોના નાના કાચા ઘરો જમીનદોસ્ત થઇ ગયા હતા.

  • વલસાડમાં પૂરગ્રસ્ત લોકોની મદદ આવ્યા સેવા મિત્ર મંડળ અને અનેક દાતાઓ
  • વલસાડના મિત્રોએ ફક્ત ૬ દિવસમાં જ રાત- દિવસ એક કરી ઘર બનાવ્યું

એક બનાવ વલસાડ હનુમાન ભાગડાના રહેવાસી બાબુભાઇ સોમાભાઈ રાઠોડ જે દિવ્યાંગ છે અને એકલા રહે છે. એમનું કોઈ આગળ પાછળ નથી. એમનું નાનકડું કાચું ઘર પણ આ ઘોડાપુરમાં તબાહ થઇ ગયું હતું. ઘરમાં કાદવ-કીચડના થર અને આંખે અંધ એવા બાબુભાઇ માટે હાલત કફોડી બની હતી. બાબુભાઈના ઘરની બાજુમાં રહેતા પડોશી દીપક ટંડેલે એમની દેખરેખ રાખી ચા-પાણી અને જમવાનું પણ પૂરું પાડી પડોશી ધર્મ અપનાવ્યો હતો. ઘરની નાજુક સ્તિથિ માટે એ પણ લાચાર હતા. આ બાબતે સેવા મિત્ર મંડળને જાણ થતા ભગીરથ કામનું બીડું મિત્રોએ ઉપાડી લીધું અને પછી ચાલુ થયું કાઉન્ટ ડાઉન.

સેવા મિત્ર મંડળે દાતાઓનો સંપર્ક કર્યો અને દાતાઓએ પણ એમને નિરાશ ન કર્યા. આ તબક્કે વલસાડ સિટી પોલીસ મથકના પીઆઈ ડી.એમ.ઢોલ પણ સેવાના આ કાર્યમાં ભાગીદાર બન્યા હતા. ઘટતી મદદમાં તેમણે પોતાનો ફાળો આપ્યો હતો. સેવા મિત્ર મંડળને અનેક દાતાઓ દ્વારા જરૂરિયાત મુજબ અનેક સાધન સામગ્રી પહોંચાડવામાં આવી હતી. જે દાતાઓ પોતાના ભગીરથ કાર્યને ગુપ્તદાન તરીકે જ રાખવા માંગે છે. દાનનો પ્રવાહ વધતો ગયો ને આ સેવારૂપી કાર્ય ફક્ત ૬ દિવસમાં જ રાત- દિવસ એક કરી સેવા મિત્ર મંડળના યુવા કાર્યકરોએ બાબુકાકા માટે પાકું ઘર બનાવી દીધું.

રવિવારે સવારે વલસાડના ડીવાયએસપી પટેલ પણ આ ભગીરથ કાર્યને બિરદાવવા નવા ઘરનું રિબીન કાપી, નારિયેળ વધેરી બાબુકાકાને તેમના મૂળ ઘરમાં પ્રવેશ કરાવી શુભકામનાઓ પાઠવી હતી. સેવા મિત્ર મંડળે આ તબક્કે તો પોસ્ટમેનની ફરજ બજાવી હતી. જેમાં દાતાઓના દાનને પોતાનો સમય આપી અને જગ્યા પર ઉભા રહી કામને નિર્વિઘ્ને પાર પાડ્યું હતું. અંતે સેવા પરમો ધર્મ: સૂત્રને આ યુવા ગ્રુપે ચરિત્રાર્થ કર્યું છે.

Most Popular

To Top