Gujarat

IND vs PAK મેચ માટે અમદાવાદ પહોંચી પાકિસ્તાનની ટીમ, કડક સુરક્ષા નિયમોનું પાલન કરવામાં આવશે- દાદા

નવી દિલ્હી: વર્લ્ડ કપ 2023 (World Cup 2023) આ વખતે ભારતની (India) યજમાનીમાં રમાઇ રહ્યું છે. તેમાં ભારત-પાકિસ્તાનના (India-Pakistan) મેચ પર તમામ ભારતીયોની નજર ટકેલી હોય છે. 14 ઓકટોબરે અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ મેચ રમાવાની છે. જેનો ઉત્સાહ માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ સમગ્ર ભારતમાં જોવા મળી રહ્યો છે. ક્રિકેટપ્રેમીઓ સહિત આખી દુનિયા આ મેચની રાહ જોઇ રહી છે. જો કે પાકિસ્તાનની ટીમના ભારત આવવા પર ઘણા વિવાદો થયા છે. તેમ છતાં આજે બુધવારે પાકિસ્તાનની ટીમ અમદાવાદ પહોંચી ગઇ છે. તેમાં નોંધનીય છે કે પાકિસ્તાનની ટીમ 11 વર્ષ બાદ ગુજરાત આવી છે. જે માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કડક સુરક્ષા નિયમોનું પાલન કરવાની સૂચના આપી છે.

લાંબા સમય બાદ બંને દેશો વચ્ચેની શાનદાર મેચ ભારતમાં યોજાઈ રહી છે. આવી સ્થિતિમાં, BCCIથી લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કાળજી લેવા માંગતા નથી. દેશની સુરક્ષા એજન્સીઓ પણ આ મેચની સુરક્ષા વ્યવસ્થા પર ચાંપતી નજર રાખી રહી છે. તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સુરક્ષા સંબંધિત તૈયારીઓ અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.

આગામી 14મી ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી ભારત પાકિસ્તાનની વર્લ્ડ કપ મેચને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. બુધવારે બપોરે 3.30 કલાકે પાકિસ્તાનની ટીમ અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી. જે બાદ આશરે 4:30 કલાકે ટીમ સીધી આશ્રમ રોડ પર આવેલી હોટલ હયાત રેજન્સી ખાતે પહોંચી છે. તેમજ હોટલ અને આસપાસના વિસ્તારોમાં સખત પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ માટે ITC નર્મદા હોટલમાં રોકણની વ્યવસ્થા કરવામાં આવી છે.

14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર ભારત-પાકિસ્તાન મેચ પહેલા સમગ્ર અમદાવાદને છાવણીમાં ફેરવી દેવામાં આવશે. સ્ટેડિયમમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા હશે એટલું જ નહીં, સાવચેતીના ભાગરૂપે સ્ટેડિયમની બહાર અમદાવાદના દરેક સંવેદનશીલ વિસ્તારમાં સૈનિકો પણ તૈનાત કરવામાં આવશે. આ મેચ માટે માત્ર ગુજરાત પોલીસ જ નહીં પરંતુ બોમ્બ ડિસ્પોઝલ અને એન્ટી ડ્રોન યુનિટ તેમજ નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) અને રેપિડ એક્શન ફોર્સ (RAF) તૈનાત કરવામાં આવશે. આ તમામ સુરક્ષા એજન્સીઓનો 11 હજારથી વધુ સ્ટાફ અમદાવાદમાં ફરજ બજાવશે.

Most Popular

To Top