SURAT

આજે વિશ્વ કિડની દિવસ: સુરત માટે શરમજનક વાત, સિવિલ સ્મીમેરમાં કિડની સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જ નથી!

સુરત: (Surat) આજે વિશ્વ કિડની દિવસની (World Kidney Day) સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવશે. દશ્રિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સુરતની નવી સિવિલ હોસ્પિટલ (Civil Hospital) અને સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં (Smimer Hospital) એકપણ કિડનીના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નહીં હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને બહાર પ્રાઇવેટ હોસ્પિટલમાં કિડનીની સારવાર માટે લાખો રૂપિયાનો ખર્ચો કરવો પડે છે.

પ્રાપ્ત વિગત મુજબ સુરતમાં કિડનીના દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે એ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પાંચ વર્ષ પહેલાં કિડની હોસ્પિટલ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, સત્તાધીશોએ માત્ર હોસ્પિટલનું ખોખું તૈયાર કરીને મૂકી દીધું છે. પરંતુ તેને શરૂ કરવા માટે મુહૂર્ત જોવાઇ રહ્યું છે. કોરોના કાળ દરમિયાન જ્યારે કેસોની સંખ્યા વધી હતી. ત્યારે કિડની હોસ્પિટલને માત્ર પાંચ મહિનામાં જ તૈયાર કરી દેવાઇ હતી. પરંતુ હજુ સુધી અહીં કોઇ પ્રકારની સારવાર શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ જે સિવિલ હોસ્પિટલ છે. તેમાં કિડનીની સારવાર માટેની કોઇ સ્પેશિયલ ઓપીડી જ નથી. આ ઉપરાંત સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો પણ નથી. આવી જ પરિસ્થિતિ મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પણ જોવા મળી હતી. સ્મીમેર હોસ્પિટલમાં પણ કિડનીની સારવાર માટે એકપણ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નથી.

કિડની હોસ્પિટલના વારંવાર પ્લાન બને છે, પરંતુ અમલ થતો નથી

નવી તૈયાર થઇ ગયેલી કિડની હોસ્પિટલને શરૂ કરવા માટે વારંવાર પ્લાન બદલવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી છે. હોસ્પિટલની અંદર વેઇટિંગ રૂમ, ડોક્ટર રૂમ, ઓપરેશન રૂમ, અલગ અલગ ઓપીડી, બ્લડ સેમ્પલ લેવા માટેની લેબ, તેમજ અન્ય રિપોર્ટ કઢાવવા માટેનાં જે મશીન મૂકવામાં આવશે તેને લઇને અસમંજસ થઇ રહી છે. હોસ્પિટલની અંદર ઇન્ટિરિયર કામ કરવા માટે પણ અલગ અલગ પ્લાનો બની રહ્યા છે. જો આવી જ રીતે રહ્યું તો આગામી દિવસોમાં નવી હોસ્પિટલ પણ જર્જરિત બની જશે તેવી પણ ચર્ચા ઊઠી હતી.

એક ડોક્ટરે થોડા દિવસો પહેલાં જ સિવિલ હોસ્પિટલ છોડી દીધી
સુરત : પ્રાપ્ત વિગતો મુજબ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક ડોક્ટર પોતાના સમય પ્રમાણે સેવા આપવા માટે આવતા હતા. પરંતુ આ ડોક્ટરે પણ થોડા જ દિવસ પહેલાં જ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવાનું બંધ કરી દીધું હતું. જેને લઇ હવે એકપણ કિડની સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો નથી.

સિવિલ હોસ્પિટલમાં 10, જ્યારે સ્મીમેરમાં માત્ર પાંચ જ ડાયાલિસીસ મશીન
કિડનીની બિમારીમાં ડાયાલિસીસની સારવાર સૌથી મહત્ત્વની છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 10 જેટલા ડાયાલિસીસ મશીન છે. હોસ્પિટલમાં દરરોજ 20થી 25 જેટલા દર્દી આવે છે અને દર મહિને આશરે 500 જેટલા દર્દી ડાયાલિસીસની સારવાર લે છે. જ્યારે મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ડાયાલિસીસ માટે પાંચ જેટલાં મશીનો રાખ્યાં છે. અને દર મહિને 250 જેટલાં ડાયાલિસીસના દર્દીઓ આવે છે. ડોક્ટરોના કહેવા પ્રમાણે જે લોકોને પ્રેશર અને ડાયાબિટીસની બીમારી હોય તેમને વધારે કિડનીની તકલીફ પડે છે.

સુરતમાં 1000થી વધુ લોકોને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર

સુરત : આજે વિશ્વ કિડની દિવસ છે. સુરતમાં હજારોની સંખ્યામાં દર્દીઓ કિડનીની બીમારીથી પીડાય છે. અને ડાયાલિસીસની સારવાર લઇને જીવી રહ્યા છે. અત્યાર સુધીમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 380થી વધુ કિડનીઓ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હોવાની વિગતો મળી છે.
લોકોને દિવસે દિવસે કિડનીની સમસ્યા વધતી જાય છે. જન્મજાત બીમારી હોય કે પછી અન્ય બીમારીને હોવાથી લોકો મેડિસીન (દવાઓ) વધારે લે છે. વધારે દવા લેવાથી તેની સીધી અસર કિડની ઉપર પડે છે. આ કારણે કિડની ફેઇલ થઇ જવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં 380થી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ થઇ છે અને વધુ 1 હજાર લોકોને કિડનીની જરૂર હોવાનું કહેવાય છે. ત્યારે સમગ્ર ભારતમાં આશરે 2 લાખ લોકોને કિડનીની જરૂર છે અને તેમાં દર વર્ષે 20 હજાર દર્દીનો વધારો થઇ રહ્યો છે. આ તમામ દર્દીઓ ડાયાલિસીસની સારવાર લઇ પોતાનું જીવન ગુજારી રહ્યા છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં લાખો રૂપિયાનો ખર્ચો હોવાને કારણે મોટા ભાગના દર્દીઓ સરકારી હોસ્પિટલને પસંદ કરે છે. પરંતુ તેમાં પણ ડોક્ટર અને ટેક્નોલોજીના અભાવે દર્દીઓએ વધારે તકલીફ ભોગવવી પડે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top