Comments

ઉદ્યોગપતિ વિના ચાલેજ નહીં એવું સત્તાકારણ કોણે ઊભું ર્ક્યું?

આઝાદી પછી ભારતના વિકાસનો એક ચતુષ્કોણ રચવામાં આવ્યો હતો. એક ખૂણો ઉદ્યોગપતિઓનો હતો જેણે ભારતનું ઔદ્યોગિકીકરણ કરવાનું હતું અને એ રીતે રાષ્ટ્રીય ઉત્પાદનમાં વૃદ્ધિ કરવાની હતી તેમ જ લોકો માટે રોજગારીની તક પેદા કરવાની હતી. બીજો ખૂણો ખેડૂતોનો હતો, જેણે તાત્કાલિક ધોરણે ભૂખનો મોરચો સંભાળવાનો હતો અને લાંબે ગાળે ભારતને અન્નની બાબતમાં આત્મનિર્ભર કરવાનું હતું.

ત્રીજો ખૂણો કેન્દ્ર સરકારનો હતો, જેણે ભારતના ઔદ્યોગિકીકરણનું પોષણ થાય અને વેગ મળે એ રીતના મોટાં રોકાણવાળા ઉદ્યોગો (હેવી ઇન્ડસ્ટ્રીઝ) સ્થાપવાના હતા. એમ કહી શકાય કે ઉદ્યોગોના ઉદ્યોગો. એમાં વીજળી, પોલાદ, રેલ્વે, માર્ગો, ખાણ, રીફાઇનરી, ટેલિકોમ્યુનિકેશન્સ વગેરેનો સમાવેશ થતો હતો. આ સિવાય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સંશોધનનો મોરચો પણ સંભાળવાનો હતો.

ચોથો ખૂણો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો સંયુક્ત હતો જેમાં તેમણે ખેડૂતોને મદદ, માર્ગદર્શન, સબસીડી, ટેકાના ભાવ, ગોદામ, અન્ન વિતરણ વ્યવસ્થા, માર્કેટ અને કૃષિસંશોધન કરવાનાં હતાં.

પહેલાં દોઢ-બે દાયકા સુધી તો ચતુષ્કોણ સારો ચાલ્યો પણ જેવું ભારત અન્નની બાબતમાં સ્વાવલંબી થઈ ગયું એ પછી ભારતનો વિકાસનો જે ચતુષ્કોણ હતો એ ત્રિકોણમાં ફેરવાવા લાગ્યો. આનું મુખ્ય કારણ ભારતમાં બદલાયેલી રાજકીય વ્યવસ્થા હતું.

ચૂંટણીઓ ખર્ચાળ થવા લાગી, રાજકારણ સત્તાલક્ષી બની ગયું અને વહીવટીતંત્રમાં આળસ, અમલદારશાહી અને ભ્રષ્ટાચારે પ્રવેશ કર્યો, જેનો લાભ ઉદ્યોગપતિઓ લેવા લાગ્યા. એ યુગને લાયસન્સ-પરમીટ રાજ તરીકે ઓળખાતો હતો. હવે ભારતના ઉદ્યોગપતિઓ આર્થિક રીતે એટલા પુખ્ત બની ગયા હતા કે તેઓ પોતાના હિતમાં લોબિંગ કરી શકે અને ખાસ તેમના હિતનું ધ્યાન રાખે એવા નેતા કે નેતાઓને પાળી શકે.

એ યુગમાં મોડી રાતે નોટિફિકેશન નીકળતાં હતાં જેમાં ચોક્કસ ઉદ્યોગપતિને ફાયદો થાય એ રીતે કોઈ ચીજની આયાત ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવતો હતો અથવા કસ્ટમ ડ્યુટી વધારી દેવામાં આવતી હતી. ક્યારેક પ્રતિબંધ ઉઠાવવામાં આવતો હતો અથવા કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવતી હતી.

ચોક્કસ ઉદ્યોગપતિને ફાયદો થાય એમ આબકારી જકાત ઘટાડવામાં આવતી હતી અને તેના હરીફ ઉદ્યોગપતિને નુકસાન થાય એમ આબકારી જકાત વધારવામાં આવતી હતી. આ ઉપરાંત એ જમાનામાં યાદીનો મોટો મહિમા હતો. કેટલીક ચીજો કુટીર ઉદ્યોગની યાદીમાં, કેટલીક લઘુ ઉદ્યોગની યાદીમાં, કેટલીક મધ્યમ સ્તરના ઉદ્યોગની યાદીમાં અને બાકીની મોટા ઉદ્યોગની યાદીમાં. જેમ જેમ ઉદ્યોગપતિ ધરાતો ગયો તેમ તેની નવી ભૂખ ઉઘડતી ગઈ અને યાદી ઉપર નજર કરવા લાગ્યો.

મધ્યમ સ્તરના અને નાના ઉદ્યોગપતિઓ માટેની યાદીમાં અનામત રાખવામાં આવેલી ચીજોને ખુલ્લી કરાવવા લાગ્યો. અલબત્ત મોડી રાતનાં નોટિફિકેશનો દ્વારા, પાળેલા પ્રધાનો અને અમલદારો દ્વારા. બધું જ અનૈતિક હતું પણ કાયદેસર હતું, ગેરકાયદે કાંઈ નહોતું થતું. 

ઉદ્યોગપતિઓની હજુ વધુ ભૂખ ઉઘડી એટલે તેમણે સંસદસભ્યોને તેમ જ શાસકોને પટાવવા  લોબિંગ પાછળ ખર્ચ કરવાની જગ્યાએ પોતાના દલાલોને જ સંસદસભ્ય બનાવવાનું શરૂ કર્યું. જે તે રાજકીય પક્ષો રાજ્યસભાની ટીકીટ વેચવા લાગ્યા, જે ઉદ્યોગપતિઓ તેમના દલાલો માટે ખરીદતા હતા.

આમાં ફાયદો એ હતો કે સંસદસભ્યોને કેટલીક માહિતી પ્રજા કરતાં પહેલી મળતી હતી. સંસદસભ્ય બનેલો દલાલ ઝીરો અવરમાં પોતાના માલિકને ફાયદો થાય અથવા હરીફને નુકસાન થાય એવા પ્રશ્ન પૂછી શકે. સંસદસભ્ય બનેલો દલાલ પોતાનો માલિક જે ઉદ્યોગ કરતો હોય એ ક્ષેત્રની સંસદીય સમિતિઓમાં સભ્ય તરીકે ગોઠવાઈ જાય. ઉદ્યોગપતિ જો ખનીજ તેલની રીફાઇનરીનો માલિક હોય તો તેનો દલાલ સંસદસભ્ય પેટ્રોલિયમ મીનીસ્ટ્રીની સંસદીય સમિતિમાં અચૂક સ્થાન મેળવશે.

મોંઘીદાટ ચૂંટણીઓ લડવાની હતી, સત્તામાં પહોંચવું હતું, સત્તામાં ટકવું હતું, પોતાનાં વંઠેલાં સંતાનોને રાજકારણમાં ગોઠવવાનાં હતાં, હરીફોને માત કરવાના હતા, ગુંડાઓને પાળવાના હતા, પોલીસથી લઈને સીબીઆઈ સુધીના અમલદારોને તેમનો હિસ્સો આપવાનો હતો.

આખી અમલદારશાહીને મેનેજ કરવાની હતી અને આ ઉપરાંત હાઈ કમાંડને પૈસા કમાવીને આપવાના હતા. આ બધું ઉદ્યોગપતિની મહેરબાની વિના શક્ય નહોતું. ઉદ્યોગપતિઓ હોંશે હોંશે મદદ કરવા તૈયાર હતા. આખરે તેઓ એકબીજાને તો લૂંટતા નહોતા, જે લૂંટ હતી એ દેશની હતી.

હવે આમાં બાપડો ખેડૂત શું કરે? એણે તો આખેઆખો ખૂણો જ ગુમાવી દીધો અને તેની નજર સામે ચતુષ્કોણ ત્રિકોણ બની ગયો. રમત જુઓ; ઉદ્યોગપતિ બેંકમાંથી કાચી સિક્યુરિટીઝ સામે હજાર રૂપિયાનું ધિરાણ લે, એમાંથી પચાસ રૂપિયા અમલદારને આપે અને ધિરાણ પાછું નહીં વાળીને બેંકને ડુબાડે. બીજી બાજુ ગામડામાં ખેડૂત બેંકમાંથી સો રૂપિયાનું ધિરાણ લે એમાંથી ૮૦ રૂપિયા વચેટિયા ખાઈ જાય, ખેડૂતની જમીન ગીરવે રાખીને દેવાદાર બનાવે અને તે જો ધિરાણ ચૂકવી ન શકે તો જમીન હાથમાંથી જાય.

ઉદ્યોગપતિ તેને મળતી કરોડો રૂપિયાની સબસિડીનો ટકો-બે ટકો સબસિડી મંજૂર કરનારા અમલદારને ઘૂસ આપવા પાછળ ખર્ચે અને ખેડૂત દસ હજારની સબસિડીનો કમસેકમ પાંચથી સાઈઠ ટકા હિસ્સો સબસિડી મંજૂર કરનારા અમલદારને આપે. રાષ્ટ્રીય રાજકારણમાં ૧૯૮૦ પછીથી ખેડૂત અને કૃષિઉદ્યોગ કેન્દ્રમાંથી હાંસિયામાં ધકેલાઈ ગયા  અને હવે રાજ્યોમાં પણ તે હાંસિયામાં ધકેલાઈ રહ્યા છે.    

આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top