Charchapatra

શિયાળાની સુરતી વાનગી ‘લીલા લસણનું કાચુ’

શિયાળામાં માગસર મહિનામાં વાતાવરણમાં ઠંડક હોવાથી સુરતીઓ જમણમાં વરાછાનું લાલ કળીવાલા લીલા લસણનો ઉપયોગ વધારે કરે છે. ખત્રી જ્ઞાતિમાં શિયાળામાં ‘કાચુ પુરી’નું જમણ યોજવામાં આવે છે, જેમાં દીકરી-જમાઈ ને જમવા બોલાવવાનો રિવાજ ચાલી આવેલો છે. લીલા લસણમાંથી બે પ્રકારનું કાચુ બને છે. વેજ અને નોનવેજ. લીલા લસણને ઝીણું સમારવામાં આવે છે, જેમાં તલના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. વેજ કાચુ બનાવવા માટે બાફેલા બટાકા અને લીલા લસણનો ઉપયોગ થાય છે. તલનું તેલ અને મીઠું મરચું મેળવી બનાવેલી ચટણી ‘કાચુ’ કહેવાય છે.

નોનવેજ કાચુ બનાવવામાં નોનવેજનો ઉપયોગ કરવામાં આવે છે. ( જે બનાવવામાં ખત્રી બહેનોની માસ્ટરી છે) લીલા લસણનું કાચુ બનાવવા માટે તેને ગેસ પર ચઢાવવામાં આવતું નથી એટલે આ સુરતી વાનગી ‘કાચુ’ તરીકે ઓળખાય છે. તપેલાની નાની પુરી સાથે કાચુ ખાવામાં આવે છે. લીલા લસણમાં કાચુ ઘી અને મીઠું મરચું ઉમેરી થાળીમાં ઠારવામાં આવે છે, જેના મીઠાઈ જેવા ચોસલા પાડવામાં આવે છે, જે ‘ઠારેલું લસણ’કહેવાય છે.  ઝીણું લસણ સમારવામાં  બહુ મહેનત પડે  છે. પહેલાં સંયુક્ત કુટુંબમાં બહેનો આ કામ સહજતાથી કરી લેતી હતી. ૠતુ પ્રમાણેનું જમણ એ સુરતીઓની આગવી શૈલી છે. કોઈ વ્યક્તિ બહુ વાતે વળગે ત્યારે તે વ્યક્તિ ને ‘બહુ ઝીણું લસણ છોલે છે’ એવું કહેવાય છે.
સુરત.              -કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સુરતમાં લાખોની વસતિ વધી પણ ચૌટાબજાર તો એટલું જ છે
સુરત મનપા વડે રસ્તા પરનાં દબાણો હટાવવાની કામગીરી ચાલુ છે. આવું તે વચ્ચે વચ્ચે કરે છે ને પછી ફરી દબાણ કરનારાઓ આવી જાય છે. મનપાના અધિકારીઓ તેમને પોતાના ખિસ્સાં ભરી પોષે પણ છે અને એટલે જ દબાણ કરનારા તેમનું કહ્યું માનતા નથી. ચૌટાબજારમાં સૌથી વધુ દબાણ થાય છે અને થશે. આ ચૌટાબજાર ત્યારનું છે, જયારે સુરતની વસતિ માત્ર અમુક લાખમાં હતી અને લાખોમાં થઇ છે.

આટલા વર્ષમાં ચૌટાબજારની જગ્યા મોટી થવી જોઇતી હતી પણ એવું શકય બન્યું નથી. વસતિ લાખોની થાય તો ચૌટાબજારમાં આવનારાં ગ્રાહકો પણ વધવાનાં જ. એ આખો વિસ્તાર જૂના વસાહતીઓથી ભરેલો છે અને તે બધાને જ બજાર વિસ્તારમાં ફેરવી ન શકાશે એટલે ચૌટાબજારમાં દબાણકર્તાની સમસ્યા રહેવાની જ છે. મનપાએ કોઇ લાંબા ગાળાની યોજના વિચારવી જોઇએ, બાકી દબાણો દૂર કરવાની તેમની કામગીરી પર ભરોસો નથી.
સુરત     – નીલુ ત્રિવેદી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

હું તારું ઢાંકુ તું મારું ઢાંક
ગુલામ ભારતમાં લખ્ખી મોટાઇ મારવા માટેના ગઠબંધન કે સંબંધોમાં ‘હું તને રાવ સાહેબ કહું તું મને ખાન સાહેબ કહેજે ‘જેવી સંધિની બોલ બાલા હતી. બે નંબરની આઝાદીમાં બીજો અવતાર બનીને ઢાંક પીછોડાની રાજ રમતમાં છેતરપિંડી અને પાટાપીંડીનું રાજકારણ મફતનું અને હરામનું લેવા ખાવાની યોજનાઓમાં સહાય અને સહકારના ઓઠે ભ્રષ્ટાચારને કાયદેસરનો કરી દેવાયો છે. તેમાં કોઇ જણને પણ સતકર્મ અને દુષ્કર્મ વચ્ચેની ભેદરેખા સોલરના પાવરમાં પણ દેખાતી નથી.
ધરમપુર  – ધીરુ મેરાઇ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top