Comments

જોડીને બદલે ત્રિમૂર્તિ બનશે?

‘ભારતીય જનતા પક્ષ ઇતિહાસ સર્જવા જઇ રહ્યો છે-’ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પક્ષના રાજયના સર્વેસર્વા યોગી આદિત્યનાથના મતગણતરી પૂર્વેના આ શબ્દો આગાહીરૂપ બની ગયા. પાંચ વર્ષની મુદ્દત પછી પોતાની સફળ કારકિર્દી પૂરી કરી મુખ્યમંત્રીપદ જાળવી રાખનાર પ્રથમ મુખ્યમંત્રી બનવાનો પણ તેમણે ઇતિહાસ રચ્યો છે અને રાજયમાં સત્તા જાળવી રાખનાર પ્રથમ રાજકીય પક્ષ બનીને પણ ભારતીય જનતા પક્ષે ૩૬ વર્ષનો ઇતિહાસ રચ્યો છે. દિલ્હીના સીમાડે નોઇડાની મુલાકાત – લેનાર કોઇ પણ સત્તાધીશ મુખ્યપ્રધાન સત્તા પર ટકી શકતો નથી એવી લોકવાયકાને પણ યોગીએ ખોટી પાડી છે. આ ઇતિહાસ કેમ રચાયો? ઘણા જવાબ છે અને ઘણા વિશ્લેષણ છે.

પરિપૂર્ણ જ્ઞાતિ સંયોજન હતું કે મફત અનાજ, આવાસ અને શૌચાલય જેવી સવલતો – લાભાર્થીઓ વરસી પડયા? હા, આ જુદાં જુદાં પરિમાણમાં ફાળો આપનાર પરિબળ બન્યું, પણ આ તમામ પરિબળોની પશ્ચાદ્‌ભૂમાં એક બાજુ મોટું પરિબળ કામ કરતું હતું જેણે યોગીની આગાહી સાચી પાડી. દેખીતી રીતે ભારતીય જનતા પક્ષની હિંદુત્વ અને સમાજવાદી પક્ષની જ્ઞાતિ કેન્દ્રિત વિચારધારા વચ્ચેનો જંગ હતો તે મારા એમ.વાય. અને અમારા એમ.વાય. વચ્ચેનો જંગ હતો. સમાજવાદી પક્ષના એમ.વાય. એટલે મુસ્લિમો અને યાદવોનું સંયોજન જે તેના વડા અખિલેશ યાદવે પોતાના પિતા અને માંડલ રાજકારણના માસ્ટર મુલાયમસિંહ યાદવ પાસેથી વારસામાં મેળવ્યું છે. ભારતીય જનતા પક્ષના મતે એમ.વાય. જૂદું જ પરિમાણ છે જેણે ઉત્તર પ્રદેશમાં માત્ર ઇતિહાસ રચવામાં જ મદદ નથી કરી, પણ ભવિષ્યના રાજકારણ પર મજબૂત પ્રભાવ પેદા કરવામાં આવ્યો છે. તેને માટે એમ. એટલે મોદી અને વાય. એટલે યોગી. આ સંયોજને અગાઉના એમ.એસ. એટલે મોદી – શાહ સંયોજનનું સ્થાન લીધું હતું.

ગૃહ પ્રધાન અમિત શાહે હરીફોને પછાડવા ‘સમયસર પગલાં’ લીધાં હતાં. પણ ઉત્તર પ્રદેશમાં તો મોદી – યોગી જુગલબંધી જ કામ કરી ગઇ. મોદી સામાજિક કાર્યક્રમો અને રાજકીય યોજનાઓ ઘડે અને યોગી તેનો અમલ કરે. આ સંદર્ભમાં બુલડોઝરની સરખામણીને જોવાની રહે છે. પછી ઇતિહાસ સર્જાય જ ને! દિવસો જાય તેમ ઇતિહાસનું સુપેરે વિશ્લેષણ થઇ શકે છે અને પોસ્ટમોર્ટમ પણ! મોદી વડા પ્રધાન બન્યા પછી પહેલી વાર પોતાના ખાસ વિશ્વાસુ અમિત શાહને બદલે અન્ય સાથે વધુ દેખાયા. લોકસભામાં ઉત્તર પ્રદેશની ૮૦ બેઠકોને કારણે મોદીને કછોટો બાંધી ચૂંટણી મેદાનમાં કૂદી પડવું પડયું અને યોગી સાથે સંયોજન કરવું પડયું જેણે આશ્ચર્યજનક પરિણામ આપ્યાં. વિજય સભાને સંબોધતાં મોદીએ કહ્યું હતું: આશા રાખું છું કે પંડિતોમાં એવું કહેવાની હિંમત આવે કે ૨૦૨૨ એ ૨૦૨૪ નો નિર્ણય કરી નાંખ્યો છે. ભારતીય જનતા પક્ષે ૨૦૧૩ માં જેટલી બેઠક મેળવી હતી તેના ગણનાપાત્ર પ્રમાણમાં ઘટાડો થયો છે અને સમાજવાદી પક્ષની બેઠકમાં અસરકારક વધારો થયો છે. છતાં બંને વચ્ચેનો તફાવત મોટો છે. અન્ય પરિબળો ઉપરાંત ભારતીય જનતા પક્ષ એમ.વાય. પરિબળને કારણે વિજેતા બન્યો છે. હવે યોગી આદિત્યનાથ પક્ષના રાષ્ટ્રીય મંચ પર આવ્યા છે. હવે મોદી – શાહની જોડી ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી સહિતના આયોજનમાં ત્રિમૂર્તિમાં પરિવર્તન પામશે? તેઓ મોદીના વારસા માટેના હકકદાર બનશે?

માયાવતી અને કોંગ્રેસના ધબડકાએ ભારતીય જનતા પક્ષને આડકતરી રીતે મદદ કરી છે. બહુજન સમાજ પક્ષને તેના થોડા દલિત મત મળ્યા પણ મોટા ભાગના ભારતીય જનતા પક્ષને મળ્યા. બહુલ પાંખિયા જંગમાં માયાવતીના પક્ષને માર પડયો પણ સમાજવાદી પક્ષ સાથેની સીધી લડાઇમાં ભારતીય જનતા પક્ષને ફાયદો જ થયો છે. લાભાર્થીઓની બનેલી મતબેંકે સમાજવાદી પક્ષનું સફરજનનું ગાડું ઉથલાવી દીધું. લાભાર્થી બેંકમાં ધર્મ નહીં પ્રવેશ્યો હોય તોય જ્ઞાતિઓ તો હતી જ. ભારતીય જનતા પક્ષને ખેડૂતોનું આંદોલન નડે એવી ભીતિ રખાતી હતી પણ એવું નહીં થયું. ખાસ કરીને કેન્દ્રમાં ગૃહ ખાતાના રાજય કક્ષાના પ્રધાનના દીકરાને કહેવાતો કચડી નંખાયો હતો. તે મીલીભીત વિસ્તારમાં ભારતીય જનતા પક્ષને ખાસ મુશ્કેલી નહીં પડી. કોંગ્રેસના નેતા પ્રિયંકા વાડ્રા ગાંધીએ કાયદો અને વ્યવસ્થાના મામલે મહિલા સભા યોજી પણ યોગીની મહિલા સભા મેદાન મારી ગઇ. આખરે તો મોદી મેજિક પક્ષનાં છીંડાં પૂરવામાં મદદરૂપ થયો. મોદીભકતોની સંખ્યા અખંડ રહેવા સાથે મોદીનો હિંદુત્વ એજન્ડા જીતી ગયો છે એવું માનનારની સંખ્યા પણ અખંડ રહેવાની છે ત્યારે વિપક્ષોએ હવે વિચાર કરવો રહ્યો.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top