Entertainment

દક્ષિણનો વિજય દેવરકોંડા અનન્યા પાંડેને મોટી સફળતા અપાવશે?

દક્ષિણના અભિનેતાઓને બોલિવૂડમાં વધારે મહત્ત્વ મળી રહ્યું હોવાથી હિન્દી ફિલ્મોના અભિનેતાઓની ચિંતા વધી રહી છે. પ્રભાસ અને વિજય સેતુપતિ પછી વિજય દેવરકોંડા પણ ઘણી ફિલ્મો મેળવી રહ્યો છે. અત્યાર સુધી બોલિવૂડના અભિનેતાઓ સાથે જ ફિલ્મો બનાવતાં કરણ જોહરના ધર્મા પ્રોડક્શન દ્વારા દક્ષિણના વિજય દેવરકોંડા સાથે રૂ.100 કરોડમાં ત્રણ ફિલ્મોની ડીલ કરાવમાં આવી હતી. જેમાંની પ્રથમ ‘લાઇગર: સાલા ક્રોસબીડ’ પાંચ ભાષામાં તૈયાર થઇ રહી છે. પુરી જગન્નાથ નિર્દેશિત આ ફિલ્મનું પાવર પેક ટીઝર તેના જન્મદિવસે ૯ મી મેના રોજ રજૂ થવાનું હતું. પરંતુ કોરોનાને કારણે ટીઝરની રજૂઆત મોકૂફ રાખવામાં આવી હતી. વિજયની તેલુગુ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ ની હિન્દીમાં શાહિદ કપૂર સાથે ‘કબીર સિંઘ’ નામથી રીમેક બનાવવામાં આવી હતી. તેની સફળતા પછી વિજયને દર્શકો વધારે ઓળખવા લાગ્યા હતા.

એ વાતનો લાભ બોલિવૂડના નિર્માતાઓ લઇ રહ્યા છે. ‘લાઇગર’ નો પહેલો લુક રજૂ કરવામાં આવ્યો ત્યારે બોક્સિંગ ગ્લવ્સ સાથે ગુસ્સામાં દેખાતા વિજયની પાછળ સિંહ અને વાઘનું મિશ્ર ચિત્ર આપ્યું હતું. તેને જ લાઇગર કહેવામાં આવે છે. વિજય પાસે દક્ષિણની ફિલ્મો પણ હોવાથી તે કરણની ફિલ્મો પોતાને સમય મળે એ પ્રમાણે કરવાનો છે. ‘લાઇગર’ માં વિજયની હીરોઇન બનેલી અનન્યા પાંડેએ બોલિવૂડમાં હજુ બે વર્ષ પૂરાં કર્યાં છે પરંતુ પોતાનું એક અલગ સ્થાન બનાવી દીધું છે. ‘લાઇગર’ માં તે પહેલી વખત સોલો હીરોઇન તરીકે ચમકવાની છે. વિજય તેને મોટી સફળતા અપાવી શકે છે. ‘સ્ટુડન્ટસ ઓફ ધ યર- ૨’ માં કોલેજની એક છોકરીની ભૂમિકા ભજવનાર અનન્યા કાર્તિક આર્યન સાથેની ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો’ પછી એક પરિપકવ અભિનેત્રી ગણાવા લાગી છે. ઇશાન સાથેની ‘ખાલી પીલી’ માં તેણે એક બમ્બઇયા છોકરીની ભૂમિકા કરી હતી. અત્યારે તે નિર્દેશક શકુન બત્રાની સિધ્ધાંત ચતુર્વેદી અને દીપિકા પાદુકોણ સાથેની અનામ ફિલ્મ કરી રહી છે. બોલિવૂડમાં અનન્યાનું મહત્ત્વ વધી રહ્યું છે.

પાપારાઝી સતત તેના નવા નવા લુકમાં ફોટો લઇ રહ્યા છે. અરબાઝ ખાને તેના ચેટ શોમાં તેને બોલાવી હતી. લેકમે ફેશન વીકના આ વર્ષના ગ્રાન્ડ ફિનાલેમાં તેને રેમ્પ પર વૉક કરવા બોલાવવામાં આવી હતી. સોશ્યલ મીડિયા પર અનન્યા પોતાના બોલ્ડ અવતારથી પણ ચાહકોની સંખ્યા વધારી રહી છે. કરીના કપૂરે અનન્યાને પોતાના શોમાં તે ફેશનેબલ હોવાથી ખાસ બોલાવી હતી કેમ કે આજની છોકરીઓ તેની ફેશનની નકલ કરે છે. કરીનાએ એને કહ્યું હતું કે જો આજે ‘કભી ખુશી કભી ગમ’ બને તો એમાં ‘પૂ’ નું પાત્ર એ વધારે સારી રીતે ભજવી શકે છે. અનન્યા માટે આ બહુ મોટી પ્રશંસા હતી. અનન્યાની જેમ સારા અલી ખાન, જહાનવી કપૂર અને અલાયા એફ. જેવી હીરોઇનો આગળ વધવા પ્રયત્ન કરી રહી છે. અનન્યાએ પોતાની પહેલી ફિલ્મ ‘સ્ટુડન્ટસ ઓફ ધ યર- ૨’ માટે શ્રેષ્ઠ નવોદિત મહિલાનો એવોર્ડ મેળવ્યો હતો એ જ રીતે પૂજા બેદીની પુત્રી અલાયા એફ. ને આ વર્ષે તેની ‘જવાની જાનેમન’ ના અભિનય માટે ફિલ્મફેરનો એ એવોર્ડ મળ્યો છે. અનન્યાને ફિલ્મફેરનો એવોર્ડ મળ્યો ત્યારે તેને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી હતી. જ્યારે અલાયાની પ્રશંસા થઇ છે પરંતુ તેને બીજી ફિલ્મો મળી રહી નથી.

અનન્યા પોતાના સ્ટાઇલીશ લુકથી છવાઇ રહી છે ત્યારે અલાયા સોશ્યલ મીડિયામાં ખાસ સક્રિય નથી. અલાયાને નિર્માતા જેકી ભગનાનીએ ‘જવાની જાનેમન’ પછીની ફિલ્મ માટે સાઇન કરી રાખી છે. એ ફિલ્મ ક્યારે શરૂ થશે તે કહી શકાય એમ નથી. તેણે ચર્ચામાં રહેવા ગાયક ગોલ્ડી સોહેલના ‘આજ સજેયા’ નામના લગ્નગીતના વીડિયોમાં આધુનિક કન્યાના રૂપમાં કામ કર્યું હતું. તે લોકપ્રિય થયો ન હતો. જહાનવી કપૂર પાસે પણ ઉલ્લેખનીય ફિલ્મો નથી. તે શશાંક ખેતાનની ‘રણભૂમિ’ અને કરણ જોહરની ‘તખ્ત’ માં કામ કરી રહી છે. કોરોનાને કારણે ઘણી ફિલ્મોનાં આયોજન આગળ વધી રહ્યાં નથી. જે ફિલ્મોના શૂટિંગ શરૂ થયાં હતાં એ પણ અત્યારે બંધ છે. અત્યારે અભિનેત્રીઓમાં સ્પર્ધાનું વાતાવરણ નથી.

ઓટોગ્રાફ! અર્જુન કપૂરે હમણાં કહ્યું છે કે, ‘‘અભિનયમાં મેં નવ વર્ષ પૂરાં કર્યાં છે.’’ (અર્જુન, તારી ગણતરી સાચી છે ને? કેમ કે છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી તું અભિનયને બદલે તારાથી ઉંમરમાં બાર વર્ષ મોટી મલાઇકા સાથેના સંબંધને કારણે જ ચર્ચામાં છે!)

Most Popular

To Top