Columns

આપતાં શીખશે

એક સાધુ તેમના એક શિષ્ય સાથે રોજ ગામમાં ભિક્ષા માંગવા જાય અને પહેલા પાંચ ઘરમાંથી જે ભિક્ષા મળે તેમાંથી જ દિવસમાં ગુરુ શિષ્ય એક વાર જમે. જો ઓછું મળે તો ચલાવી લે અને વધારે મળે તો અન્યને આપી દે.પોતાની પાસે કંઈ જ રાખે નહિ. સાધુને ગામમાં બધા જ ઓળખે અને જયારે જયારે સાધુ આંગણે આવી ઊભે તેમને પ્રેમથી ભિક્ષા આપે.એક દિવસ સાધુ  નિયમ મુજબ પોતાના શિષ્ય સાથે ભિક્ષા માંગવા નીકળ્યા.એક ઘરમાં નવી વહુ લગ્ન કરીને આવી હતી. નવી વહુ સ્વભાવે કંજૂસ અને તુમાખીવાળી હતી.તેને સાધુ સંતો પર ભરોસો ન હતો તે બધાને પાખંડી જ સમજતી.સાધુએ તેના આંગણે જઈને ‘ભિક્ષા ન દેહિ’નો પોકાર કર્યો.સાસુએ નવી વહુને સાધુને ભિક્ષા આપવા કહ્યું.

વહુ સાસુની વાત સાંભળી ઊભી થઈને બારણા પાસે આવી અને સાધુને ભિક્ષામાં લોટ આપવાને બદલે તેણે ગુસ્સા સાથે બે મુઠ્ઠી રાખ સાધુની ઝોળીમાં ઠાલવી દીધી.સાધુની સાથે આવેલા શિષ્યે જોયું કે આ નવી વહુએ ભિક્ષા આપી પણ પ્રેમથી નથી આપી અને રાખ ઝોળીમાં નાખી તેથી આ ઝોળીમાં બીજેથી ભિક્ષામાં મળેલો લોટ પણ નકામો થઇ ગયો કારણ રાખને લોટથી જુદી કઈ રીતે કરવી.શિષ્યને ગુસ્સો પણ આવ્યો પણ તે કંઈ બોલે તે પહેલાં સાધુ ‘બેટા તારું ભલું થજો’ કહી’ અલખ નિરંજન કહેતાં આગળ વધી ગયા.

શિષ્ય પણ તેમની પાછળ આગળ વધી ગયો અને તેણે સાધુને કહ્યું, ‘ગુરુજી, આ સ્ત્રીએ તમને ભિક્ષામાં રાખ આપી અને ભિક્ષામાં મળેલો બધો લોટ નકામો થઇ ગયો.આજે હવે આપણે તે સ્ત્રીના હલકા કૃત્યને લીધે  ભૂખ્યા રહેવું પડશે અને તેમ છતાં તમે તેને આશીર્વાદ આપ્યા?’ સાધુ બોલ્યા, ‘વત્સ, તું મન ખરાબ ન કર.આજે ઈશ્વરની એવી મરજી હશે કે આપણે ઉપવાસી રહીને તેમનું ભજન કરીએ અને જો સાંભળ મારી વાત, જે થયું તે સારા માટે થયું છે. જો તે સ્ત્રી કમને ,પ્રેમ વિના ભિક્ષામાં લોટ આપત તો પણ તે રાખ સમાન જ ગણાત એટલે સારું થયું તેણે લોટ ન આપ્યો અને બીજી વાત, ભલે રાખ તો રાખ. આજે તે સ્ત્રીએ રાખ આપી છે…કંઈ પણ આપતાં તો તે શીખી. હવે આગળ જતાં એવું થશે તે અન્યને ઉપયોગી વસ્તુ પણ આપશે.’ સાધુએ પોતાની સમતા અને સમજ શિષ્યને સમજાવી અને દુઃખી થયા વિના પ્રભુભજનમાં મન લગાવવા કહ્યું અને પોતે ભજન ગાવા લાગ્યા.
          – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top