Sports

શું બેન્ચ પર બેસીને અર્જૂન તેંદુલકરની પ્રતિભા વેડફાઇ જશે?

અર્જુન તેંદુલકરે રણજી ટ્રોફીમાં પોતાના પિત સચિન તેંદુલકરની ટીમ મુંબઈ તરફથી ડેબ્યૂ કરવા માટે લાંબા સમય સુધી રાહ જોઈ હતી. પણ આખરે એમ ન થતાં તે ગોવા તરફ વળ્યો અને ડેબ્યૂ મેચની પ્રથમ ઇનિંગ્સમાં સદી ફટકારીને પિતાના રેકોર્ડની બરાબરી કરી લીધી. જો કે તેની એ સદી છતાં મુંબઇ ઇન્ડિયન્સમાં હજુ સુધી તેને એ લાયક સમજાયો નથી કે તેને પ્લેઇંગ ઇલેવનમાં કે પછી ઇમ્પેક્ટ પ્લેયર તરીકે સ્થાન મળે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ તેની સાથે મુંબઇની રણજી ટીમ જેવું જ વર્તન થઇ રહ્યું છે. તે 3 સીઝનથી ટીમનો ભાગ છે પરંતુ છતાં તેને એકપણ મેચ રમવા મળી નથી અને તે હજુ પણ પોતાની પ્રથમ મેચની રાહ જોઈ રહ્યો છે. ટીમે અર્જુનને આ સિઝનની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની તેમની શરૂઆતની મેચમાં તક પણ આપી ન હતી.

અર્જુનને તક ન મળવી એ વિચિત્ર બાબત કેમ છે
કેપ્ટન રોહિત શર્માની ટીમમાં અરશદ ખાન હતો જેણે 3 લિસ્ટ-એ મેચમાં 3 વિકેટ લીધી હતી. નેહલ વાઢેરા અને ઋત્વિક શોકિનને સ્થાન મળ્યું, પરંતુ અર્જુન ઇમ્પેક્ટ પ્લેયર માટે જાહેર કરાયેલા ખેલાડીઓની યાદીમાં પણ સ્થાન મેળવી શક્યો નહીં. ચાહકો માટે તે થોડું વિચિત્ર હતું. એમાં કોઈ શંકા નથી કે અર્જુન સ્ટાર પિતાનો પુત્ર છે, પરંતુ એ વાતને એમ જ નકારી ન શકા.ય કે તે પરફોર્મ નહીં કરી શકે. તેની અજમાયશ કરવા વગર તેના માટે એવી ગ્રંથી બાંધી લેવી એ તેની સાથે અન્યાય થયેલો ગણાશે અને લોકો એમ જ સમજશે કે મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાં અર્જુનનો સમાવેશ તેની પ્રતિભાને કારણે નહીં પણ તેના પિતા સચિનની વગને કારણે કરવામાં આવ્યો હતો. .

સચિનના આદર સાથે જોડીને ચાહકોને થતો સવાલ
અર્જુન તેંદુલકરને બે સિઝનથી મુંબઇ ઇન્ડિયન્સ બેન્ચ પર બેસાડતી રહી છે. તેને જે રીતે બેન્ચ પર બેસાડી રાખવામાં આવ્યો છે તેને લઇને લોકો ભાત ભાતની વાતો કરે છે. ચાહકો તો સોશિયલ મીડિયા પર અર્જુનને ટીમમાં સામેલ ન કરવા બદલ તેને દિગ્ગજ સચિનના સન્માન સાથે જોડી રહ્યા છે. તેમના મતે અર્જુનને બેન્ચ પર બેસાડવા પાછળનું મુખ્ય કંઇક બીજુ છે. કેટલાક તો એવું પણ માને છે કે અર્જુને જે રીતે મુંબઈ રણજી ટીમ છોડી હતી તે રીતે મુંબઈ ઈન્ડિયન્સ છોડી દેવી જોઈએ. જો આવું થાય તો નવાઈ નહીં.

શું અર્જુનને આગામી મેચમાં તક મળશે?
છેલ્લી બે સિઝનથી બેન્ચ પર બેસીને ધીરજની કસોટીની એરણ પર ટીપાઇ રહેલા અર્જુન તેંદુલકર માટે મુંબઈ ઇન્ડિયન્સની યોજના શું છે તે ફક્ત સુકાની રોહિત શર્મા અને કોચ માર્ક બાઉચર જ કહી શકે છે, જો કે મોટાભાગના ચાહકો તેને આગામી મેચમાં રમતા જોવા માંગે છે. જોકે, મુંબઈ ઈન્ડિયન્સનો મૂડ અર્જુનને તક મળે તેવો દેખાતો નથી. જો તે બીજી મેચ બેન્ચ પર વિતાવે તો નવાઈ નહીં.

Most Popular

To Top